fbpx
Saturday, May 25, 2024

જાણો ભારતના 5 પ્રખ્યાત રામ મંદિરો વિશે, આ મંદિરને દક્ષિણ ભારતનું અયોધ્યા કહેવામાં આવે છે

પ્રભુ શ્રીરામ ભગવાન વિષ્ણુના સાતમા અવતાર છે. ઘણા લોકો અત્યંત શ્રદ્ધા ભાવથી ભગવાન રામની પૂજા કરે છે. તો જે લોકો હનુમાનજીની પૂજા કરે છે તેઓ ભગવાન રામની પણ પૂજા કરે છે. પ્રભુ શ્રીરામ મહાકાવ્ય રામાયણના મુખ્ય પાત્ર છે. તમને જણાવી દઈએ કે ભગવાન રામને સમર્પિત ઘણા મંદિરો સમગ્ર ભારતમાં છે. આજે રામ નવમી છે. આ પ્રસંગે પ્રભુ શ્રી રામ ભક્ત પોતાના ભગવાનના દર્શન માટે રામ મંદિરોમાં પહોંચે છે. કહેવાય છે કે રામ નવમીના દિવસે શ્રી રામનો અયોધ્યામાં રાજા દશરથના ઘરે જન્મ થયો હતો. ત્યારથી શ્રી રામ ભક્ત રામ નવમીના દિવસે ભગવાન રામનો જન્મદિવસ મનાવતા તેમની પૂજા કરે છે.

રામ નવમી પર રામ મંદિરોને શણગારવામાં આવે છે અને સમારોહનું આયોજન કરવામાં આવે છે. ચાલો આ દિવસ નિમિત્તે તમને ભારતમાં આવેલા 5 મુખ્ય રામ મંદિરો વિશે જણાવીએ..

રામ રાજા મંદિર, મધ્ય પ્રદેશ

મધ્ય પ્રદેશના રામ રાજા મંદિરમાં પ્રભુ શ્રીરામને ભગવાન તરીકે નહીં, પરંતુ રાજાના રૂપમાં પૂજવામાં આવે છે. આ રામ મંદિરનું નિર્માણ એક ભવ્ય કિલ્લાના રૂપમાં કરવામાં આવ્યું છે. મંદિરના પહેરેદાર તરીકે પોલીસકર્મીઓ કાર્યરત છે. અહીં દરરોજ ગાર્ડ ઓફ ઓનર કરવામાં આવે છે અને રાજા રામને સશસ્ત્ર સલામી આપવામાં આવે છે. કહેવાય છે કે રામ રાજા મંદિરમાં પહેલા ભગવાન રામની મૂર્તિને ચતુર્ભુજ મંદિરમાં રાખવાની હતી, પરંતુ જે સ્થાન પર તે હાલ સ્થાપિત છે, એ સ્થાન પર એક વખત બિરાજમાન થયા બાદ કોઇપણ તેને ખસેડી શક્યું નથી. રામ રાજા મંદિરની દિવાલો અને તેનું પ્રાંગણ આરસથી બનેલુ છે, જે ખૂબ સુંદર લાગે છે.

કાલારામ મંદિર, નાસિક

કાલારામ મંદિર ભારતના સુંદર મંદિરોમાંથી એક છે. તે મહારાષ્ટ્રના નાસિકના પંચવટી ક્ષેત્રમાં સ્થિત છે. આ મંદિરમાં ભગવાન રામની 2 ફૂટ ઊંચી કાળી મૂર્તિ સ્થાપિત છે. આ જ કારણ છે કે આ મંદિરનું નામ કાલારામ મંદિર પડ્યું. આ મંદિરમાં શ્રીરામ સાથે દેવી સીતા અને લક્ષ્મણની મૂર્તિઓ પણ સ્થાપિત છે. એવું માનવામાં આવે છે કે જ્યારે ભગવાન રામને 14 વર્ષના વનવાસ પર મોકલવામાં આવ્યા હતા તો 10મા વર્ષ બાદ તેઓ સીતા અને લક્ષ્મણ સાથે પંચવટીમા ગોદાવરી નદીને કિનારે રહેવા માટે આવ્યા હતા. આ મંદિરનું નિર્માણ સરદાર રંગારૂ ઓધેકરે કર્યું હતું. તેમણે સપનું જોયું હતું કે રામની એક કાળી મૂર્તિ ગોદાવરી નદીમાં છે જેને તેમણે બીજા દિવસે નદીથી બહાર કાઢીને કાલારામ મંદિરમા સ્થાપિત કરી હતી.

અયોધ્યા રામ મંદિર, ઉત્તર પ્રદેશ

અયોધ્યાનું રામ મંદિર હિન્દુઓ માટે હંમેશાથી ખાસ રહ્યું છે. તેને ભગવાન રામની જન્મભૂમિ પણ કહેવામાં આવે છે. ફૈઝાબાદ જિલ્લામાં સરયુ નદીના કિનારે આવેલું આ રામ મંદિર હિન્દુઓમાં ઘણું મહત્વ ધરાવે છે. આ સ્થળની એક ઝલક મેળવવા માટે દર વર્ષે હજારો ભક્તો આ દિવ્ય ભૂમિ પર પહોંચે છે. શાંત ઘાટ, સુંદર મંદિર અને ભગવાન રામમાં હિન્દુઓની અપાર શ્રદ્ધા અયોધ્યામાં રામ મંદિરની સુંદરતામાં ઓર વધારો કરે છે.

રઘુનાથ મંદિર, જમ્મુ

જમ્મુનું રઘુનાથ મંદિર ઉત્તર ભારતનું એક પ્રસિદ્ધ મંદિર છે. રઘુનાથ મંદિર પરિસરમાં મુખ્ય મંદિર ઉપરાંત 7 અન્ય મંદિર છે જે હિંદુ ધર્મના અન્ય દેવી-દેવતાઓને સમર્પિત છે. રઘુનાથ મંદિર હિન્દુ સંપ્રદાયની આકર્ષક છબીઓથી બનેલું છે જે અન્ય કોઈ મંદિરમાં ભાગ્યે જ જોવા મળે છે. રઘુનાથ મંદિરના સ્થાપત્યમાં મુઘલ શૈલીના રંગ જોઈ શકાય છે.

રામાસ્વામી મંદિર, તમિલનાડુ

ભગવાન રામનું રામાસ્વામી મંદિર દક્ષિણ ભારતના તમિલનાડુમાં આવેલું છે. તે ભારતના સૌથી સુંદર રામ મંદિરોમાંથી એક છે. આ મંદિરની અંદરની ભવ્ય કોતરણીમાં મહાકાવ્ય રામાયણના સમય દરમિયાન બનેલી તમામ પ્રસિદ્ધ ઘટનાઓ દર્શાવવામાં આવી છે. રામાસ્વામી મંદિરને દક્ષિણ ભારતનું અયોધ્યા કહેવામાં આવે છે. આ એકમાત્ર મંદિર છે જ્યાં તમે શ્રી રામ, સીતા અને લક્ષ્મણની મૂર્તિઓ સાથે ભરત અને શત્રુઘ્નની મૂર્તિઓ પણ જોઈ શકો છો. મંદિર પરિસરમાં ત્રણ અન્ય મંદિર પણ છે, જેના નામ અલવર સન્નથી, શ્રીનિવાસ સન્નથી અને ગોપાલન સન્નથી છે, જેની મુલાકાત તમારે લેવી જોઈએ.

(નોંધ : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles