fbpx
Friday, March 29, 2024

પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા લાવશે આ કડવો ચોથ, અજમાવો આ સરળ ઉપાય!

મનપસંદ પતિ મેળવવાની કામના સાથે કુંવારી કન્યાઓ અને પતિના લાંબા આયુષ્ય માટે, અખંડ સૌભાગ્ય માટે સૌભાગ્યવતી મહિલાઓ કડવા ચોથનું વ્રત કરતી હોય છે. ગુજરાતી પંચાંગ અનુસાર આસો માસના વદ પક્ષની ચોથના દિવસે (ઉત્તરભારતમાં કારતક વદી ચોથના દિવસે)કડવા ચોથનું વ્રત કરવામાં આવે છે.

તેને કરવા ચોથ પણ કહે છે. આ વર્ષે આ વ્રત 13 ઓક્ટોબર, 2022 ગુરુવારના દિવસે છે. આ દિવસની વિશેષતા એ છે કે સ્ત્રીઓ વ્રત દ્વારા તેમના પતિના દીર્ઘ આયુષ્ય માટે તો ભગવાનને પ્રાર્થના કરે જ છે. સાથે જ, આ દિવસ પતિ-પત્નીના સંબંધોને સૂમેળભર્યા બનાવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી શકે છે !

જ્યોતિષ શાસ્ત્રમાં કડવા ચોથના દિવસે અજમાવવાના કેટલાક ઉપાયો દર્શાવવામાં આવ્યા છે. જેના કારણે પતિ-પત્નીના સંબંધોમાં રહેલ કડવાશ દૂર થાય છે અને માતા લક્ષ્‍મી પણ પ્રસન્ન થાય છે. કડવા ચોથના દિવસે સૌભાગ્યવતી મહિલાઓ પતિના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે વ્રત કરે છે. કુંવારી કન્યાઓ આ વ્રત મનપસંદ પતિની પ્રાપ્તિ માટે કરે છે. ત્યારે આવો, જ્યોતિષશાસ્ત્ર અનુસાર કડવાચોથના દિવસે અજમાવવાના કેટલાક ઉપાયો આપને જણાવીએ. જે આપના માટે શુભકારી સાબિત થશે.

સરળ ઉપાયથી સૂમેળભર્યા સંબંધ !

⦁ જો પતિ-પત્નીના સંબંધોમાં ખટાશ આવી હોય અને બંને વચ્ચે પહેલા જેવો પ્રેમ ન રહ્યો હોય તો કડવા ચોથના દિવસે 11 ગોમતીચક્ર લાવો. તે ગોમતીચક્રને એક લાલ રંગની સિંદૂરની ડબ્બીમાં રાખો અને આ ડબ્બીને સાચવીને મૂકી દો. આ ઉપાય કરવાથી પતિ-પત્નીના સંબંધોમાં ફરી પહેલાના જેવી મીઠાશ આવશે !

⦁ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કડવા ચોથના દિવસે “ૐ શ્રી ગણાધિપતયે નમઃ” મંત્રનો જાપ કરવો જોઈએ. વાસ્તવમાં આ સંકષ્ટી ચતુર્થીનો જ દિવસ છે. એટલે આ દિવસે ભગવાન ગણેશને હળદરની ગાંઠ અર્પણ કરવી જોઈએ. આ ઉપાયથી પતિ-પત્નીના સંબંધોમાં આવેલ તિરાડ દૂર થાય છે.

⦁ આ દિવસે ચણાના લોટના 5 લાડુ, ખાંડમાંથી બનેલા 5 પેંડા, 5 કેળા અને 250 ગ્રામ ચણાની પલાળેલી દાળ ગાયને ખવડાવવાથી લાભ થાય છે. કહેવાય છે કે આ ઉપાય કરવાથી પતિ-પત્નીના સંબંધોમાં રહેલી ગૂંચવણો પણ દૂર થઈ જાય છે. બંનેના મનમાં એકબીજા માટે લાગણી જન્મે છે.

⦁ કહેવાય છે કે કડવા ચોથના દિવસે ગણેશજીને દૂર્વા અર્પણ કરવાની સાથે ગોળની 21 નાની લાડુડી બનાવીને અર્પણ કરવાથી લાભ થાય છે.

⦁ જો આપને પૈસા સંબંધિત સમસ્યા હોય, જેમ કે તમારી પાસે પૈસા આવતાની સાથે જ વપરાઇ જતા હોય તો કડવા ચોથના દિવસે ઘી-ગોળનો ભોગ ગણેશજીને અર્પણ કરવો. સાથે જ પ્રાર્થના કરવી. કહે છે કે તેનાથી આપની સમસ્યા દૂર થઈ જશે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles