fbpx
Wednesday, June 7, 2023

હનુમાનજીનું આવું અદ્ભુત સ્વરૂપ દુનિયામાં બીજે ક્યાંય નહીં જોવા મળે, જાણો અક્રમમુખીનું રહસ્ય!

ભારતનું તો ભાગ્યે જ કોઈ ગામ કે શહેર એવું હશે કે જ્યાં હનુમાનજીની દિવ્ય પ્રતિમાનું સ્થાપન ન થયું હોય. પરંતુ, અમારે આજે તમને એક એવી હનુમાન પ્રતિમા વિશે જણાવવું છે કે જે સમગ્ર વિશ્વમાં સૌથી દુર્લભ મનાય છે ! આ હનુમાનજી એટલે સુરતના કડોદરામાં વિદ્યમાન ‘અકરામુખી’ હનુમાનજી ! સામાન્ય રીતે મંદિરોમાં જે હનુમાન પ્રતિમાના દર્શન થતાં હોય છે તેને એક જ મુખ હોય છે. તો વળી, કોઈ કોઈ જગ્યાએ મંદિરોમાં પંચમુખી હનુમાનજી પણ વિદ્યમાન હોય છે. પણ, ‘અકરામુખી’ હનુમાનજી એટલે તો એવાં હનુમાનજી કે જેમને તો છે અગિયાર-અગિયાર મુખ !

સુરત શહેરથી લગભગ 22 કિલોમીટરના અંતરે કડોદરા હાઈવે પર અકરામુખી હનુમાનજીનું મંદિર આવેલું છે. તે અકળામુખીના નામે પણ ઓળખાય છે. જેમાં વિશ્વની સૌથી અનોખી હનુમાન પ્રતિમાના ભક્તોને દર્શન થઈ રહ્યા છે. આ વિશ્વના એકમાત્ર એવાં હનુમાનજી છે કે જેમને છે પૂરાં અગિયાર મુખ ! આ જ વિશેષતાને લીધે તો ‘અકળામુખી’ હનુમાનજી લાખો શ્રદ્ધાળુઓની પરમ આસ્થાનું કેન્દ્ર બન્યા છે.

મરાઠીમાં અગિયારને ‘અકરા’ કહે છે. 11 મુખને લીધે જ પ્રભુ પહેલાં અકરામુખી અને ત્યારબાદ અકળામુખીના નામે પ્રસિદ્ધ થયા. પવનસુતનું આ રૂપ નકારાત્મક્તાને પૂર્ણપણે દૂર કરી પ્રસન્નતાની અનુભૂતિ કરાવનારું મનાય છે. શ્રદ્ધાળુઓનું માનીએ તો પ્રભુના આ દિવ્ય સ્વરૂપના દર્શન બાદ કંઈક એવી અનુભૂતિ થાય છે કે જેને શબ્દોમાં અભિવ્યક્ત કરવું જ અશક્ય છે.

કહે છે દશાનન રાવણનું અભિમાન તોડવા હનુમાનજીએ અગિયાર મુખ ધારણ કર્યા હતાં. જેને જોઈ રાવણનો અહંકાર ઓગળી ગયો. માન્યતા અનુસાર એ જ અગિયાર મુખે પવનપુત્ર અહીં દર્શન આપી રહ્યા છે. શ્રદ્ધાળુઓને મન હનુમાનજીનું આ રૂપ તો અગિયારગણા ફળની પ્રાપ્તિ કરાવનારું છે !

અગિયારમુખી હનુમાનજીના દર્શન કરતાં જ શ્રદ્ધાળુઓને તો એવી અનુભૂતિ થાય છે કે જાણે તેમને એકસાથે અગિયાર હનુમાનજીના આશીર્વાદની પ્રાપ્તિ થઈ રહી હોય. અને એટલે જ તો તેઓ વારંવાર અકળામુખી હનુમાનજીના સાનિધ્યે ખેંચાઈ આવે છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles