fbpx
Saturday, April 20, 2024

હનુમાનજી સંબંધિત આ ઉપાય કરવાથી ઘરમાં ધનનો વરસાદ થશે! જાણો હનુમાન કૃપા પ્રાપ્ત કરવાના ઉપાય

હનુમાન ભક્તો માટે હનુમાન જયંતીનો દિવસ ખૂબ જ મહત્વનો હોય છે. ચૈત્ર માસની પૂનમના રોજ હનુમાનજીનું પ્રાગટ્ય થયું હતું. એટલે હનુમંત કૃપાને પ્રાપ્ત કરવા હનુમાન જયંતીનો દિવસ અત્યંત ફળદાયી મનાય છે. તેનાથી જીવનની તમામ સમસ્યાઓનો પણ અંત આવી જાય છે. ત્યારે આવો જાણીએ, કે આ દિવસે કેવાં ઉપાયો અજમાવવા જોઈએ કે જેનાથી તમામ મુસીબતો દૂર થઈ જશે.

મંગળકારી હનુમાન ચાલીસા

હનુમાન જયંતીના દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરવો ખૂબ શ્રેષ્ઠ મનાય છે. કહેવાય છે કે જે દિવસે હનુમાનજીનો જન્મ થયો હતો તે દિવસ ‘મંગળવાર’ હતો અને હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી ભક્તોનું જીવન પણ ‘મંગળમય’ બની જાય છે. ભગવાન હનુમાનજીની પૂજા કરવાથી ભક્તોની દરેક પ્રકારની તકલીફોનો અંત આવી જાય છે.

વિવિધ પાઠથી લાભ

જો તમે ભગવાન હનુમાનજીને પ્રસન્ન કરવા ઇચ્છતા હોવ તો હનુમાન જયંતીના દિવસે સુંદરકાંડ, હનુમાન ચાલીસા, હનુમાન અષ્ટક કે પછી બજરંગ બાણનો પાઠ અવશ્ય કરવો જોઈએ. કહે છે કે આ શુભ દિવસે જે પણ વ્યક્તિ આ બધા પાઠ કરે છે તેનો શારીરિક અને માનસિક વિકાસ થાય છે અને તેની સાથે જ તેમના જીવનમાં સુખ-શાંતિનો વાસ થાય છે.

ફળદાયી હનુમાન મંત્ર

આ દિવસે હનુમાન મંદિરમાં જઇને હનુમાન મંત્રનો જાપ કરવો જોઈએ. તમને આવડતો હોય એવાં કોઈપણ મંત્રનો આપ જાપ કરી શકો છો. છતાં હનુમંત કૃપા પ્રાપ્ત કરાવતો સરળ મંત્ર છે ।। ૐ હં હનુમતે નમઃ ।। હનુમાન મંદિરમાં હનુમંત પ્રતિમાની સન્મુખ બેસીને 108 વખત આ મંત્રનો જાપ કરવો જોઈએ. ત્યારબાદ પ્રભુને ગુલાબના પુષ્પની માળા અર્પણ કરવી. કહે છે કે આ કાર્ય કરવાથી કોઇપણ પ્રકારની નકારાત્મક શક્તિ આપની પાસે નહીં આવી શકે અને ભગવાન હનુમાનજીની સદૈવ આપના પર કૃપા વરસતી રહેશે.

આર્થિક સમૃદ્ધિ અર્થે

જો આપના ઘરની આર્થિક સ્થિતિ નબળી હોય અથવા તો ધન સાથે જોડાયેલી સમસ્યાઓ આપને સતાવતી હોય તો આ પ્રયોગ ખાસ કરો. હનુમાન જયંતીના દિવસે ભગવાન હનુમાનજી સમક્ષ ચમેલીના તેલનો દીવો પ્રજ્વલિત કરી તેમને ચોલા અર્પણ કરો. ધન પ્રાપ્તિના યોગ બનાવવા માટે 11 પીપળાના પાન લો અને તેને ગંગાજળથી સાફ કરો. પછી આ પીપળાના પાન પર શ્રીરામ લખીને ભગવાન હનુમાનજીને અર્પણ કરો.

નોકરી-વ્યવસાયમાં લાભ અર્થે

જો આપ નોકરીની શોધમાં હોવ અથવા તો આપના ધંધા વ્યવસાયમાં વૃદ્ધિ ન થઇ રહી હોય તો હનુમાન જયંતીના અવસર પર એક પાન લઇ તેના પર બુંદીના લાડુ અને લવિંગ મૂકી દો. ત્યારબાદ આ પાન પર ચાંદીની ભસ્મ લગાવીને હનુમાનજીને અર્પણ કરો. આપ ઇચ્છો તો કેવડાનું અત્તર પણ અર્પણ કરી શકો. ત્યારબાદ સુંદરકાંડ કે પછી રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરવો. કહે છે કે તેનાથી ચોક્કસથી ફળની પ્રાપ્તિ થાય છે.

કષ્ટોનું નિવારણ

આ દિવસે બનારસી પાન, 11 કાળા અડદના દાણાં, ચમેલીનું તેલ, પુષ્પ, પ્રસાદ, સિંદૂર અને ગુલાબના પુષ્પની માળા ભગવાન હનુમાનજીને અર્પિત કરો. પછી હનુમાન ચાલીસા કે સુંદરકાંડનો પાઠ કરો. આ ઉપાય કરવાથી આપના જીવનમાં રહેલી દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થઇ જશે. આપ આ ઉપાય હનુમાન જયંતીના દિવસ પછી દરેક મંગળવાર અને શનિવારે પણ કરી શકો છો.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles