fbpx
Monday, April 22, 2024

શું તમારા ઘરમાં પણ ઈલેક્ટ્રિક વાયરના ગૂંચળા છે? આ ભૂલ ખૂબ જ ગંભીર હોઈ શકે છે!

દુનિયામાં દરેક વ્યક્તિની ઈચ્છા એવી જ હોય છે કે તેના ઘરમાં હંમેશા સુખ-સમૃદ્ધિ રહે. માતા લક્ષ્‍મીના આશીર્વાદ સદાય તેમની પર રહે. તેમજ તેમના ઘરનું વાતાવરણ હંમેશા સકારાત્મક ઊર્જાથી ભરેલું રહે. માન્યતા અનુસાર જે ઘર વાસ્તુશાસ્ત્રની દૃષ્ટિએ યોગ્ય હોય અને ઘરની સજાવટની વસ્તુઓ વાસ્તુ અનુસાર ગોઠવવામાં આવી હોય તો તે ઘરમાં સુખ-સમૃદ્ધિનો હંમેશા વાસ રહે છે.

તે ઘરમાં વસનારા સભ્યોની હંમેશા પ્રગતિ થાય છે. પરિવારના સભ્યોમાં અરસપરસ પ્રેમ રહે છે. પરંતુ, જ્યારે ઘરમાં વાસ્તુ સંબંધિત કંઇ ગરબડ હોય, આપને ઊંઘ સારી ન આવતી હોય, તો સમજવું કે તે ઘરમાં ભગવાનના આશીર્વાદ નથી. તેનો અર્થ એ છે કે ઘરમાં કોઈપણ પ્રકારનો વાસ્તુદોષ હોઈ શકે છે. તેથી માત્ર ઘરની દિશા જ નહીં, પરંતુ, ઘરની વસ્તુઓની ગોઠવણ પણ યોગ્ય હોય તે વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર, કેટલીક એવી વસ્તુઓ પણ છે કે જેની ઘરમાં હાજરીથી પરિવારની પ્રગતિમાં અવરોધ ઊભા થાય છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર નકારાત્મક ઊર્જા ન માત્ર તમારા માટે પરંતુ તમારા જીવન સાથે સંકળાયેલ તમામ વ્યક્તિઓ માટે અને તમારી દરેક પ્રવૃત્તિઓ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. જાણતા કે અજાણતા લોકોથી કેટલીક એવી ભૂલો થઇ જતી હોય છે, જેના કારણે ઘરમાં નકારાત્મક ઊર્જાનું વર્ચસ્વ વધવા લાગે છે અને ઘણા પ્રકારની સમસ્યાઓ સતાવવા લાગે છે. ઘરમાં કોઈપણ પ્રકારની નકારાત્મક ઊર્જાનો વાસ ન હોવો જોઇએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કેટલીક વસ્તુઓ ન રાખવી જોઇએ, કે જે આપના ઘરમાં અને જીવનમાં નકારાત્મક ઊર્જા પ્રસરાવે. માટે આવી વસ્તુઓને ઘરમાંથી કાઢી નાંખવી જ યોગ્ય ગણાય. આ એવી વસ્તુઓ છે કે જેમને ઘરમાં રાખવાથી તમે દરિદ્ર પણ બની શકો છો!

તો આવો જાણીએ કે કઈ એવી વસ્તુઓ છે કે જેને તરત જ ઘરની બહાર ફેંકી દેવી જોઈએ.

નિર્જન જગ્યા કે કબરની તસવીર

ઘરમાં ક્યારેય કોઇ નિર્જન જગ્યા કે અવાવરું જગ્યાના ચિત્રો ન રાખવા જોઇએ. કોઇપણ પ્રકારના સૂકા ઝાડ-પાંદડાવાળા ચિત્રો પણ ન રાખવા જોઇએ. ઘરમાં તાજમહેલનું ચિત્ર પણ ન રાખવું જોઇએ. તે દુનિયાની અજાયબીમાંથી એક અજાયબી છે. ખૂબ જ સુંદર છે પરંતુ, તે એક કબર છે. જે નકારાત્મકતાનું પ્રતિક છે. જેનાથી આપના ઘરમાં નકારાત્મક ઊર્જાનો વાસ થાય છે. એટલે ઘરમાં ભૂલથી પણ તાજમહેલનું ચિત્ર કે કોઇપણ પ્રકારનું સ્ટેચ્યુ ન રાખવું.

ઈલેક્ટ્રિક વાયરના ગૂંચળા

ઘરમાં ક્યારેય ગમે તેમ વાળેલા ઇલેકટ્રિક વાયર કે નકામો ઇલેકટ્રિકનો સામાન ન રાખવો જોઇએ. જેમ કે લેપટોપ, સ્માર્ટફોનના ચાર્જરના વાયરને પણ ક્યારેય ગુંચમાં ન રાખવા જોઇએ. તેને વ્યવસ્થિત વાળીને રાખવા જોઇએ. જો ઘરમાં આ રીતે વાયરના ગુંચળા હશે તો ઘરમાં રહેલ સકારાત્મક ઊર્જા પણ આ રીતે જ ગુંચવાયેલી રહેશે.

સૂકાયેલા પુષ્પ

ઘરમાં ક્યારેય સૂકાયેલા કે વાસી પુષ્પ ન રાખવા જોઇએ. તમારા બેડરૂમ કે ડ્રોઇંગ રૂમમાં જો કોઇ છોડ રાખવામાં આવ્યો હોય તો એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે તેના પાંદડા કે પુષ્પ સૂકાયેલા ન હોય. આ પ્રકારના પુષ્પ અને પાંદડા અશુભતાનું પ્રતિક છે.

પાણીનું ટપકવું

ઘરમાં ઘણીવાર એવું બને છે કે કોઇ નળમાંથી સતત પાણી ટપકતું રહે છે. આ ઘરમાં આવનાર અશુભતાનું સંકેત છે. જો તમારા રસોઇઘર કે બાથરૂમમાં કોઇ નળમાંથી પાણી સતત ટપકતું રહેતું હોય તો તેને તુરંત જ રીપેર કરાવો. આ આપના પૈસાના બગાડનો સંકેત છે. તે તમારા ઘર પર આવનાર આર્થિક સંકટની નિશાની છે !

બંધિયાર પાણી !

જો આપના ઘરની આસપાસ કોઇ એવી જગ્યા છે કે જ્યાં પાણી હંમેશા રોકાયેલું જ રહે છે, તો તરત જ આ જગ્યાને સાફ કરાવો. રસોઇઘર, બાથરૂમ, ઘર કે આંગણું આ જગ્યાઓ પર પાણી રોકાઇ રહેવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આના કારણે આપના ઘરની આર્થિક સંપન્નતા જોખમમાં મૂકાય છે. એટલે વહેલામાં વહેલી તકે આ પાણી વહેતું થાય એવું કરવું જોઇએ.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles