fbpx
Friday, April 19, 2024

56 ભોગ ધરાવાય છે ઠાકોરજીને, શું છે આ વાનગીઓની 56 સંખ્યાનું રહસ્ય ?

દ્વારકામાં બિરાજતા દ્વારિકાધીશ હોય કે ડાકોરમાં બિરાજતા રણછોડરાયજી હોય, ઠાકોરજીના આ દિવ્ય સ્વરૂપોને 56 ભોગ અર્પણ કરવાની પ્રણાલી છે. એટલું જ નહીં, વિશેષ ઉત્સવો પર તો ભક્તો ઘરમાં પણ તેમના બાળગોપાલ શ્રીકૃષ્ણ આગળ 56 ભોગ અર્પણ કરી દેતાં હોય છે.

ત્યારે ઘણાં વૈષ્ણવોને એ કુતૂહલ થતું હોય છે કે શ્રીઠાકોરજીને ૫૬ ભોગ શા માટે ધરાવવામાં આવે છે ? આખરે, 56 પ્રસાદનું રહસ્ય શું છે ? આવો, આજે તે જ વિશે વિગતે જાણવાનો પ્રયત્ન કરીએ. એક માન્યતા અનુસાર આ 56 ભોગ સાથે તો પ્રભુની ગોવર્ધન ધારણ લીલા જોડાયેલી છે.

ગોવર્ધન ધારણ લીલા

શ્રીકૃષ્ણએ સતત 7 દિવસ સુધી ગોવર્ધન પર્વતને તેમની ટચલી આંગણીએ ધારણ કરી રાખ્યો હોવાની કથા સર્વવિદિત છે. અને વાસ્તવમાં પ્રભુને અર્પણ થતાં 56 ભોગની પ્રણાલી પણ આ કથા સાથે જ જોડાયેલી છે. આ કથા અનુસાર માતા યશોદા બાળકૃષ્ણને એક દિવસમાં આઠ વખત ભોજન કરાવતા હતા. પણ એકવાર વ્રજ પર ઈન્દ્રનો પ્રકોપ ઉતર્યો. અને અનરાધાર વરસાદ વરસ્યો. આ વરસાદથી વ્રજવાસીઓની રક્ષા કરવા ભગવાન શ્રીકૃષ્ણએ ગોવર્ધન પર્વતને ટચલી આંગળીએ ઉઠાવી લીધો હતો. માત્ર સાત વર્ષનો કાનુડો સતત 7 દિવસ સુધી ગોવર્ધનને ધારણ કરીને ઉભો રહ્યો. એ પણ, અન્નજળ ગ્રહણ કર્યા વિના !

પ્રભુની લીલા સામે હારીને આખરે ઈન્દ્રને પોતાની ભૂલ સમજાઈ. તેણે પ્રભુની ક્ષમા માંગીને આઠમાં દિવસે વરસાદને રોકી લીધો. શ્રીકૃષ્ણએ પણ તમામ વ્રજવાસીઓને ગોવર્ધન પર્વત નીચેથી નીકળી જવાનું કહ્યું. પરંતુ, દિવસમાં 8 વખત ભોજન કરનાર કૃષ્ણ સળંગ 7 દિવસ સુધી ભુખ્યા રહેતા વ્રજવાસીઓ અને મૈયા યશોદાને ખુબ દુઃખ થયું હતું. આખરે, પ્રભુ પ્રત્યેની પોતાની અનન્ય શ્રદ્ધા દેખાડતા તમામ વ્રજવાસીઓ સહિત યશોદા માતાએ 7 દિવસ અને આઠ પ્રહરના હિસાબથી (7×8=56) છપ્પન વ્યંજનો બનાવ્યા. અને તે 56 ભોગ બાલગોપાલને ભાવથી ખવડાવ્યા. માન્યતા અનુસાર તે સમયથી જ ઠાકોરજીને 56 ભોગ અર્પણ કરવાની પ્રણાલીનો પ્રારંભ થયો છે.

અન્ય માન્યતા

ધર્મ ગ્રંથોમાં ઉલ્લેખ અનુસાર પ્રાણીઓની 84 લાખ યોનિઓ જાણવામાં આવે છે. જેમાં શ્રેષ્ઠ યોનિ એ મનુષ્ય યોનિ છે. જો મનુષ્ય યોનિને અલગ કરી દેવામાં આવે તો 83,99,999 સંખ્યા થાય છે. આ બધી યોનિઓ પશુ-પક્ષીની છે. તેમને જોડવાનો યોગ 56 હોય છે. મનુષ્ય જન્મને છોડીને બાકીનાં જન્મોથી મુક્તિ મેળવવા માટે જ આપણે 56 ભોગનો પ્રસાદ ભગવાનને ધરાવીએ છીએ. જેનો અર્થ એવો થાય છે કે આપણે આપણાં અન્ય 83,99,999 જન્મ ભગવાન શ્રીકૃષ્ણના ચરણોમાં સમર્પિત કરી દીધા છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles