fbpx
Wednesday, April 24, 2024

આ વસ્તુઓને ઘરમાં રાખવાની ભૂલથી પણ ન કરતાં ભૂલ, નહીંતર વાસ્તુદોષનો કરવો પડશે સામનો !

દરેક ઘરમાં વાસ્તુનું વિશેષ મહત્વ હોય છે. જે ઘરનું વાસ્તુ યોગ્ય હોય છે, તે ઘરમાં હંમેશા સકારાત્મક ઊર્જા રહે છે. આવી સ્થિતિમાં તે ઘરમાં ધન, સુખ અને શાંતિ રહે છે. તેનાથી વિપરિત, જે ઘરમાં વાસ્તુનું ધ્યાન રાખવામાં ન આવે ત્યાં હંમેશા નકારાત્મક ઉર્જા રહે છે.

આ નકારાત્મક ઊર્જાથી ઘરમાં ગરીબી, અશાંતિ અને દુ:ખ આવતા રહે છે. ઘરની સુખ-શાંતિ માટે ઘરમાં રાખેલી વાસ્તુ યોગ્ય હોવી ખૂબ જરૂરી છે. વાસ્તુ શાસ્ત્રમાં એ સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે ક્યા પ્રકારના ઘરમાં સકારાત્મક અને નકારાત્મક શક્તિઓ પ્રવેશ કરે છે. ઉપરાંત, નકારાત્મક શક્તિઓના પ્રભાવ વિશે અને તેમાંથી છુટકારો મેળવવાના ઉપાયો વિશે પણ તેમાં જાણકારી આપવામાં આવી છે. જે પ્રકારે ઘણી વસ્તુઓથી ઘરમાં સકારાત્મક ઊર્જા વધે છે તે જ રીતે ઘણી એવી વસ્તુઓ પણ હોય છે જે ઘરમાં નકારાત્મક ઊર્જામાં વધારો કરે છે. આવો, તે વિશે વિગતે માહિતી મેળવીએ.

ઘરમાં રાખવામાં આવતા છોડ

મોટાભાગે લોકો ઘરમાં નાના છોડ રાખતા હોય છે. જેનાથી ઘરનું વાતાવરણ સારું અને શાંતિમય રહે. પરંતુ, ઘરમાં છોડ રાખતા પૂર્વે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે ઘરમાં ક્યારેય પણ કાંટાળા છોડ રાખવા નહીં. કાંટાવાળા છોડ ઘરમાં નકારાત્મક ઊર્જા લાવે છે. પરિવારનાં સભ્યોની વચ્ચે અંદરોઅંદર મતભેદ લાવે છે. વળી, બોનસાઈ પ્લાન્ટ પણ ઘરમાં લોકો રાખતા હોય છે તે પણ ન રાખવા જોઇએ. કારણ કે તે છોડ પ્રગતિમાં અડચણ લાવે છે. આ છોડ ઘરમાં હોવાથી ઘરમાં વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે.

ઘરની દિવાલ પર રાખવામાં આવતી તસવીરો

ઘણાં ઘરોમાં લોકોને દિવાલો પર અલગ અલગ પ્રકારની તસવીરો કે ચિત્ર રાખવાનો શોખ હોય છે. પરંતુ એક વાત ખાસ યાદ રાખવી કે ઘરની દિવાલ ઉપર ક્યારેય પણ જંગલી જાનવરોની તસવીર, યુદ્ધવાળી તસવીર, ઉજ્જડ વેરાન કે નિર્જન જગ્યાની તસવીર, સુકાયેલા વૃક્ષની તસવીર લગાવવાની ભૂલ ક્યારેય કરવી નહીં. આવું કરવાથી ઘણા પ્રકારની સમસ્યા ઊભી થાય છે સાથે પરિવારમાં તણાવ પણ ઊભો થાય છે. એટલે જ્યારે પણ ઘરમાં તસવીરો લગાવો તો હંમેશા ખુશહાલી, રંગબેરંગી અને મનને શાંતિ મળે એવી તસવીર લગાવવી જોઈએ.

કરોળિયાના જાળાની બચો !

ઘરની સાફસફાઇ ખૂબ જ જરૂરી છે. એટલે ઘરમાં ક્યારેય પણ કરોળિયાના જાળા ન થવા દેવા જોઇએ. ઘરમાં કરોળિયાનાં જાળા હોવા પણ ખુબ જ અશુભ હોય છે. તેનાથી ઘરના લોકોમાં આળસ તથા ચીડીયાપણું આવે છે, પરિવારના લોકો હંમેશાં અસમંજસમાં રહે છે. તેમની પ્રગતિ અટકી જાય છે. તેઓ કોઇપણ કાર્યમાં યોગ્ય નિર્ણય લઈ શકતા નથી. કુલ મળીને ઘરમાં કરોળિયાના જાળા હોવાથી પરિવારના લોકોમાં પરસ્પર સંબંધો વણસે છે તથા નોકરી, વેપાર અને ધંધામાં પણ અશુભ પરિણામ ભોગવવા પડે છે.

ઘરમાં રાખવામાં આવતી મૂર્તિઓ

ઘરમાં નટરાજની મૂર્તિ હોવી પણ અશુભ માનવામાં આવે છે. વળી શિવ તાંડવની તસવીર જે ઘરમાં હોય છે તે ઘરમાં પારિવારિક સંબંધો અને પરસ્પર પ્રેમ ઉપર આ મૂર્તિની નકારાત્મક અસર પડે છે. એટલા માટે ઘરમાં ક્યારેય પણ નટરાજની મૂર્તિ રાખવી નહીં.

તૂટેલો સામાન ન રાખો

ઘરમાં ક્યારેય પણ કોઇપણ પ્રકારની તૂટેલી-ફૂટેલી, ખરાબ થઈ ગયેલી વસ્તુઓ, તૂટી ગયેલા વાસણ, ખરાબ થયેલ ઇલેક્ટ્રોનિક સામાન, ફાટી ગયેલા ફોટા-તસવીરો અને તૂટેલું કે ખરાબ થયેલું ફર્નિચર રાખવું જોઈએ નહીં. તે ઘરમાં રાખવાથી ઘરમાં નકારાત્મક ઊર્જા આવે છે. તેનાથી ઘરમાં ધન હાનિ થાય છે અને નિર્ધનતાનો સામનો કરવો પડે છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles