fbpx
Friday, April 19, 2024

શું મા ખોડિયારનું સુવર્ણ મંદિર ખરેખર માટેલીયા ધારામાં છે? દુષ્કાળમાં પણ અહીંનું પાણી સુકાતું નથી!

મા ખોડીયારના અનેકવિધ સ્થાનકોથી ગુજરાતની ભૂમિ પાવન થઈ છે. ત્યારે એક આવું જ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે મોરબીના વાંકાનેર તાલુકામાં આવેલ માટેલ ગામને. વાંકાનેર શહેરથી લગભગ 16 કિ.મી.ના અંતરે આવેલું માટેલ ગામ સદીઓથી લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર બન્યું છે. અહીં મંદિર મધ્યે મા ખોડલનું અત્યંત ભાવવાહી સિંદૂરી સ્વરૂપ પ્રસ્થાપિત થયું છે.

આઈશ્રી ખોડલ અહીં વરખડીના વૃક્ષ નીચે વિદ્યમાન થયા છે અને તેમની બહેનો આવડ, હોલબાઈ અને બીજબાઈ સાથે દર્શન આપી રહ્યા છે. ત્રિશૂળોની મધ્યે શોભતું માનું આ રૂપ એટલું હાજરાહજૂર ભાસે છે કે જેના દર્શન કરતા જ મનના તમામ ઉદ્વેગ શાંત થઈ જાય. અલબત્, તમારી માટેલધામની આ યાત્રા ત્યાં સુધી પૂર્ણ નથી થતી કે જ્યાં સુધી તમે અહીં આવેલા માટેલીયા ધરાના દર્શન ન કરી લો ! પણ, શા માટે ? આવો ખોડિયાર જયંતીએ તેના રહસ્યોને જાણીએ.

માટેલીયા ધરાનો મહિમા

માટેલનું ખોડિયાર ધામ લગભગ 1100 વર્ષ પ્રાચીન હોવાની માન્યતા પ્રચલિત છે. અને અહીં મા ખોડલના દર્શન પહેલાં માટેલીયા ધરાના દર્શનનો મહિમા છે. કારણ કે, આ ધરો જ મા ખોડલના સૌથી મોટા પરચાનો સાક્ષી બન્યો છે ! પ્રચલિત કથા અનુસાર એક ગોવાળિયા પર પ્રસન્ન થઈ મા ખોડલે તેને ઝાડના પાંદડા આપ્યા. પણ, મૂર્ખ ગોવાળિયાએ તે પાંદડા માટેલના ધરા પાસે જ ફેંકી દીધાં. જો કે, બે પાંદડા ગોવાળીયાના ધાબળા સાથે ચોંટી ગયા. આગળ જઈને ગોવાળીયાએ ધાબળો ખંખેર્યો. તો તેમાંથી સોનાના પાંદડા નીકળ્યા. માટેલીયા ધરામાં સુવર્ણનું મંદિર હોવાનો ગોવાળીયાને ખ્યાલ આવ્યો. અને ધીમે-ધીમે તે વાત બધે જ પ્રસરી ગઈ.

મા ખોડિયારનો પરચો

તે સમયના બાદશાહને મંદિર સુવર્ણનું હોવાની વાત જાણવા મળી. સોનાનું મંદિર જોવાની કુતુહલતા તે ન રોકી શક્યો. તેણે ધરા પાસે નવસો નવાણું કોસ મંડાવ્યા. કોસ દ્વારા ધરાનું પાણી ખેંચાવા લાગ્યું. આખરે, ધરામાં રહેલ મંદિરની ઉપરનો સુવર્ણનો ભાગ દેખાવા લાગ્યો. પણ, બાદશાહ વધારે પાણી ખેંચાવડાવે તે પહેલાં જ મા ખોડલે હોંકારો કર્યો. ભર ઉનાળે નવસો નવ્વાણું કોસને તાણીને ધરો ફરી પાણીથી ભરાઈ ગયો. મા ખોડલે તેમનો સૌથી મોટો પરચો પૂર્યો. કહે છે કે તે દિવસને આજની ઘડી કોઈ સુવર્ણના તે મંદિરને જોઈ શક્યું જ નથી. કારણ કે માટેલીયા ધરાના નીર ક્યારેય ખાલી થતાં જ નથી !

રહસ્યમય નીર !

દુકાળની પરિસ્થિતિમાં પણ માટેલીયા ધરામાં ભરપૂર પાણી રહે છે. માટેલવાસીઓ માટેલીયા ધરાના જળનો જ ઉપયોગ કરે છે. રસપ્રદ વાત એ છે કે ગાળ્યા વિના જ માટેલીયા ધરાના જળનો ઉપયોગ કરી શકાય તેવી માન્યતા પ્રચલિત છે. કારણ કે, માટેલીયા ધરાના નીર ખોડલના સ્પર્શથી અમૃતમય થયા હોવાની વાયકા છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles