fbpx
Friday, December 1, 2023

સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ માટે આજે જ અજમાવો આ ઉપાય, આ શરદ પૂર્ણિમાએ જીવનમાં આવશે ખુશીઓ!

શરદ પૂર્ણિમાની રાત્રીએ ગુજરાતમાં દૂધ-પૌંઆ ખાવાનું મહત્વ છે. દૂધ-પૌંઆ બનાવીને તેને રાત્રે ચંદ્રની ચાંદનીમાં મૂકવામાં આવે છે. અને પછી મધ્ય રાત્રીએ કે વહેલી પરોઢે તેને ગ્રહણ કરવામાં આવે છે. માન્યતા અનુસાર આ દિવસે ચંદ્રમાંથી અમૃત સમા કિરણોની વર્ષા થાય છે.

પણ, ચંદ્ર કિરણો તો અનેક પ્રકારના આશિષની પ્રાપ્તિ કરાવનારા છે. આવો આજે તેના રહસ્યને જાણીએ. અને સાથે જ એ પણ જાણીએ કે કેવી રીતે વિધ વિધ પ્રકારના લાભની પ્રાપ્તિ કરાવશે આ શરદ પૂર્ણિમા !

રાવણની કથા

રામાયણમાં વર્ણિત રાવણની કથા અનુસાર તેની નાભિમાં અમૃત હતું. અને દશાનનનો વધ ત્યારે જ થઈ શક્યો કે જ્યારે શ્રીરામે તેની નાભિમાં બાણ માર્યું. દંતકથા એવી છે કે આ અમૃત એ વાસ્તવમાં ચંદ્રકિરણોનો જ પ્રતાપ હતો ! એક સંશોધનથી જાણવા મળ્યું છે કે શરદ પૂર્ણિમાના રોજ ઔષધીઓની સ્પંદન ક્ષમતા સૌથી વધુ હોય છે. કહે છે કે આ રાત્રિએ લંકાપતિ રાવણ ચંદ્રના કિરણોને અરીસાના માધ્યમથી પોતાની નાભિ પર ગ્રહણ કરતો હતો. અને તેનાથી જ તેને યૌવન શક્તિની, જીવન શક્તિની પ્રાપ્તિ થતી હતી.

ચંદ્રકિરણોથી સ્વાસ્થ્યની પ્રાપ્તિ

⦁ શરદ પૂર્ણિમાની રાત્રે ઓછામાં ઓછું 30 મિનિટ સુધી ચંદ્રની સામે જોવું અથવા તો બેસવું જોઇએ. ચંદ્ર કિરણોનું સ્નાન આપના સ્વાસ્થ્ય માટે લાભદાયી સાબિત થશે. આ કાર્ય માટે રાત્રિનો 10 થી 12 નો સમય સૌથી શ્રેષ્ઠ છે.

⦁ અસ્થમા કે શ્વાસ સંબંધિત સમસ્યાવાળા દર્દીઓ માટે શરદ પૂર્ણિમા એક વરદાન સમાન છે. શરદ પૂર્ણિમાની રાત્રે ખીરને અથવા તો દૂધ-પૌંઆને ચંદ્રના અજવાળામાં રાખીને સવારે 4 વાગે તેનો ભોગ ગ્રહણ કરવાથી વ્યક્તિને આ સમસ્યામાં રાહત મળતી હોવાની માન્યતા છે.

⦁ શ્વાસ સંબંધિત સમસ્યાના દર્દીઓએ ચંદ્રની ચાંદનીમાં રાત્રે જાગરણ કરવું જોઇએ. અને રાત્રે 2-3 કિમી ચાલવાથી તેમના સ્વાસ્થ્યમાં સુધારો આવે છે.

⦁ શરદ પૂર્ણિમાએ આંબળાને રાત્રે ચંદ્નની ચાંદનીમાં રાખવા. માન્યતા એવી છે કે આંબળાને ચંદ્રના કિરણોમાં રાખવામાં આવતા તેની ઔષધીય શક્તિઓ વધી જાય છે. અને પછી તેને ગ્રહણ કરવું આપણાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક સાબિત થાય છે.

શરદ પૂર્ણિમા સ્વાસ્થ્યની સાથે સમૃદ્ધિ પણ પ્રદાન કરનારી તિથિ છે. ત્યારે આવો જાણીએ કે કયા સરળ ઉપાયોથી દેવી લક્ષ્‍મીનો ઘરમાં સ્થાયી વાસ થશે.

સત્યનારાયણની કથા

⦁ આ દિવસે સત્યનારાયણ ભગવાનની કથા કરવાથી માતા લક્ષ્‍મી અત્યંત પ્રસન્ન થાય છે. અને તે જાતકના જીવનમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્‍મીની કૃપા હંમેશા વરસતી રહે છે. એટલું જ નહીં, તેના ઘર, ધંધામાં ધન, સુખ, સમૃદ્ધિની કોઇ જ અછત નથી રહેતી.

⦁ આ દિવસે સત્યનારાયણ ભગવાનની કથા કહેતા સમયે આંબળા, શિંગોડા, નારિયેળ, પીળા પુષ્પ, લવિંગ, ઇલાયચી, કેસર અને મીઠાઈ અર્પણ કરવા જોઇએ.

⦁ ભગવાન વિષ્ણુને આંબળા અત્યંત પ્રિય છે. આજે તેમને આંબળા અર્પણ કરીને તેમની પૂજા કરવાથી માતા લક્ષ્‍મી આપના ઘરમાં બિરાજમાન થાય છે.

બીલીવૃક્ષની પૂજા

⦁ પૌરાણિક માન્યતા અનુસાર સમુદ્ર મંથન દરમ્યાન દેવી લક્ષ્‍મી પ્રકટ થયા હતા. તેમનું રૂપ, સૌંદર્ય જોઇને તેમને પ્રાપ્ત કરવા દેવ-દાનવ અંદરોઅંદર ઝઘડવા લાગ્યા. કહે છે કે તે સમયે માતા લક્ષ્‍મીએ બીલીના વૃક્ષ નીચે આરામ કર્યો હતો. એ જ કારણ છે કે નવરાત્રી દરમિયાન આઠમ અને નોમ તેમજ શરદ પૂર્ણિમાના દિવસે માતા લક્ષ્‍મીને પ્રસન્ન કરવા માટે બીલી વૃક્ષના પૂજનનો અને તેને જળ અર્પણ કરવાનો મહિમા છે.

⦁ આજના દિવસે બીલીનું વૃક્ષ ઉગાડવું, તેની સેવા કરવી. સંધ્યા સમયે ત્યાં દીવો પ્રજવલિત કરવાથી માતા લક્ષ્‍મી તે જાતકનો સાથ ક્યારેય નથી છોડતા. તે જાતકને જીવનમાં ક્યારેય દેવું નથી રહેતું.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles