fbpx
Thursday, April 25, 2024

ચૈત્ર નવરાત્રિમાં મા દુર્ગાને ચઢાવો આ ભોગ, જીવનમાં કોઈ રોગ તમને પરેશાન નહીં કરે!

આસ્થા અને વિશ્વાસથી ભરેલી નવરાત્રીમાં મા દુર્ગાની પૂજાનું સવિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. માતાજીને પ્રસન્ન કરવા ભક્તો ઘટ સ્થાપના સાથે દીપ પ્રજ્વલિત કરીને નવ દિવસ સુધી ઉપવાસ કરે છે. અલબત્, માતાજીને તેઓ વિધ વિધ ભોગ લગાવીને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરે છે. જો કે માતાજીને કોઇપણ વસ્તુ સાચા મનથી અને ભક્તિભાવથી અર્પણ કરો તો મા દુર્ગા તે ગ્રહણ કરે જ છે. પરંતુ નવરાત્રીના નવ દિવસોમાં માતાજીના 9 અલગ અલગ સ્વરૂપોને તેમના મનપસંદ પ્રસાદ અર્પણ કરવાનો મહિમા છે. કહે છે કે આવું કરવાથી વ્યક્તિના દરેક પ્રકારના રોગ અને સંકટ દૂર થાય છે.

2 એપ્રિલ, શનિવારના રોજથી માતાજીની ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. તો, ચાલો આપને જણાવીએ કે માતા દુર્ગાની કૃપા પ્રાપ્ત કરવા તેમને કયા દિવસે કયો ભોગ અર્પણ કરવો.

મા શૈલપુત્રી

નવરાત્રીના પહેલા દિવસે પર્વતરાજ હિમાલયની પુત્રી શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે માતાજીને ગાયના ઘીમાંથી બનેલી મીઠાઈનો ભોગ અર્પણ કરવામાં આવે છે. આ ભોગ માતાજીને અર્પણ કરવાથી જાતકના દરેક પ્રકારના રોગ અને સંકટ દૂર થાય છે.

મા બ્રહ્મચારિણી

નવરાત્રીના બીજા દિવસને બ્રહ્મચારિણી માતાની પૂજા માટેનો માનવામાં આવે છે. આ દિવસે મા બ્રહ્મચારિણી સ્વરૂપને ખાંડ અને પંચામૃતનો ભોગ અર્પણ કરવામાં આવે છે. કહે છે કે આવું કરવાથી વ્યક્તિ દીર્ઘાયુ બને છે.

મા ચંદ્રઘંટા

નવરાત્રીનો ત્રીજો દિવસ મા ચંદ્રઘંટાને સમર્પિત છે. આ દિવસે માતાજીને દૂધ કે માવામાંથી બનેલી મીઠાઈનો ભોગ અર્પણ કરવામાં આવે છે. આ કાર્ય કરવાથી ધન અને વૈભવની પ્રાપ્તિ થાય છે.

મા કૂષ્માંડા

ચોથા નોરતે મા કૂષ્માંડાની પૂજા કરવા માટેનું વિધાન છે. આ દિવસે માતાજીને માલપુઆનો ભોગ અર્પણ કરવામાં આવે છે અને તેનું દાન પણ કરવું જોઇએ. કહે છે કે તેનાથી સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.

મા સ્કંદમાતા

નવરાત્રીના પાંચમા દિવસે સ્કંદમાતાની પૂજા કરવામાં આવે છે. આ દિવસે માતાજીને કેળાનું નૈવેદ્ય અર્પણ કરવામાં આવે છે અને તે ખૂબ જ ઉત્તમ ગણવામાં આવે છે. આ કાર્ય કરવાથી નોકરી-ધંધામાં પ્રગતિ થાય છે અને સાથે જ શારીરિક કષ્ટો દૂર થાય છે.

મા કાત્યાયની

છ્ઠ્ઠા નોરતાએ મા કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે માતાજીને મીઠું પાન અર્પણ કરવામાં આવે છે જે આપના સૌંદર્યમાં અભિવૃદ્ધિ કરે છે.

મા કાલરાત્રિ

નવરાત્રીના સાતમા દિવસે મા કાલરાત્રિની પૂજા કરવામાં આવે છે. આ દિવસે માતાજીને ગોળ કે ગોળથી બનેલી વસ્તુનો ભોગ અર્પણ કરવામાં આવે છે. આ કાર્ય કરવાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો વાસ થાય છે.

મા મહાગૌરી

આઠમાં નોરતાના દિવસે મા મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે માતાજીને નારિયેળનો ભોગ અર્પણ કરવો જોઇએ. આ કાર્ય કરવાથી આપની દરેક મનોકામના માતા મહાગૌરી પૂર્ણ કરે છે.

મા સિદ્ધિદાત્રી

નવરાત્રીના છેલ્લા દિવસે એટલે કે નવમા નોરતાના દિવસે માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે માતાજીને ચણા અને હલવાનો ભોગ અર્પણ કરવો જોઇએ. આ દિવસે કન્યા ભોજન કરાવવાનું પણ સવિશેષ મહત્વ છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles