fbpx
Saturday, April 20, 2024

અહીં દર્શન કર્યા પછી જ મળશે ચારધામ યાત્રાનું ફળ! જાણો ઉત્તરકાશીના વિશ્વનાથનો મહિમા

કાશી એટલે તો એ નગરી કે જે દેવાધિદેવને સૌથી વધુ પ્રિય મનાય છે. વારાણસીમાં દેવાધિદેવ મહાદેવ એ વિશ્વેશ્વર જ્યોતિર્લિંગ રૂપે વિદ્યમાન થયા છે. શિવપુરાણમાં ઉલ્લેખ અનુસાર વરુણા અને અસિના તટ પર વસેલી આ નગરી તો મોક્ષની પ્રાપ્તિ કરાવનારી નગરી છે. પણ, શું તમને ખબર છે ભારતની બીજી એક નગરીને પણ અદ્દલ કાશી સમાન જ માન્યતા પ્રાપ્ત છે ?

આજે અમે આપને જણાવીશું ઉત્તરકાશીના ‘કાશી વિશ્વનાથ’નો મહિમા. ઉત્તર પ્રદેશના વારાણસી એટલે કે કાશીની મહત્તા તો આપણે સૌ જાણીએ જ છીએ. પણ, કહે છે કે આ કાશીના દર્શન સમાન જ પુણ્યની પ્રાપ્તિ કરાવનારા તો છે ઉત્તરકાશીમાં વિદ્યમાન ‘વિશ્વનાથ મહાદેવ’.

ઉત્તરકાશીનું કાશી વિશ્વનાથ મંદિર એ હરિદ્વારથી લગભગ 197 કિલોમીટરના અંતરે સ્થિત છે. યમુનોત્રી અને ગંગોત્રીના દર્શને જનારા લોકો માટે ઉત્તરકાશી જ મુખ્ય પડાવ છે. માન્યતા અનુસાર ચારધામની યાત્રાએ જનારા સર્વ પ્રથમ ઉત્તરકાશીના વિશ્વનાથ મહાદેવના જ આશીર્વાદ લે છે અને ત્યારબાદ જ ચારધામની યાત્રાનો પ્રારંભ કરે છે. અહીંની માન્યતા અનુસાર ચારધામની યાત્રા ત્યાં સુધી પૂર્ણ નથી મનાતી કે જ્યાં સુધી તમે આ સ્થાનકમાં દર્શને ન આવો. કારણ કે, ઉત્તરાખંડમાં તો અહીં મંદિરમાં બિરાજમાન વિશ્વનાથનો જ જ્યોતિર્લિંગ સરીખો મહિમા છે.

ઉત્તરકાશીના કાશી વિશ્વનાથ એ સૌમ્ય વિશ્વનાથ તરીકે પૂજાય છે. કારણ કે તેમનું તો સ્વરૂપ જ અત્યંત સૌમ્ય ભાસે છે. માન્યતા અનુસાર ભક્તોને દર્શન માત્રથી પરમશાંતિની અનુભૂતિ કરાવે છે આ વિશ્વનાથ. ભારતના દ્વાદશ જ્યોતિર્લિંગમાં નવમા સ્થાને વિશ્વેશ્વર જ્યોતિર્લિંગના દર્શનનો મહિમા છે. ત્યારે આ મંદિર વરુણાવત પર્વતની તળેટીમાં વસ્યું છે. આ સ્થાન પર અસિ નદીના જળ એ ભાગીરથી એટલે કે ગંગામાં એકરૂપ થાય છે. આ વરુણા અને અસિ શબ્દના જોડાવાથી વારણસી શબ્દ બને છે. અને કહે છે કે તે જ દ્વાદશ જ્યોતિર્લિંગના “વારાણસ્યાં તું વિશ્વેશં“ શબ્દોને સાર્થક કરે છે !

સ્કંદ પુરાણના કેદારખંડમાં આ સ્થાનનો ‘બાડાહાટ’ તરીકે ઉલ્લેખ મળે છે. દંતકથા અનુસાર આ ધરા પર સર્વ પ્રથમ મંદિરનું નિર્માણ સ્વયં પરશુરામજીએ કરાવ્યું હતું. આજે તો આ સ્થાન ઉત્તરાખંડમાં આવનારા લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર બન્યું છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles