fbpx
Saturday, April 20, 2024

ઘરના પ્રવેશદ્વાર પાસે ક્યારેય ન કરો આ ભૂલ! જાણો ઉંબરા પૂજન સાથે જોડાયેલા આ નિયમ

વાસ્તુ શાસ્ત્રમાં ઘર માટે ઘણાં નિયમો વર્ણવવામાં આવ્યા છે. જેમાં ઘરના પ્રવેશદ્વાર પરના ઉંબરાનું પણ એક આગવું જ મહત્વ છે. આપણે ત્યાં ઉંબરા પૂજનની પરંપરા છે. અને તે વિશે મોટાભાગે લોકો જાણે જ છે. પરંતુ, લોકો એ નથી જાણતાં કે આ ઉંબરાને લઈને પણ વાસ્તુ શાસ્ત્રમાં કેટલાંક ખાસ નિયમો દર્શાવવામાં આવ્યા છે.

ઉંબરા સંબંધિત બેધ્યાનપણું વાસ્તવમાં વિવિધ મુસીબતોને પણ નોતરી શકે છે ! આવો, તે વિશે વિગતે જાણીએ.

વાસ્તુની દૃષ્ટિએ જોતા ઘરનો ઉંબરો ઘણો જ મહત્વનો છે. ઘરનો ઉંબરો એ ઘરની પ્રતિષ્ઠા, વૈભવ અને લક્ષ્‍મણરેખાનું પ્રતિક છે. પહેલાંના સમયમાં ઘરની સ્ત્રીઓ નિયમિત રીતે ઉંબરાનું પૂજન કરતી હતી. આ પ્રથા બહુ થોડા અંશે આજે પણ સચવાઈ રહી છે. પરંતુ, ઘરની આધુનિક ડિઝાઇનમાં આજે ઉંબરાની જ બાદબાકી થઈ ગયેલી જોવા મળે છે ! પણ, યાદ રાખો કે ઉંબરો તમારાં ભાગ્યોદય સાથે ગાઢપણે જોડાયેલો છે. અને આ ઉંબરા સંબંધી કેટલાંક નિયમોનું પાલન કરીને જ તમે તમારાં દુર્ભાગ્યને ઘરમાં પ્રવેશતા અટકાવી શકો છો ! કહે છે કે જે ઘરમાં ઉંબરા સંબંધી આ નિયમોનું પાલન થાય છે ત્યાં ખુશીઓ હંમેશા જ અકબંધ રહે છે.

ઉંબરે ઊભા ન રહો !

ઉંબરા પર ક્યારેય પણ કોઈએ પગ સ્પર્શ કરવા જોઈએ નહીં. એટલે કે ઘરના ઉંબરા ઉપર પગ રાખીને ઘરમાં ક્યારેય પ્રવેશ ન કરવો જોઇએ. એટલે કે મહેમાનનું સ્વાગત કરો અથવા તેમની વિદાય કરો તો પણ તે સમયે ઉંબરા ઉપર ઊભા રહેવું જોઈએ નહીં. શાસ્ત્રો અનુસાર મહેમાનોનું સ્વાગત ઉંબરાની અંદરથી કરવું જોઇએ તથા વિદાય ઉંબરાની બહાર ઊભા રહીને કરવી જોઈએ !

ઉંબરા પર ભોજન ન કરો

ઘરના ઉંબરા ઉપર ક્યારેય ન બેસવું જોઇએ. ઘરનાં ઉંબરા ઉપર બેસીને ભોજન પણ ન કરવું જોઇએ. જો તમે આવું કરો છો તો નિશ્ચિત રૂપથી તમે જ ગરીબીને આમંત્રણ આપી રહ્યા છો.

ઉંબરાને હંમેશા સ્વચ્છ રાખો !

ઘરનો ઉંબરો હંમેશા જ સ્વચ્છ રાખવો જોઈએ. યાદ રાખો કે, ઉંબરા પર બિલ્કુલ પણ ગંદકી ન કરવી. શક્ય હોય તો ઉંબરાની નિત્ય જ પૂજા કરો. પરંતુ, નિત્ય પૂજન શક્ય ન હોય તો પણ આ સ્થાન પર સ્વચ્છતા જળવાય તે ખૂબ જ જરૂરી છે.

ઉંબરાની પૂજા કેવી રીતે કરવી ?

⦁ સૌ પ્રથમ ઘરમાં ભગવાનની પૂજા થયા પછી ઉંબરાની પૂજા કરો.

⦁ ઉંબરાની પૂજા કરવા બેસો ત્યારે તમારું મોં હંમેશા ઘર તરફ હોવું જોઈએ. એટલે કે ઉંબરાની પૂજા કરવા ઉંબરાની બહાર બેસવું.

⦁ ઉંબરાની પૂજા કરતા પહેલા થોડું પાણી લઈને ઉંબરો ધોઈ લો.

⦁ હળદર એક શુભ માંગલિક વસ્તુ છે. જેનું ઉંબરાની પૂજામાં ખાસ મહત્વ રહેલું છે. ઉંબરા પર હળદરથી સ્વસ્તિક બનાવીને ચોખા મુકો.

⦁ સ્વસ્તિક હંમેશા દરવાજાની બંન્ને બાજુએ બનાવવો જોઈએ.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles