fbpx
Friday, March 29, 2024

આ વિધિથી કરો માતા અન્નપૂર્ણાનું વ્રત, માત્ર અનાજ માટે જ નહીં, બધી મનોકામનાઓ પૂર્ણ થશે!

મા અન્નપૂર્ણા એટલે તો આદ્યશક્તિનું એ સ્વરૂપ, કે જેમના વિના સૃષ્ટિનું સંચાલન જ શક્ય નથી. જો અન્ન નથી તો ઊર્જા નથી, અને જો ઊર્જા નથી તો પછી જીવન શક્ય જ નથી ! કહે છે કે કીડીને કણ અને હાથીને મણની જે પ્રાપ્તિ કરાવે છે, એ છે મા અન્નપૂર્ણા. અને આ અન્નપૂર્ણાને પ્રસન્ન કરવાનો સર્વોત્તમ અવસર એટલે અન્નપૂર્ણા વ્રત. ગુજરાતી પંચાંગ અનુસાર માગશર મહિનાના શુક્લ પક્ષની છઠ્ઠથી અન્નપૂર્ણા વ્રતનો પ્રારંભ થાય છે.

જે માગશર વદ અગિયારસ સુધી ચાલે છે. પૂરાં 21 દિવસ ચાલનારું આ વ્રત ભક્તોને મા અન્નપૂર્ણાના અખૂટ આશીર્વાદની પ્રાપ્તિ કરાવે છે. અને ઘરમાં ધન-ધાન્યના ભંડાર સદૈવ ભરેલાં રાખે છે. આજથી આ મંગળકારી વ્રતનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે આવો, આપણે પણ આ વ્રતની વિધિ જાણીએ.

વ્રતની વિધિ

⦁ માગશર માસનું અન્નપૂર્ણા માતાનું વ્રત એ પૂરાં 21 દિવસનું હોય છે, પણ જો 21 દિવસ વ્રત ન થઈ શકે તો 11 દિવસ પણ વ્રત કરી શકાય. અને જો 11 દિવસ પણ વ્રત ન થઈ શકે, તો 1 દિવસ માટે પણ જરૂરથી આ વ્રત કરવું જોઈએ.

⦁ સવારે નિત્યકર્મથી પરવારીને લાલ રંગના વસ્ત્ર ધારણ કરવા.

⦁ આ વ્રતમાં 21 ગાંઠના દોરાનો સવિશેષ મહિમા છે. આ માટે લાલ રંગનો દોરો લેવો અને તેમાં 21 ગાંઠ બનાવવી.

⦁ એક બાજોઠ પર માતા અન્નપૂર્ણાની તસવીર મૂકવી. આ તસવીરની સન્મુખ 21 ગાંઠનો દોરો મૂકવો.

⦁ આસ્થા સાથે મા અન્નપૂર્ણાની પૂજા કરી વ્રતનો સંકલ્પ લેવો.

⦁ સ્ત્રીઓએ ડાબા હાથમાં લાલ દોરો બાંધવો અને પુરુષોએ જમણાં હાથમાં બાંધવો.

⦁ ભૂખ્યા પેટે માતા અન્નપૂર્ણાની વાર્તા વાંચવી. યાદ રાખો, ભૂખ્યા પેટે વાર્તા વાંચવા કે સાંભળવાથી જ વ્રતનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે.

⦁ વાર્તા વાંચ્યા પછી જ કંઈ ગ્રહણ કરવું. વ્રતમાં માત્ર ફળ જ ગ્રહણ કરવા. ત્યારબાદ સાંજે એકટાણું કરી શકાય. પણ, વ્રત દરમિયાન માત્ર સાત્વિક ભોજન જ ગ્રહણ કરવું જોઈએ.

⦁ 21 દિવસે વ્રત પૂર્ણ થાય ત્યારે શક્ય હોય તો કુંવારિકાઓને ભોજન કરાવવું. બટુકોને જમાડવા. સાથે જ તેમને ગમતી હોય તેવી ભેટ આપવી.

⦁ માન્યતા અનુસાર આ ઉપાયથી માતા અન્નપૂર્ણા ઝડપથી પ્રસન્ન થાય છે, અને ભક્તને મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ કરાવે છે.

ફળદાયી મંત્ર

અન્નપૂર્ણે સદાપૂર્ણે શંકર પ્રાણ વલ્લભે ।

જ્ઞાન વૈરાગ્ય સિદ્ધયર્થં ભિક્ષાં દેહિ ચ પાર્વતી ।।

માતા ચ પાર્વતી દેવી પિતા દેવો મહેશ્વરઃ ।

બાન્ધવાઃ શિવભક્તાશ્ચ સ્વદેશો ભુવનત્રયમ્ ।।

માન્યતા અનુસાર જે વ્યક્તિ નિત્ય રસોઈનો પ્રારંભ કરતા પૂર્વે ઉપરોક્ત અન્નપૂર્ણા મંત્રનું સ્મરણ કરે છે, તેના ઘરમાં ક્યારેય ધાન્યની ખોટ નથી વર્તાતી. એમાં પણ, અન્નપૂર્ણા વ્રતના દિવસોમાં જરૂરથી આ મંત્રનો જાપ કરવો જોઈએ. 108 વખત આ મંત્રનો જાપ કરવો વિશેષ લાભદાયી બની રહેશે.

ફળ પ્રાપ્તિ

⦁ માતા અન્નપૂર્ણાનું વ્રત અખૂટ આશિષની પ્રાપ્તિ કરાવનારું મનાય છે.

⦁ મૂળે મા અન્નપૂર્ણા ધાન્યની પ્રાપ્તિ કરાવનારા છે. એટલે કે આ વ્રત કરનારને સર્વ પ્રથમ તો અખૂટ ધાન્યના આશિષ પ્રાપ્ત થાય છે. કહે છે જે વ્યક્તિ આસ્થા સાથે આ વ્રત કરે છે, તેના ઘરમાં ક્યારેય ધાન્યની ખોટ નથી વર્તાતી.

⦁ દેવી ન માત્ર ધાન્યના પણ, ધનના ભંડાર પણ ભરેલા રાખે છે ! અને ધીમે ધીમે વ્રત કરનારી સમૃદ્ધિ પણ વધતી જાય છે.

⦁ કહે છે કે મા અન્નપૂર્ણાના આશીર્વાદથી બુદ્ધિહિનને પણ બુદ્ધિની, વિદ્યાની પ્રાપ્તિ થાય છે.

⦁ મા અન્નપૂર્ણા નિઃસંતાનને સંતતિના શુભાશિષ પ્રદાન કરે છે.

(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles