કાળા ચોખા : એન્થોકયાનિન પિગમેન્ટના કારણે આ ચોખાનો રંગ કાળો છે. ઉચ્ચ પોષણ મૂલ્ય ધરાવતા આ ચોખામાં ઘણા પ્રકારના એન્ટીઑકિસડન્ટ ગુણો જોવા મળે છે. સફેદ ચોખા કરતાં ઘણી ઓછી ફેટ ધરાવે છે. પ્રોટીન, ફાઈબર અને આયર્નથી ભરપૂર આ ચોખા હૃદય રોગ અને ડાયાબિટીસનું જોખમ પણ ઘટાડે છે. લીવરમાં હાજર હાનિકારક પદાર્થોને દૂર કરીને ડિટોક્સ કરે છે.

લાલ ચોખા : લાલ ચોખામાં એન્થોકયાનિન નામનું એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે ચોખાને લાલ રંગ આપવાનું કામ કરે છે. આ ચોખામાં કેલરી ઓછી હોય છે અને આયર્ન અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. તેને ખાવાથી જલ્દી ભૂખ લાગતી નથી. હૃદય, ડાયાબિટીસના દર્દીઓ અને વજન ઘટાડવા માંગતા લોકો માટે આ એક શ્રેષ્ઠ વિકલ્પ છે.

લીલા ચોખા : આ વાંસના બીજ છે. જેને બામ્બુ રાઈસ અથવા મુલાયારી તરીકે પણ ઓળખાય છે. લીલા ચોખા પોટેશિયમ અને પ્રોટીનનો સારો સ્ત્રોત છે. તે હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ સારા માનવામાં આવે છે. પરંતુ તે સરળતાથી ઉપલબ્ધ નથી કારણ કે તે ત્યારે જ એકત્રિત કરી શકાય છે જ્યારે વાંસનું જીવન ચક્ર પૂર્ણ થાય છે.

બ્રાઉન રાઇસ : બ્રાઉન રાઇસ આખા અનાજની શ્રેણીમાં આવે છે. જે લોકો સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ સભાન હોય છે તે લોકો તેનું સેવન કરે છે. વાસ્તવમાં, ચોખા પર હાજર બ્રેન લેયરમાં ઘણા પોષક તત્વો હોય છે. બ્રાઉન રાઇસમાં આ લેયર હટાવવામાં આવતું નથી. જ્યારે બ્રેન લેયર દૂર થાય છે, ત્યારે તે સફેદ ચોખા બની જાય છે. બ્રાઉન રાઈસ લો ગ્લાયકેમિક ઈન્ડેક્સ સાથે ફાઈબર, પ્રોટીન, વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર હોય છે. જેઓ વજન ઘટાડવા માંગે છે અને ડાયાબિટીસના દર્દીઓ માટે તે ખૂબ જ સારું છે.