fbpx
Saturday, April 20, 2024

હાર્દિક પટેલે પાટીદારોને શાનો ફાંકો મનમાં હોય તો કાઢી નાંખવા કહ્યું ? પાટીદારોની એકતા વિશે શું કર્યો કટાક્ષ ?

જસદણમાં શનિવારે યોજાયેલા પાટીદાર સંમેલનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે પાટીદારોમાં એકતા નથી એવો બળાપો કાઢ્યો હતો. રાજકોટ જસદણ પાટીદાર શૈક્ષણિક ભવનના લોકાર્પણ કાર્યક્રમમાં બોલતાં હાર્દિક પટેલે કહ્યું કે, પાટીદારોમાં યુનિટી છે, પાટીદારો બધા એક છે એવો ફાંકો કોઈના મનમાં હોય તો કાઢી નાખજો.

હાર્દિક પટેલે પાટીદારોની એકતા અંગે કટાક્ષ કરતાં કહ્યું કે, કોઈ કાર્યક્રમ માટે માત્ર ચોગાનમાં એકઠા થવું એ યુનિટી નથી. પાટીદારોએ રાજકિય અને સામાજિક ક્ષેત્ર પણ યુનિટી બતાવવી જોઇએ.

જો કે આ કાર્યક્રમમાં ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલે હાર્દિક પટેલ તથા અલ્પેશ કથીરિયાનાં પાટીદારોમાં એકતા લાવવા માટે આડકતરી રીતે વખાણ કર્યાં હતાં. તેમણે હાર્દિક પટેલ અને અલ્પેશ કથિરીયાનું નામ લીધા વિના મંચ પર હાજર રહેલા હાર્દિક અને અલ્પેશ કથીરીયા તરફ ઈશારો કરીને કહ્યું હતું કે, છેલ્લા 5 વર્ષમાં યુવાનોએ પોતાની તાકાત શું છે તે બતાવી દીધી છે અને યુવાનો શું કરી શકે તેનો પરિચય આપી દીધો છે. નરેશ પટેલે કહ્યું કે, વર્ષોથી પાટીદાર સમાજમાં સંગઠનની ભૂખ હતી. યુવાનોની મહેનતથી અને મુખ્ય પાટીદાર સંસ્થાઓના પ્રયત્નોથી આજે પાટીદારો એક થયા છે. પાટીદાર યુવાનોએ છેલ્લા 3-4 વર્ષમાં ઘણું કરી બતાવ્યું છે પણ ક્લાર્કથી કલેકટર અને રાજકારણમાં સરપંચથી સાંસદ પણ પાટીદારો જ હોવા જોઈએ.

રાજકોટના જસદણમાં શનિવારે સાંજે પાટીદાર શૈક્ષણિક ભવનનું લોકાર્પણ કરાયું હતું. આ કાર્યક્રમમાં પાટીદાર આંદોલનમાં શહીદ વીરોના પ્રથમ સમારકનું અનાવરણ કરાયું હતું. આ કાર્યક્રમમાં ખોડલધામ ટ્રસ્ટના નરેશ પટેલ અને ઊંઝા ઉમિયા સંસ્થાનના મણીભાઈ પટેલ ખાસ હાજર રહ્યા હતા. આ ઉપરાંત ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ લાલજી પટેલ અને અલ્પેશ કથીરિયા હાજર રહ્યા હતા. ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ અને નિવૃત કલેકટર મહેન્દ્ર પટેલ, પરેશ ગજેરા, દિલીપ સાબવા વગેરે પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનું પાસના અગ્રણીઓ અને સ્થાનિક ખોડલધામ અને ઉમિયાધામ સમિતિએ આયોજન કર્યું હતું.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles