fbpx
Friday, April 26, 2024

અહીં ભક્તો દિવસની શરૂઆત મા બહુચરાના આશીર્વાદથી જ કરે છે!

જય બળધારી બહુચર માત, સચરાચરમાં તારો વાસ ।
મહિમા તારો અપરંપાર, ગુણલા ગાતા નર ને નાર ।।

જેના ગુણલા ગાવા શબ્દો પણ ઓછા પડે, જેના બળને બિરદાવવા દિવસ અને રાત પણ ખૂટી પડે, તે માત એટલે જ બિરદાળી બહુચર માતા. દેવી બહુચર એટલે તો મા ત્રિપુરા સુંદરીનું ‘બાળા ત્રિપુર સુંદરી’ સ્વરૂપ. સમગ્ર ગુજરાતમાં માતા બહુચરના અનેકવિધ સ્થાનકો આવેલાં છે પણ, અમારે આજે વાત કરવી છે માતાના એ સ્થાનકની કે જ્યાં દેવી બાળા ત્રિપુર સુંદરી રૂપે જ વિદ્યમાન થયા છે. માતાનું આ અત્યંત મનોહારી રૂપ અમદાવાદના ભદ્ર વિસ્તારમાં બિરાજમાન થયું છે.

અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં ભદ્રનો કિલ્લો આવેલો છે. મૂળે તો આ સ્થાન દેવી ભદ્રકાળીના સ્થાનક માટે સમગ્ર અમદાવાદમાં પ્રખ્યાત છે પણ, આ જ દેવી ભદ્રકાળીના સાનિધ્યે તો બિરાજ્યા છે મા બાળા બહુચરા. આદિશક્તિ બહુચરાનું આ મંદિર આમ તો ખૂબ જ નાનું છે પણ તેનો મહિમા કંઈક એવો છે કે ભદ્રમાં આવનારા ભાવિકો માના દર્શન બાદ જ તેમના દિવસની શરૂઆત કરતા હોય છે! તેઓ માની આરતી બાદ જ તેમના નોકરી-ધંધાના સ્થળ પર જાય છે! કહે છે કે નિત્ય જ દેવી બહુચરના આ રૂપનું શરણું લેવાથી દિવસના સઘળા કામ નિર્વિઘ્ને પાર પડે છે.

અહીં મંદિરમાં માનું અત્યંત મનોહારી સ્વરૂપ સ્થાપિત થયું છે. દંતકથા એવી છે કે જ્યારે અમદાવાદ શહેર વસ્યું, ત્યારે તેની ફરતે 12 દરવાજા બન્યા અને તે જ સમયે દેવી બહુચરને પણ અહીં બિરાજમાન કરવામાં આવ્યા. જેથી શહેરની સુખ-સમૃદ્ધિ અકબંધ રહે.

કહે છે કે દર્શનાર્થીઓને બાળા ત્રિપુર સુંદરી ક્યારેય પણ નિરાશ નથી કરતા. અહીં શ્રીબાલાયંત્ર પણ પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે. માન્યતા અનુસાર તેના પ્રતાપે જ આ સ્થાન આજે શ્રદ્ધાળુઓ માટે મનશાપૂર્તિનું ધામ બની ગયું છે. ભક્તોના જીવનને ખુશીઓથી ભરી દે છે આ બાળા ત્રિપુર સુંદરી અને એ જ ખુશીઓની પ્રાપ્તિ અર્થે સંકટોના શમન અર્થે અને સકારાત્મક ઊર્જાની અનુભૂતિ અર્થે સદૈવ શ્રદ્ધાળુઓ અહીં ઉમટતા જ રહે છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles