fbpx
Friday, January 27, 2023

ખીરના પ્રસાદથી મળશે દેવી લક્ષ્મીની કૃપા, શરદ પૂર્ણિમાએ આ વિધિથી કરો પૂજા!

શરદ પૂર્ણિમાનો રૂડો અવસર એટલે તો દેવી લક્ષ્‍મીની કૃપાને પ્રાપ્ત કરવાનો સર્વોત્તમ અવસર. આસો માસની પૂનમને શરદ પૂર્ણિમા, શરદ પૂનમ તેમજ માણેકઠારી પૂનમ જેવાં નામોથી ઓળખવામાં આવે છે. આ વખતે 9 ઓક્ટોબર, રવિવારના રોજ શરદ પૂર્ણિમાની ઉજવણી થશે.

ધાર્મિક માન્યતા અનુસાર શરદ પૂર્ણિમાનો દિવસ એક એવો દિવસ છે, કે જેમાં ચંદ્ર સોળે કળાએ ખીલીને પરિપૂર્ણ રહે છે. અને ચંદ્રમાંથી નીકળતા કિરણો અમૃત સમાન હોય છે ! આ રાત્રિએ ચંદ્રદેવ સોળ કળાએ પરિપૂર્ણ થઇ ધરતી પર અમૃતની વર્ષા કરે છે. અને એટલે જ ચંદ્રમાના અજવાળામાં ખીર રાખવી શુભ માનવામાં આવે છે. ગુજરાતમાં આ જ રીતે દૂધ-પૌંઆ રાખવાનો રિવાજ છે. પણ, તે સાથે જ આ દિવસ માતા લક્ષ્‍મીને પ્રસન્ન કરવા માટે પણ શ્રેષ્ઠ મનાય છે. એટલું જ નહીં, આ દિવસે દેવીને અક્ષતની એટલે કે ચોખાની ખીર અર્પણ કરવાનો મહિમા છે.

ખીરથી દેવી લક્ષ્‍મીની કૃપા

⦁ શરદ પૂર્ણિમાના રોજ માતા લક્ષ્‍મીને ખીરનો પ્રસાદ અર્પણ કરવો ખૂબ શુભ માનવામાં આવે છે. કહે છે કે આ દિવસે જે કોઇ માતા લક્ષ્‍મીને ખીરનો પ્રસાદ અર્પણ કરે છે તેના પર માતા લક્ષ્‍મીની વિશેષ કૃપા રહે છે. એટલું જ નહીં, વર્ષ દરમ્યાન તે વ્યક્તિને ધન-ધાન્યની અછત નથી વર્તાતી.

⦁ શરદ પૂર્ણિમાએ ગાયના દૂધમાંથી ખીર બનાવવી.

⦁ આ ખીરને માટી, ચાંદી કે કાચના વાસણમાં કાઢીને માતા લક્ષ્‍મીને તેનો ભોગ અર્પણ કરવો.

⦁ માતાને ધરાવેલી આ ખીરને જ રાત્રે ચંદ્રના અજવાળામાં રાખવી.

⦁ ચંદ્રના અજવાળામાં રાખેલ ખીરમાં ચંદ્રકિરણોના તરંગથી પોષકતત્વો ઉમેરાય છે. અને પછી આ ખીર આરોગવાથી કેટલીય બીમારીઓમાં રાહત મળે છે. સાથે જ શરીરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે.

મા લક્ષ્‍મીની પૂજાવિધિ

⦁ શરદપૂર્ણિમાની રાત્રે ચંદ્ર દર્શન પછી માતા લક્ષ્‍મીની સમક્ષ ગાયના ઘીનો દીવો પ્રજવલિત કરવો.

⦁ માતા લક્ષ્‍મીને પ્રિય એવા ગુલાબના પુષ્પોની માળા અર્પણ કરવી.

⦁ માતાને સુગંધિત અત્તર પણ અર્પણ કરવું.

⦁ દેવીને અક્ષતમાંથી બનેલી ખીર અને સફેદ રંગની મીઠાઈનો ભોગ અર્પણ કરવો. (આ જ ખીરને ત્યારબાદ ચંદ્રના પ્રકાશમાં મૂકવી)

⦁ આ સામગ્રી અર્પણ કર્યા બાદ માતા લક્ષ્‍મીની પૂજા કરવી અને પૂજનના અંતમાં સ્ફટિકની માળાથી માતા લક્ષ્‍મીના મહામંત્રનો 108 વખત જાપ કરવો.

ફળદાયી મંત્ર

ૐ શ્રીં હ્રીં શ્રીં કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રીં હ્રીં શ્રીં મહાલક્ષ્‍મયૈ નમ:

માન્યતા અનુસાર આ મંત્રના જાપથી વ્યક્તિને માતા લક્ષ્‍મીના અવિરત આશીર્વાદ અને કૃપાની પ્રાપ્તિ થાય છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles