fbpx
Friday, March 29, 2024

કલ્પવૃક્ષ જેવું જ ફળ આપશે આ મંત્ર! જાણો નવાર્ણ મંત્રથી કઈ કઈ ઈચ્છાઓ પૂરી થશે?

નવરાત્રીના પર્વમાં શ્રદ્ધાળુઓ વિવિધ મંત્રનું અનુષ્ઠાન કરી મા આદ્યશક્તિની કૃપાને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરતા હોય છે. અલબત્, ધારો કે તમે સંપૂર્ણ નવરાત્રી દરમિયાન કોઈ મંત્રનું અનુષ્ઠાન ન કરી શક્યા હોવ તો પણ સાતમ, આઠમ કે નોમના દિવસે પણ મંત્રજાપ કરી માની કૃપાને પ્રાપ્ત કરી શકો છો. આમ તો સંપૂર્ણ નવરાત્રી અત્યંત ફળદાયી છે. પરંતુ, સાતમ, આઠમ અને નોમનો સવિશેષ મહિમા છે. ત્યારે આ સમયે સાધક માટે નવાર્ણ મંત્રનો જાપ સવિશેષ લાભદાયી બની રહે છે. કારણ કે નવાર્ણ મંત્ર એ નવગ્રહોના દૂષ્પ્રભાવને હરનારો છે. સાથે જ અનેકવિધ કામનાઓને સિદ્ધ કરનારો પણ.

નવાર્ણ મંત્ર

।। ૐ એં હ્રીં ક્લીં ચામુંડાયૈ વિચ્ચૈ ।।

જો નવરાત્રીના સમયમાં આ મંત્રની એક માળા પણ કરવામાં આવે, એટલે કે જો 108 વખત તેનો જાપ કરવામાં આવે તો તે સાધકને સકારાત્મક ઉર્જાથી ભરી દે છે અને પછી નિત્ય થતું તેનું અનુષ્ઠાન વ્યક્તિને અનેકવિધ ફળની પ્રાપ્તિ કરાવે છે.

મંત્ર મહિમા

કહે છે કે આ મંત્રમાં સાક્ષાત મા જગદંબાની જ શક્તિ સમાયેલી છે ! નવાર્ણ મંત્રનો અર્થ થાય છે નવ વર્ણવાળો મંત્ર. તેના નામની જેમ જ દેવીના નવાર્ણ મંત્રમાં નવ ‘વર્ણ’ એટલે કે ‘અક્ષર’ છે. નવ અક્ષરવાળા નવાર્ણ મંત્રના એક- એક અક્ષરનો સંબંધ નવદુર્ગાની એક-એક શક્તિથી જોડાયેલો છે અને આ એક-એક શક્તિનો સંબંધ એક-એક ગ્રહથી જોડાયેલો છે. એટલે કે જો તમને નવરાત્રીમાં આ નવાર્ણ મંત્રનું અનુષ્ઠાન કરો છો તો નવગ્રહના દોષોને પણ શાંત કરી શકો છો !

ત્રિશક્તિના આશીર્વાદ

કહે છે કે આ મંત્રમાં “એં” શબ્દ એ માતા સરસ્વતીનું, “હ્રીં ” શબ્દ એ માતા લક્ષ્મીનું અને “ક્લીં ” શબ્દ એ માતા કાલીનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે કે આ મંત્રનો જાપ કરનાર સાધકને માતા સરસ્વતી, માતા લક્ષ્મી અને માતા કાલી એમ ત્રણેવના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે. કારણ કે મંત્રમાં તે ત્રણેવની શક્તિ સમાયેલી છે.

ફળ પ્રાપ્તિ

⦁ આ મંત્ર ખૂબ જ સરળ અને ઝડપથી ફળની પ્રાપ્તિ કરાવનારો છે.

⦁ નવાર્ણ મંત્રની સાધનાથી વ્યક્તિનું ઘર હંમેશા જ ધન-ધાન્યથી પરિપૂર્ણ રહે છે.

⦁ નવાર્ણ મંત્ર સાધકને પરમ આનંદની પ્રાપ્તિ કરાવનારો છે.

⦁ નવાર્ણ મંત્રના જાપથી સરસ્વતી, લક્ષ્મી અને કાલી એમ ત્રણેય દેવી પ્રસન્ન થાય છે અને સાથે જ તે વ્યક્તિને મનોવાંચ્છિત ફળ પ્રદાન કરે છે.

⦁ આ મંત્રના જાપથી અનિષ્ટ ગ્રહોની અસર પણ શાંત થઈ જાય છે!

⦁ વ્યક્તિ મુશ્કેલમાં મુશ્કેલ પરિસ્થિતિમાં ફસાઈ હોય તો પણ તે આ મંત્રજાપની મદદથી તેમાંથી સરળતાથી બહાર નીકળી શકે છે.

⦁ કહે છે કે આ મંત્ર મનુષ્ય માટે એક કલ્પવૃક્ષ સમાન છે. કારણ કે તે સાધકની સઘળી કામનાઓને સિદ્ધ કરવાની શક્તિ ધરાવે છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles