fbpx
Sunday, May 19, 2024

નવરાત્રિમાં કારી લો પાન સાથે જોડાયેલ આ ઉપાય કરો, ભાગ્યોદયના તમામ અવરોધો દૂર થશે!

હિંદુ ધર્મમાં નવરાત્રીનો તહેવાર એ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. કારણ કે આ દિવસોમાં મા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા અર્ચના કરવાનું વિશેષ મહત્વ છે. તો, સાથે જ કેટલાક લોકો નવ દિવસ સુધી વ્રત પણ રાખે છે. પરંતુ શું આપને એ ખ્યાલ છે કે નવરાત્રીના નવ દિવસ સુધી જ્યોતિષીય ઉપાયો કરવાનું પણ સવિશેષ ફળદાયી બની રહે છે ? માન્યતા છે કે નવરાત્રી દરમિયાન કરવામાં આવતા ઉપાયો ઝડપથી ફળની પ્રાપ્તિ કરાવે છે. કહે છે કે નવરાત્રીના સમયમાં તંત્ર મંત્ર અને જ્યોતિષીય ઉપાયો કરવાથી માતાજી ખૂબ જ ઝડપથી પ્રસન્ન થઈ ભક્તને મનોવાંચ્છિત ફળ પ્રદાન કરે છે. એ જ કારણ છે કે નવરાત્રીમાં લોકો ગુપ્ત સાધના પણ કરતાં હોય છે.

આપને જણાવીએ કે એવા કયા સરળ ઉપાયો છે કે જે કરવા માત્રથી માતાની કૃપા પ્રાપ્ત થાય છે ! એટલું જ નહીં, આ એ ઉપાયો છે કે તે તમને વિવિધ પ્રકારની સમસ્યાઓથી તો મુક્તિ અપાવે જ છે. સાથે જ, આપને દરિદ્રતાથી પણ દૂર રાખે છે.

ઋણમુક્તિ અર્થે

જો આપના ઉપર દેવાનો બોજો હોય તો તમારે ચૈત્ર મહિનાના સુદ પક્ષમાં આ ઉપાય કરવો જોઈએ. એટલે કે પ્રથમ નોરતાથી લઈ હનુમાન જયંતિ સુધી કોઈપણ દિવસે આ ઉપાય કરી શકાય છે. આ ઉપાય હનુમાનજી સાથે જ જોડાયેલો છે ! આ દિવસે આખા નાગરવેલના પાન પર લવિંગ અને ઇલાયચી રાખીને તેનું પાનબીડું બનાવી લો. ત્યારબાદ નજીકમાં આવેલ હનુમાન મંદિરમાં જઇને આ પાનબીડું હનુમાનજીને અર્પણ કરો. જો મંદિર જવું શક્ય ન હોય તો ઘરમાં જ રહેલ હનુમાનજીની મૂર્તિ સમક્ષ પાનનું બીડું તમે અર્પણ કરી શકો છો. કહે છે કે આ પ્રયોગથી બજરંગબલી ઋણમુક્તિના આશિષ પ્રદાન કરે છે.

નોકરીમાં બઢતી અર્થે

નોકરીમાં બઢતી અને પ્રમોશનમાં જો અવરોધ આવતા હોય તો જ્યોતિષ શાસ્ત્રમાં પાનના પત્તાનો એક સરળ ઉપાય દર્શાવવામાં આવ્યો છે. તેના માટે આપે એક નાગરવેલનું પાન લઇ તેની બંને તરફ સરસવનું તેલ લગાવીને મા અંબાને આ પાન અર્પણ કરવું. ત્યારબાદ સૂતા સમયે પોતાના માથા પાસે આ પાન રાખીને સૂઇ જવું, અને બીજા દિવસે આ પાન કોઇ દુર્ગા મંદિરની પાછળ મૂકીને આવવું. કહે છે કે આ ઉપાય કરવાથી તમારું નસીબ તમારો સાથ આપશે સાથે જ નોકરીમાં બઢતી માટેના નવા દ્વાર ખુલશે.

ધન પ્રાપ્તિ અર્થે

નવરાત્રીમાં પ્રથમ નોરતાથી લઇને નોમ સુધીમાં ગમે તે એક દિવસે પૂજા દરમિયાન આ પ્રયોગ કરી શકાય છે. એક પાન પર ગુલાબની પાંખડીઓ મૂકીને માતાના ચરણોમાં અર્પણ કરવાની છે. કહે છે કે આ કાર્ય કરવાથી ઘરમાં સકારાત્મકતાનો વાસ થાય છે અને ધનના આગમન માટેના માર્ગ ખુલી જાય છે.

વિવાહ અર્થે

જે યુવક કે યુવતિને તેમના પ્રિય પાત્રને જીવનસાથી તરીકે મેળવવાની મનશા હોય તેમણે નવરાત્રી દરમ્યાન ઘર નજીકના શિવ મંદિરમાં જવું. ત્યારબાદ ત્યાં વિદ્યમાન શિવજી અને દેવી પાર્વતીની મૂર્તિ પર જળ અને દૂધ અર્પણ કરવું. પુષ્પ, ચંદન, ધૂપ, દીપ, નૈવેદ્યથી તેમની પૂજા કરવી. ખાસ તો ભૂલ્યા વગર બિલ્વપત્ર અર્પણ કરવું. અને પછી મનશાને પ્રભુ સન્મુખ અભિવ્યક્ત કરવી. કહે છે કે તેનાથી ખૂબ જ ઝડપથી વિવાહના યોગ સર્જાય છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles