fbpx
Thursday, April 25, 2024

એક નાની ભૂલ મુશ્કેલી ઊભી કરી શકે છે! જાણો ઘરના મંદિરને લગતા આ નિયમ

માન્યતા અનુસાર જે ઘરમાં મંદિર હોય છે, તે ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઇ રહે છે. જે ઘરમાં મંદિર હોય છે, ત્યાં ભગવાનનો વાસ હોય છે. પણ, આ મંદિર હંમેશા ચોખ્ખું રાખવું ખૂબ જ જરૂરી છે. વાસ્તુશાસ્ત્રમાં ઘરના મંદિર સાથે જોડાયેલા અમુક નિયમો જણાવવામાં આવ્યા છે.

જેનું લોકોએ જરૂરથી પાલન કરવું જોઈએ. આ નિયમો અનુસાર મંદિરમાં કેટલીક વસ્તુઓ રાખવાનો નિષેધ છે. આ એવી વસ્તુઓ છે કે જેના દ્વારા અશુભ ફળની પ્રાપ્તિ થઈ શકે છે. આ એવી વસ્તુઓ છે કે જે ઘરના મંદિરમાં હોવાથી પૂજા સમયે મન ક્યારેય પણ એકાગ્ર રહેતું નથી. અને સાથોસાથ ઘરની ધન-સંપત્તિને પણ આ વસ્તુઓ નુકસાન કરે છે. આવો, આજે તેના વિશે જ વિગતે માહિતી મેળવીએ.

મંદિરની દિશા

જો તમારા ઘરમાં જગ્યાની અછત છે તો ઉત્તર પૂર્વના ખૂણામાં એક બાજોઠ સ્થાપિત કરીને ત્યાં પોતાનું મંદિર બનાવી શકો છો. ઘણી વખત જોવામાં આવે છે કે અમુક લોકો જગ્યા ઓછી હોવાને લીધે ઘરના મંદિરને સ્ટોર રૂમમાં બનાવી દેતા હોય છે. આવું કરવું બિલકુલ પણ યોગ્ય માનવામાં આવતું નથી. ઘરના મંદિરને એવી જગ્યાએ બિલકુલ પણ રાખવું જોઈએ નહીં, જ્યાં નકામો સામાન અથવા તો ભંગાર રાખવામાં આવતો હોય.

મંદિરમાં શંખ !

ભગવાન વિષ્ણુને શંખ અતિપ્રિય છે. શંખને શ્રીહરિનું જ પ્રતિક માનવામાં આવે છે. એટલે ઘરના મંદિરમાં શંખ અવશ્ય રાખવો જોઇએ. પરંતુ એક વાત ખાસ યાદ રાખવી જોઇએ કે ઘરના મંદિરમાં એક કરતા વધુ સંખ્યામાં શંખ ન રાખવા જોઇએ. તે અશુભ ફળની પ્રાપ્તિ કરાવી શકે છે.

બાળગોપાલની મૂર્તિ કે ચિત્ર

જો આપના ઘરના મંદિરમાં બાળગોપાલ બિરાજમાન છે તો તેમની નિયમિતપણે સેવા પૂજા કરવી ખૂબ જરૂરી છે. દરરોજ તેમને સ્નાન કરાવવું જોઇએ, વસ્ત્રો બદલાવવા જોઇએ તેમજ તેમને દિવસમાં ત્રણ વખત ભોગ અર્પણ કરવો જોઇએ. ઘરના રસોડામાં બનેલી દરેક વસ્તુ પહેલા તેમને અર્પણ કરીને જ ઘરના બીજા સભ્યોએ આરોગવી જોઇએ. જ્યારે પણ તમારે બહારગામ જવાનું થાય ત્યારે બાળગોપાલને આપની સાથે જ લઇ જવા જોઇએ અથવા તો કોઇ વ્યક્તિને સોંપીને જવા જોઇએ કે જે વ્યક્તિ નિત્ય નિયમાનુસાર તેમની સેવાપૂજા કરે.

પૂજાના પુષ્પ

ઘરના મંદિરમાં ભાવિકો નિત્ય જ ભગવાનને અલગ અલગ પુષ્પ અર્પણ કરતા હોય છે. પુષ્પથી સજાવટ કરતા હોય છે. આ બધી વસ્તુઓ ભગવાનને અતિ પ્રિય છે. પરંતુ આ કાર્ય કરવામાં એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે ભગવાન માટે કે મંદિરમાં ક્યારેય વાસી પુષ્પનો ઉપયોગ ન કરવો જોઇએ. આ આદત આપના માટે અશુભ સાબિત થઇ શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જોઇએ તો વાસી પુષ્પોમાં નકારાત્મક ઊર્જાનો વાસ રહે છે. જે આપના ઘરમાં નિર્ધનતાને આમંત્રણ આપે છે. અકાળ મૃત્યુ, મંગળદોષ તથા લગ્ન સંબંધિત કાર્યોમાં પણ અડચણ ઊભી થઈ શકે છે.

પૂર્વજોના ચિત્રો કે તસવીર

મંદિરમાં ક્યારેય પણ પૂર્વજોના ચિત્રો કે તસવીર રાખવી જોઈએ નહીં. શાસ્ત્રોમાં તેને અશુભ બાબત માનવામાં આવે છે. પૂર્વજોના ચિત્રો કે તસવીરને મંદિરમાં રાખવાના બદલે તમે પોતાના ઘરની દક્ષિણ દિશાની દિવાલ ઉપર લગાવી શકો છો. આ રીતે કરવાથી પિતૃઓ તમારી ઉપર પ્રસન્ન રહે છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles