fbpx
Thursday, March 28, 2024

હોળાષ્ટક દરમિયાન કરો આ એક કામ, કોઈ તકલીફ નહીં પડે !

માંગલિક કર્મો માટે અશુભ મનાતા હોળાષ્ટકનો પ્રારંભ થઈ ચૂક્યો છે. પરંતુ, શુભ કાર્યો માટે વર્જીત મનાતો આ સમય વાસ્તવમાં પ્રભુકૃપાને પ્રાપ્ત કરવા માટે શ્રેષ્ઠ મનાય છે. લૌકિક માન્યતા એવી છે કે હોળાષ્ટકના દિવસો દરમિયાન પૃથ્વી પર નકારાત્મક ઊર્જાનું પ્રભુત્વ સવિશેષ હોય છે. જેનાથી બચવા આ દરમિયાન વધારેમાં વધારે સમય ભજન-કીર્તન અને પૂજા-પાઠમાં પસાર કરવો જોઈએ.

હોળાષ્ટકનો સમય જેમ બને તેમ પ્રભુ સ્મરણમાં જ પસાર થાય તો તે વિશેષ ફળદાયી બનશે. કારણ કે આ જ સમય દરમિયાન ભક્ત પ્રહ્લાદે સતત શ્રીહરિનું ચિંતન કરી તેમની કૃપાને પ્રાપ્ત કરી હતી. એ જ રીતે આ સમય દાન-પુણ્ય માટે પણ ઉત્તમ મનાય છે ! એટલું જ નહીં, આ સમય દરમિયાન કેટલાંક વિશેષ ઉપાયો અજમાવીને વ્યક્તિ મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ પણ કરી શકે છે.

  • રોગમુક્તિ

માન્યતા અનુસાર કોઈ અસાધ્ય રોગથી પીડાઈ રહેલી વ્યક્તિ જો હોળાષ્ટક દરમિયાન શિવજીની પૂજા કરશે તો તે સવિશેષ લાભદાયી બની રહેશે. આ સમય દરમિયાન મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો વિશેષ ફળદાયી બને છે. કહે છે કે તેનાથી વ્યક્તિને વિવિધ પ્રકારના રોગોથી મુક્તિ મળે છે. તેમજ આકસ્મિક મૃત્યુનો ભય પણ દૂર થઈ જાય છે.

  • સંતાન પ્રાપ્તિ

સંતાન વાંચ્છુકોએ આ સમય દરમિયાન લડ્ડુ ગોપાલની આસ્થા સાથે પૂજા કરી સંતાન ગોપાલ મંત્રનો જાપ કરવો જોઈએ. માન્યતા અનુસાર આ મંત્રના જાપથી ભક્તને ખૂબ ઝડપથી સંતાનનું સુખ પ્રાપ્ત થાય છે.

  • સંતાન ગોપાલ મંત્ર

“ૐ દેવકી સુત ગોવિંદ વાસુદેવ જગત્પતે ।

દેહિ મે તનયં કૃષ્ણ ત્વામહં શરણં ગતઃ ।।”

  • ઋણમુક્તિ અર્થે

જો તમે ‘દેવા’ની સમસ્યાથી પરેશાન હોવ અથવા આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા હોવ તો હોળાષ્ટક દરમિયાન શ્રીસુક્તના પાઠ કરવા જોઈએ. મંગલ ઋણ મોચન સ્તોત્રના પાઠ કરવા જોઈએ. કહે છે કે તેનાથી વ્યક્તિને ખૂબ ઝડપથી દેવામાંથી એટલે કે ઋણમાંથી મુક્તિની પ્રાપ્તિ થાય છે.

  • વિદ્યા પ્રાપ્તિ

જો બાળકોનું મન ભણવામાં મન ન લાગી રહ્યું હોય તો હોળાષ્ટક દરમિયાન શ્રીગણેશની આરાધના અચૂક કરવી. શક્ય હોય તો બાળકો પાસે જ શ્રીગણેશની પૂજા કરાવવી. પ્રભુને મોદક તેમજ દૂર્વા અર્પણ કરવા. માન્યતા અનુસાર શ્રીગણેશની આરાધનાથી બાળકોનું મન અભ્યાસમાં સ્થિર થશે.

  • સમસ્યા નિવારણ

જો જીવન અનેકવિધ મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યું હોય તો હોળાષ્ટ દરમિયાન હનુમાન ચાલીસા કે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો લાભદાયી બની રહેશે. કહે છે કે હનુમાન ચાલીસા કે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવાથી જીવનમાં ખુશીઓનું પુનઃ આગમન થશે.

  • ફળદાયી યજ્ઞકર્મ

હોળાષ્ટકના દિવસો દરમિયાન ઘરમાં તેમજ વ્યવસાયના સ્થળ પર યજ્ઞાદિ કાર્યો કરાવવા શુભ મનાય છે. આવાં કર્મથી જે-તે સ્થળની નકારાત્મક ઊર્જાનો નાશ થાય છે. આર્થિક સંકટોનું નિવારણ થાય છે. તેમજ નોકરીમાં બઢતીની શક્યતા પણ વધી જાય છે !

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles