fbpx
Tuesday, April 23, 2024

જયપુરના મોતી ડુંગરી ગણેશજી એટલે લડ્ડુપ્રિયા ગણેશજી! લાડુનો આવો પ્રસાદ તમને ક્યાંય નહીં મળે!

ગણેશજીનું નામ બોલતાં જ આપણને સહજપણે જ લાડુનું કે મોદકનું સ્મરણ થઈ આવે. કારણ કે, ગજાનનને તો લાડુ ખૂબ જ ભાવે છે. પણ, અમારે આજે વાત કરવી છે એક એવાં ગણેશ મંદિરની કે જ્યાં વિઘ્નહર્તાને લાડુ એટલાં ભાવે છે કે આખા મંદિરમાં જ લાડુના ડુંગર ખડકાઈ જાય છે ! વિશ્વાસ કરવો મુશ્કેલ લાગે, પણ, જયપુરનું મોતી ડૂંગરી ગણેશ મંદિર તેની આ જ વિશેષતા માટે તો વિશ્વભરમાં પ્રસિદ્ધ છે.રાજસ્થાનના જયપુરથી લગભગ 6 કિલોમીટરના અંતરે મોતી ડૂંગરી નામે એક વિસ્તાર આવેલો છે. મોતી ડુંગરી એ તેના પર આવેલા બીરલા મંદિર અને ભવ્ય કિલ્લા માટે સમગ્ર ભારતમાં પ્રસિદ્ધ છે. અને આ કિલ્લાની તળેટીમાં જ આવેલું છે મંગલમૂર્તિનું ‘મંગલમય’ સ્થાનક. એટલે કે મોતી ડૂંગરી ગણેશજીનું મંદિર.

અહીં ઐતિહાસિક ધરોહર મધ્યે વિઘ્નહર્તાનું અત્યંત મહાકાય રૂપ સ્થાપિત થયું છે. સિંહાસન પર આરૂઢ સિંદૂરી ગણેશજીનું આ રૂપ માત્ર ભવ્ય જ નહીં, દિવ્ય પણ ભાસી રહ્યું છે. અને તેમની આ દિવ્યતાથી ખેંચાઈને જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં ઉમટતા રહે છે.

પ્રાગટ્ય કથા

પ્રચલિત કથા કંઈક એવી છે કે મેવાડના માવલીના રાજા ઘણાં વર્ષો બાદ તેમના મહેલે પરત ફરી રહ્યા હતા. તે સમયે તેમણે ગુજરાતમાં એક ભવ્ય ગણેશ પ્રતિમાનું નિર્માણ કરાવ્યું. તે મૂર્તિને ગાડામાં સ્થાપિત કરી તેમણે નક્કી કર્યું કે ગાડાના પૈડાં જ્યાં સૌથી પહેલાં થંભશે ત્યાં તે આ ભવ્ય ગણેશ પ્રતિમાનું સ્થાપન કરશે. કહે છે કે ગાડું સર્વ પ્રથમ જયપુરના આ જ ડુંગર પાસે આવીને અટકી ગયું. તેના મોતી જેવાં આકારને લીધે આ ડુંગર મોતી ડૂંગરીના નામે ઓળખાતો. અને પછી તો તેમની જ ઈચ્છાથી અહીં વિદ્યમાન થયેલાં ગજાનન પણ મોતી ડૂંગરી ગણેશના નામે જ ખ્યાત બન્યા.

લાડુ પ્રસાદનો મહિમા

મોટાભાગે ભક્તો ગણેશમંદિરમાં દર્શને પહોંચે ત્યારે તેમની સાથે લાડુ પ્રસાદ લઈને જ જતા હોય છે. પરંતુ, દર વર્ષે ગણેશ ચતુર્થીના અવસર પર મોતી ડૂંગરીના સાનિધ્યે મેળો લાગે છે. અને મોતી ડૂંગરીના આશિષથી જેમની કામના પૂર્ણ થઈ છે તેવાં ભક્તો વિઘ્નહર માટે લાડુ લઈને આવે છે ! આ અવસરે નાનાથી લઈ મોટા કદ સુધીના એટલા લાડુ મંદિરમાં ગોઠવાઈ જાય છે કે એવું લાગે કે જાણે લાડુના જ શણગાર સજ્યા હોય. કહે છે કે આવાં અને આટલાં લાડુ તો વિશ્વના બીજા કોઈ મંદિરમાં જોવા નથી મળતા. અને એટલે જ તો ભક્તો તેમને લડ્ડુ પ્રિય મોતી ડૂંગરી કહીને સંબોધે છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles