fbpx
Saturday, April 20, 2024

શું તમે પણ ઘરમાં નકામી વસ્તુઓ રાખો છો? જાણો આ ભૂલ કેટલી ભારે પડી શકે છે!

દેવી લક્ષ્મીની કૃપા ભલાં કોણ નથી ઈચ્છતું ? દરેક વ્યક્તિની એ જ મનશા હોય છે કે શુભત્વની દાત્રી માતા લક્ષ્મી સદૈવ તેના પર પ્રસન્ન રહે અને તેનું ઘર હંમેશા જ ધન-ધાન્યના ભંડારોથી ભરેલું રહે. પણ, જેટલો પ્રયત્ન તમે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા કરો છો. શું તેટલું જ ધ્યાન તમે એ વાતનું પણ રાખો છો કે કઈ કઈ બાબતોથી માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે ? આ એ બાબતો છે કે જે માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત કરવામાં અવરોધ રૂપ બની શકે છે. એટલું જ નહીં તમને તેમના કોપનો ભોગ પણ બનાવી શકે છે !

તમે પણ લક્ષ્મીકૃપા અર્થે પૂજા-પાઠ કરતાં હશો. દેવીને રીઝવવા આકરા ઉપવાસ કરતા હશો ! પરંતુ, શું એવું બન્યું છે કે અનેક ઉપાય છતાં દેવી લક્ષ્મી પ્રસન્ન જ ન થતાં હોય ? વાસ્તવમાં તેની પાછળ આપણી જ કેટલીક એવી ભૂલો જવાબદાર હોય છે કે જેને લીધે દેવી લક્ષ્મી નારાજ થઈ જાય છે. અને પછી ગમે તેટલાં પ્રયાસ કરવા છતાં ઘરની આર્થિક સમૃદ્ધિમાં વૃદ્ધિ જ નથી થતી ! આવો, આજે કેટલીક આવી જ બાબતો વિશે માહિતી મેળવીએ.

સાફ સફાઇ

લૌકિક માન્યતા એવી છે કે જે ઘરમાં સતત ગંદકી રહેતી હોય ત્યાંથી નીકળી જવાનું દેવી નક્કી કરી લે છે. અને પછી ભક્તની ગમે તેટલી પ્રાર્થના છતાં દેવી નથી રોકાતા ! એટલે ઘરમાં નિત્ય જ સાફ-સફાઈ કરવી જોઈએ. અને તેને એકદમ જ સ્વચ્છ રાખવું જોઈએ.

ભંગારની વસ્તુઓ

ઘરમાં ભંગારની વસ્તુઓ પણ ક્યારેય ન રાખવી જોઈએ ! એમાં પણ ઘરની ઉત્તર દિશામાં ક્યારેય કોઈ નકામી વસ્તુ ન પડી રહે તેનું ધ્યાન રાખવું. વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ ઉત્તર દિશામાં કુબેર અને દેવી લક્ષ્મીનો વાસ મનાય છે. અને જો એ સ્થાન પર કોઈ ભંગાર કે ગંદકી રહે તો લક્ષ્મી-કુબેર એ ઘરનો ત્યાગ કરી દે છે.

રસોડામાં રહેલા એંઠા વાસણ

આજની વ્યસ્તતા ભરેલી જિંદગીમાં દરેક કામ સમયસર પાર પાડવા મુશ્કેલ બની ગયા છે. આ સંજોગોમાં કેટલાંક ઘરોમાં સવારના એંઠા વાસણ રાત્રે સાફ થતાં હોય છે ! તો ઘણીવાર રાત્રિના એંઠા વાસણ બીજે દિવસે સવારે સાફ થતાં હોય છે. પણ, કહે છે કે રાત્રિના સમયે તો ભૂલથી પણ એંઠા વાસણો ન જ રાખવા જોઈએ. રાત્રે વાસણો સાફ કરીને જ સૂવું જોઈએ. નહીંતર દેવી લક્ષ્મીની કૃપાને પ્રાપ્ત કરવામાં મુશ્કેલી પડી શકે છે !

રસોઇઘરની સફાઇ

દેવી લક્ષ્મી એ મૂળે તો અષ્ટલક્ષ્મી સ્વરૂપા છે. અને તે જ ધાન્યલક્ષ્મી તરીકે પૂજાય છે. ધાન્યલક્ષ્મી આપના ઘર પર સદૈવ પ્રસન્ન રહે તે માટે જરૂરી છે કે ઘરનું રસોડું હમેશા જ સ્વચ્છ રહે. રોજ રાત્રે રસોડું ચોખ્ખું કરીને જ સૂવું જોઈએ. તેમજ ચૂલા અથવા તો બર્નર પર ક્યારે ખાલી વાસણ ન રાખવું જોઈએ. પુરાણાનુસાર જોઈએ તો ચૂલા પર ખાલી વાસણ મૂકવાથી ઘરમાં દરિદ્રતા આવે છે !

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles