fbpx
Friday, April 19, 2024

દસ મહાવિદ્યાઓની ઉપાસના કરવાથી કેવું ફળ મળે છે? મહાવિદ્યાની સાધનાનો મહિમા જાણો

ભક્તો નવરાત્રીમાં થતી નવદુર્ગાના સ્વરૂપની ઉપાસના અને અનુષ્ઠાનથી તો માહિતગાર હોય જ છે. પરંતુ, દસ મહાવિદ્યાઓના પૂર્ણ રૂપ અંગે ઘણાં ઓછા લોકો જાણતા હોય છે. દસ મહાવિદ્યા એ આદ્યશક્તિના એ સ્વરૂપો છે કે જેમને પૂર્ણપણે સિદ્ધ કર્યા બાદ સાધકને કોઈ કામના જ નથી રહેતી ! વાસ્તવમાં તો મહાવિદ્યાની સાધનાનું અંતિમ લક્ષ્ય એ જ છે કે સાધકનું આદિશક્તિ સાથે તાદાત્મ્ય થાય. ત્યારે આવો, આજે આ દસ મહાવિદ્યાઓના સ્વરૂપને સમજવાનો પ્રયત્ન કરીએ.

1. માતા કાલી

દસ મહાવિદ્યાઓમાં માતા કાલીનું સ્થાન પ્રથમ છે. કહે છે કે સૃષ્ટિના ઉદ્ભવ પહેલાં માત્ર ‘કાલી’નું જ સામ્રાજ્ય હતું. મહાકાળી જ સમસ્ત વિદ્યાઓની ‘આદિવિદ્યા’ છે. અને કાલીના જ સૌમ્ય તેમજ ઉગ્ર સ્વરૂપોમાં બાકીની મહાવિદ્યાઓ સમાવિષ્ટ છે. માતા કાલીની સાધના કરતા જ સાધકનો અહંકાર ઓગળી જાય છે. સિદ્ધિપ્રાપ્તિ માટે આ ખૂબ જ જરૂરી છે.

2. દેવી તારા

દેવી તારા મૂળે તો ‘પ્રલય’ની દેવી છે. જે પ્રલયકાળમાં ઝેરી વાયુથી વિશ્વનો સંહાર કરે છે. પરંતુ, જો તે રીઝી જાય તો જીવનની તમામ વિપત્તીઓનું શમન કરી દે છે. વિપદહારિણી તારા જ્ઞાન તેમજ સુખ-સંપત્તિની પ્રાપ્તિ કરાવે છે.

3. દેવી છિન્નમસ્તા

પોતાની સહચરીઓની તૃષાને શાંત કરવા દેવીએ ખડગથી સ્વયંનું જ મસ્તક વાઢીને હાથમાં લીધું. અને તેમના ગરદનમાંથી નીકળેલી રક્ત ધારાનું સખીઓને પાન કરાવ્યું. મસ્તક કપાયેલું હોઈ દેવી છિન્નમસ્તાના નામે પ્રસિદ્ધ થયા. મૂળે તો દેવી છિન્નમસ્તા સંહારની દેવી છે. પણ, જો તે પ્રસન્ન થાય તો દરિદ્રતાનો નાશ કરી દે છે. એટલું જ નહીં, સંતાનની પ્રાપ્તિ પણ કરાવે છે.

4. માતા ષોડશી

માતાનું આ રૂપ સૌથી સૌમ્ય, સૌથી દિવ્ય અને સૌથી ભવ્ય મનાય છે. તે સાધકને ભોગ અને મોક્ષ બંન્નેની પ્રાપ્તિ કરાવે છે.

5. માતા ભુવનેશ્વરી

કહે છે કે 84 લાખ યોનિમાં જેટલી પ્રજા છે તે સર્વેનું ભરણ-પોષણ દેવી ભુવનેશ્વરી જ કરે છે. સંસારની તમામ મહાવિદ્યાઓ અને સાત કરોડ મહામંત્ર ભુવનેશ્વરીની જ સેવામાં સંલગ્ન રહે છે. આ વિદ્યાની આરાધનાથી ધન, સંતાન, જ્ઞાન અને શક્તિની પ્રાપ્તિ થાય છે.

6. માતા ત્રિપુર ભૈરવી

વાસ્તવમાં ભૈરવી જ મહાશિવની મહાશક્તિ છે. દેવી ભુવનેશ્વરી જે ત્રણ ભુવનની રક્ષા કરે છે તેનો જ ત્રિપુર ભૈરવી સમય આવ્યે નાશ કરે છે. સાધક જો તેને સિદ્ધ કરી લે તો ત્રિપુર ભૈરવી શત્રુઓનો પણ નાશ કરી દે છે.

7. દેવી ધૂમાવતી

દેવી ‘ધૂમાવતી’ને ભક્તો ઘૂમાવતી પણ કહે છે. જો કે તંત્રસાધનામાં તેમનો ધૂમ્રાવતી તેમજ ધૃમાવતીના નામે ઉલ્લેખ છે. કારણ કે તેમના દેહમાંથી ધૂમ્રસેર નીકળતી જ રહે છે. દેવી ધૂમ્રાવતી કોઈના પણ સ્વામિત્વને સ્વીકારતા નથી. અને એટલે જ જે એકવાર તેમને પ્રસન્ન કરી લે છે તે જીવનની દરેક કામનાને સિદ્ધ કરી લે છે !

8. માતા બગલામુખી

ભોગ અને મોક્ષ બંન્ને માટે બગલામુખીની આરાધના થાય છે. પૂર્વે દેવી બલ્ગામુખીના નામે પ્રસિદ્ધ હતાં. પરંતુ, અપભ્રંશ થઈ આજે બગલામુખી નામ પડ્યું છે. સંસારમાં સર્વપ્રથમ બ્રહ્માજીએ બગલામુખીની ઉપાસના કરી તેમની કૃપાને પ્રાપ્ત કરી હતી. મા બગલામુખીની સાધના સર્વ કાર્યમાં સફળતાની પ્રાપ્તિ કરાવે છે.

9. માતા માતંગી

માતા માતંગી એ વિદ્યાની દેવી છે. અને મહાસરસ્વતી સ્વરૂપે પણ પૂજાય છે. કહે છે કે તે તો ‘જડબુદ્ધિ’ને પણ વિદ્વાન બનાવી દે છે. માન્યતા અનુસાર જે સાધક એકવાર માતંગી વિદ્યાને સિદ્ધ કરી લે છે તેને વાદ-વિવાદમાં કોઈ જ હરાવી શકતું નથી.

10. માતા કમલા

દેવી કમલાનું સ્વરૂપ એ વૈભવની પ્રાપ્તિ કરાવનારું મનાય છે. તંત્રશાસ્ત્ર અનુસાર દેવી કમલાની સાધનાથી ધનની, ધાન્યની અને કીર્તિની પ્રાપ્તિ થાય છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles