fbpx
Friday, April 26, 2024

પ્રભુ જગન્નાથ પણ નવો જન્મ ધારણ કરે છે! જાણો કળિયુગના દેવતાનું સૌથી મોટું રહસ્ય!

ઓડિસાના પુરીમાં બિરાજમાન પ્રભુ જગન્નાથ એટલે તો ભક્તવત્સલ ભગવાન. એવાં ભગવાન કે જે તેમના વાત્સલ્ય ભરેલાં નેત્રોથી ભક્તો પર સદૈવ કૃપાવૃષ્ટિ કરતાં જ રહે છે. ભારતના મુખ્ય ચારધામમાં જગન્નાથ પુરી ધામ એ કળિયુગનું ધામ મનાય છે.

અને પ્રભુ જગન્નાથ એ કળિયુગના દેવતા. કળિયુગમાં ભગવાન શ્રીકૃષ્ણના આ જગન્નાથ સ્વરૂપની પૂજાનો સવિશેષ મહિમા છે. પણ, ઘણાં ઓછાં શ્રદ્ધાળુઓ એ જાણે છે કે જગન્નાથજી તો રહસ્યોના સ્વામી છે ! પ્રભુ જગન્નાથજીની રથયાત્રાનો રૂડો અવસર આવી પહોંચ્યો છે ત્યારે આવો, આજે તેમના કેટલાંક આવાં જ રહસ્યોને જાણીએ.

ભોજન રહસ્ય !

પુરી જગન્નાથ મંદિરમાં પ્રભુ જગન્નાથ તેમના ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રાજી સાથે બિરાજમાન થયા છે. પરંતુ, તમને નવાઈ લાગશે કે ગર્ભગૃહમાં સ્થાપિત આ ત્રણેવ પ્રતિમાઓને અલગ-અલગ ભોગ લાગે છે ! આ ત્રણેવ પ્રતિમાઓ જે સ્વભાવનું પ્રતિનિધિત્વ કરે છે, તે જ અનુસાર તેમને ભોગ લાગે છે. જગન્નાથજીને ભોજનમાં શાકભાજી, મસુર અને બરછટ ચોખાના ભાત અપાય છે. તેમજ રાત્રે તેમને દહીં અને ભાત આપવામાં આવે છે. આ એક સામાન્ય માણસનો ખોરાક છે. માન્યતા એવી છે કે પ્રભુ જગન્નાથ સામાન્ય મનુષ્યની અત્યંત નજીક છે. અને એટલે જ તે પણ તેમના ભક્તોની જેમ જ સાદુ ભોજન ગ્રહણ કરે છે.

પ્રભુ જગન્નાથજીથી વિપરિત બળભદ્રજી ‘કનિકા’ ગ્રહણ કરે છે. આ પણ ભાતનો જ એક પ્રકાર છે. પણ, તે ખૂબ જ ઘી અને વિધ-વિધ પ્રકારના સૂકામેવાથી ભરેલો હોય છે. બળભદ્રજીનું આ ભોજન તેમના રાજવી ઠાઠમાઠની પુષ્ટી કરે છે. જ્યારે, બહેન સુભદ્રાજીને મરી-મસાલાથી ભરપૂર તીખું ભોજન પીરસવામાં આવે છે. કારણ કે ભારતમાં મહિલાઓને આવું જ ભોજન વધુ પ્રિય છે.

પ્રભુ બદલે છે શરીર !

કળિયુગના દેવતા મનાતા જગન્નાથજી સામાન્ય માણસનું પ્રતિનિધિત્વ કરે છે ત્યારે, તે એ પ્રક્રિયામાંથી પણ પસાર થાય છે કે જેમાંથી દરેક જીવ પસાર થાય છે. જીવ માત્રનું આ શાશ્વત સત્ય એટલે મૃત્યુ. જેમ મનુષ્ય દેહત્યાગ કરીને નવો દેહ ધારણ કરે છે, તે જ રીતે જગન્નાથજી પણ શરીર બદલીને નવો જન્મ ધારણ કરે છે. આ ઘટના ‘નવકલેવર’ના નામે પ્રસિદ્ધ છે.

જ્યારે જ્યારે અધિક અષાઢ માસ આવે છે, ત્યારે ત્યારે જગન્નાથજી, બળભદ્રજી અને સુભદ્રાજીની નવી મૂર્તિઓનું નિર્માણ થાય છે. ઓડિસાના જ કાકટપુરમાં બિરાજમાન દેવી મંગલા નવી મૂર્તિઓના નિર્માણ માટેનું વૃક્ષ ક્યાંથી મળશે તેનો સ્વપ્નમાં નિર્દેશ આપે છે. અને પછી શંખ, ચક્ર, ગદા, પદ્મ જેવી નિશાનીઓ સાથેના આ વૃક્ષોમાંથી નવી મૂર્તિઓનું નિર્માણ થાય છે. લોકમાન્યતા એવી છે કે જગન્નાથજીની નાભિમાં એક ‘બ્રહ્મ’ રહેલો છે. જૂની મૂર્તિમાંથી આ બ્રહ્મને જગન્નાથજીના નવા વિગ્રહની નાભિમાં પૂર્ણ વિધિ અનુસાર સ્થાપિત કરાય છે. આ વિધિ ખૂબ જ ખાનગી હોય છે. જે દરમિયાન મુખ્ય દઈતાપતિઓ સિવાય ભાગ્યે જ કોઈ મંદિરમાં હાજર રહે છે.

બ્રહ્મ પરિવર્તનની આ વિધિ બાદ નવી મૂર્તિઓ ભક્તોના દર્શનાર્થે મુકાય છે. જ્યારે પ્રભુના જૂના વિગ્રહની અંતિમવિધિ કરતાં તેને સમાધિ આપી દેવાય છે ! જગન્નાથ મંદિરમાં કોયલી વૈકુંઠ કરીને સ્થાન આવેલું છે. જ્યાં પ્રભુના તમામ જૂના વિગ્રહોની અંતિમવિધિ પૂર્ણ કરાઈ છે. પણ, નવાઈની વાત તો એ છે કે આ મૂર્તિઓને સમાધિ આપ્યા બાદ પુન: તે સ્થાન પર ખોદતા તેના અવશેષ સુદ્ધા જોવા નથી મળતા. આ બધું કેવી રીતે થાય છે તે આજે પણ એક રહસ્ય છે !

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles