દિવાળીના તહેવારમાં ફટાકડા ફોડવાના પ્રતિબંધ કે અમૂક જ કલાક ફટાકડા ફોડવા તે અંગેના ફરમાનો પ્રત્યેક રાજ્ય પોતપોતાની રીતે કરે છે તેવી જ રીતે જુદા જુદા રાજ્યોની કોર્ટ પણ દેશભરમાં એક પ્રકારનું સાતત્ય જળવાય તે પ્રકારના નિર્ણયો લેવાની જગ્યાએ નાગરિકોમાં દ્વિધા ઉભી થાય તેમ નિર્દેશ આપતી હોય છે ત્યારે સોશિયલ મીડિયામાં ફરી તહેવારોની ઉજવણી પર નિયંત્રણો કેમ તેવી પોસ્ટનો ખડકલો જોઈ શકાય છે.
નાગરિકો રોષ વ્યકત કરી રહ્યા છે કે હોળી પાણી અને રંગથી પણ નહીં માત્ર તિલકથી ઉજવવી તેવો પ્રચાર થાય છે. ખરેખર પાણીનો વધુ બગાડ ન થાય તેમજ નુકશાનકારક રંગ ન વપરાય તેના પર ભાર મૂકવો જોઈએ તેની જગાએ હોળીનો તહેવાર તેનો હાર્દ ગુમાવી રહ્યો છે.
સોશિયલ મીડિયામાં નાગરિકો રોષ વ્યક્ત કરે છે
વિશ્વભરના દેશો તેમની રીતે હોળી રમે છે કે કેમ્પ ફાયર કરતા જ હોય છે. નવરાત્રિની ઉજવણી જ પ્રતિબંધ માટે રાજ્ય સરકારને દેખાઈ. પાર્ટી પ્લોટમાં નિયંત્રણ સાથે ગરબા રાખી જ શકાય હોત. હજારો, લાખોની ભીડ યાત્રાધામ, મંદિર અને મોલમાં થતી જ રહી છે.

તેવી જ રીતે શિવરાત્રિનો તહેવાર આવે એટલે ભગવાન શિવ પર પાણી કે દૂધનો અભિષેક ન કરો તેવો પ્રચાર અમૂક વર્ગ વહેતો કરે છે. આમાં પણ બગાડ ઓછામાં ઓછો થાય તેમ મેસેજ આપવાની જગાએ પરંપરા અને શ્રધ્ધાને નાબૂદ કરવાનો સુઆયોજિત પ્રયત્નજ દેખાય છે. ઉત્તરાયણના તહેવારમાં જીવદયાનો ખ્યાલ ઉત્તમ અને આવકાર્ય છે પણ તક ઝડપીને તહેવાર વિરોધી ટોળકી પતંગ ચગાવવા પર જ પ્રતિબંધ આવી જાય તે હદે શોરબકોર કરે છે.
વાયુ પ્રદુષણનું સ્તર ખૂબ જ ચિંતાજનક
દેશમાં પ્રદુષણે માઝા મુકી છે. દિલ્હી સહિત દેશમાં વાયુ પ્રદુષણનું સ્તર ખૂબ જ ચિંતાજનક છે. નદીઓમાં ઢોરના ચામડા, રસાયણો અને ગટર ઠલવાતી રહે છે. ઇલેકટ્રોનીક ગેજેટસ દરિયામાં લાખો ટન ઠલવાય છે. કચરાના પર્વતો ઠેર ઠેર ખડા થયા છે. તો પણ દિવાળીના તહેવારના બે દિવસ માટે ફટાકડા ફૂટે તેમાં પણ એક વર્ગ દેકારો બોલાવી રહ્યો છે. જુદી જુદી કોર્ટમાં આ માટેની પીઆઈએલ કરી દેવાય છે.

હવે સુપ્રીમ કોર્ટે આવકાર્ય ચૂકાદો આપ્યો છે કે સ્વાસ્થ્યને હાનિકર્તા ન હોય તે રીતે બનેલા ફટાકડા ફોડી જ શકાય. આ માટે લાયસન્સ કે ફટાકડાની ગુણવત્તા જોવાની જવાબદારી જે તે રાજ્ય સરકારની છે. પ્રત્યેક રાજ્ય સરકારે પણ તેની વોટ બેંકને નજરમાં રાખી અમૂક વર્ગને ખુશ કરવા તહેવારની ઉજવણી પર પ્રતિબંધ કે નિયંત્રણ નું રાજકારણ ન ખેલવું જોઈએ.