fbpx
Thursday, April 25, 2024

આ કાલિકા ભક્તો પર માતાની જેમ જ વાત્સલ્ય વરસાવે છે! કોલકાતામાં દક્ષિણેશ્વર કાલીનો મહિમા જાણો

પશ્ચિમ બંગાળનું કોલકાતા એ કાલી ઉપાસના માટે પ્રસિદ્ધ છે અને તેનાથી પણ વધારે તો તે કાલી પ્રત્યેની શ્રીરામકૃષ્ણ પરમહંસની અદ્વિતીય ભક્તિ માટે જગવિખ્યાત છે. શ્રીરામકૃષ્ણની પરમ ઉપાસનાનું સૌથી મોટું સાક્ષી સ્થાન એટલે કોલકાતાનું દક્ષિણેશ્વર કાલીનું મંદિર. આ દક્ષિણેશ્વર કાલીનું મંદિર એ પશ્ચિમ બંગાળની ગંગા તરીકે પ્રસિદ્ધ એવી હુગલી નદીના કિનારે વિદ્યમાન છે. કોલકાતાના ‘દક્ષિણેશ્વર’ વિસ્તારમાં વિદ્યમાન દક્ષિણેશ્વર કાલીનું મંદિર કોઈ રાજમહેલ જેવું ‘ભવ્ય’ ભાસે છે. આદ્યશક્તિ જગદંબા એ અહીં ‘દક્ષિણાકાલી’ તરીકે પણ પૂજાય છે.

ઉલ્લેખનીય છે કે દક્ષિણેશ્વર કાલી મંદિર એ કોઈ 51 શક્તિપીઠમાં સ્થાન નથી ધરાવતું. કે તે સ્વયંભૂ સ્થાનક પણ નથી. પરંતુ, આ એક ‘જાગ્રત’ સ્થાનક છે. એટલે કે મૂર્તિની સ્થાપના બાદ અહીં દેવીનો સાક્ષાત્કાર થયો છે !અને એ પણ એકવાર નહીં, અનેકવાર ! દક્ષિણેશ્વર કાલીનું આ મંદિર લગભગ 25 એકર વિસ્તારમાં ફેલાયેલું છે. મંદિર નવરત્ન શૈલીનું છે. અને 12 ગુંબજોથી શોભાયમાન છે.

અહીં મંદિરમાં દક્ષિણેશ્વર કાલીની ચતુર્ભુજ પ્રતિમા પ્રસ્થાપિત કરવામાં આવી છે. આ પ્રતિમા આદિશક્તિના ‘મહાકાળી’ સ્વરૂપનું જ પ્રતિનિધિત્વ કરે છે. તેમના એક હાથમાં અસુરનું કપાયેલું મસ્તક છે. ઉગ્ર આંખો સાથે જિહ્વા બહાર નીકળેલી છે. અને દેવાધિદેવના વક્ષ પર દેવીનો પગ છે. અલબત્, દેવીનું ઉગ્ર રૂપ તેમના ભક્તો પર તો જાણે માતૃમયી વાત્સલ્ય વરસાવે છે. અને કૃપાની વૃષ્ટિ કરે છે.

લોકમાન્યતા અનુસાર આ મૂર્તિમાં અનેકવાર દેવી કાલી સાક્ષાત રૂપે પ્રગટ થયા છે. એ પણ તેમના પરમ ભક્ત રામકૃષ્ણ પરમહંસ માટે. શ્રીરામકૃષ્ણ પરમહંસ જીવન પર્યંત દક્ષિણેશ્વર કાલીની સેવામાં જ તન્મય રહ્યા હતા. કહે છે કે એ રામકૃષ્ણનો પરમ ભાવ જ હતો કે જેના લીધે દેવી કાલી સ્વયં તેમને દર્શન દેવાં, માતૃત્વને વરસાવવા અહીં ખેંચાઈ આવતાં. કારણ કે દેવી દર્શન ન દે ત્યાં સુધી શ્રીરામકૃષ્ણ પરમહંસ એક પાંચ વર્ષના બાળકની જેમ ધ્રુસ્કે ધ્રુસ્કે રડ્યા કરતાં. તેમની આ વ્યાકુળતા જોઈ માતા કાલી વારંવાર તેમને દર્શન દેવા અહીં પધારતા.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles