fbpx
Friday, March 29, 2024

પાટણના વરાણા ખોડિયાર મંદિર સાથે માતા વરૂડીનો શું સંબંધ છે? જાણો માતાને અર્પણ થતા તલવટનો મહિમા

મા ખોડિયાર એટલે તો સદૈવ ભક્તોની વ્હારે રહેતા આઈશ્રી. શ્રદ્ધાળુઓને મન મા ખોડિયાર એટલે તો એ નામ કે જેમના આસ્થા સાથે પૂજન માત્રથી જ ચિંતાઓનું શમન થઈ જાય. મા ખોડિયાર એટલે તો એ નામ કે જેના ઉચ્ચાર માત્રથી જ નિરાશાઓ વચ્ચે પણ નવી આશાઓનો સંચાર થઈ જાય. ત્યારે અમારે આજે વાત કરવી છે એક એવાં ખોડલધામની કે જેના સાનિધ્યે પગ મૂકતાં જ ભક્તો પ્રસન્નચિત્ત થઈ જતા હોય છે.

આ ધામ એટલે મા ખોડિયારનું વરાણા ધામ. આ એ ધામ છે કે જ્યાં આઈશ્રીના બે-બે દિવ્ય સ્વરૂપોની ગાથા જોડાયેલી છે. ત્યારે મા ખોડિયારના પ્રાગટ્ય દિવસે આવો આપણે પણ તેની મહત્તાને જાણીએ.

પાટણ જિલ્લાના સમી તાલુકામાં વરાણા નામે નાનકડું ગામ આવેલું છે. સમીથી લગભગ 9 કિ.મી.ના અંતરે વરાણા ગામ સ્થિત છે. અહીં મા ખોડિયારનું અત્યંત ભવ્ય અને સુંદર મંદિર શોભાયમાન છે. પ્રચલિત કથા અનુસાર આ ભૂમિ સ્વયં મા ખોડિયારના ચરણોથી પાવન થઈ છે ! જ્યાં મંદિર મધ્યે મા ખોડિયારની અત્યંત ભાવવાહી પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે. જેના દર્શન કરી ભક્તો ધન્યતાની અનુભૂતિ કરે છે. આ એ સ્થાનક છે કે જેની સાથે આઈશ્રીના બે દિવ્ય સ્વરૂપનો નાતો જોડાયેલો છે. એક સ્વયં મા ખોડિયારનો અને બીજો માતા વરુડીનો.

વરાણાધામમાં ખોડિયાર પ્રાગટ્ય

પ્રચલિત કથા અનુસાર આ ભૂમિ પર સાંગા સારણ કરીને મા ખોડિયારના પરમ ભક્ત થઈ ગયા. સાંગા સારણ એ ભોળા ગોવાળના નામે પણ જાણીતા હતા. કહે છે કે ભોળા ગોવાળે વિક્રમ સંવત 1365માં આઈ વરુડીની હાજરીમાં જ વરાણામાં મા ખોડિયારનું મંદિર બંધાવ્યું હતું. અને સ્વયં માતા વરુડીના હસ્તે જ આસો સુદ આઠમે મા ખોડિયારની પ્રતિષ્ઠા કરાવી હતી ! સ્વયં આઈશ્રી વરુડીના હસ્તે વરાણામાં આઈશ્રી ખોડલ વિદ્યમાન થયા હોઈ ભક્તોને આ સ્થાનક પ્રત્યે અપાર આસ્થા છે. માન્યતા અનુસાર અહીં આસ્થા સાથે આવનારને ક્યારેય નિરાશ થવાનો વારો નથી આવતો. મૂળે તો દેવી શેરમાટીની ખોટ પૂરનારા મનાય છે ! અને કહે છે કે તે પરચો તો દેવીએ અહીં આગમન સમયે જ પૂરી દીધો હતો. એ પણ મંદિર નિર્માણના સેંકડો વર્ષ પૂર્વે !

મા ખોડિયારના પરચા

આમ તો મા ખોડિયારના જન્મસ્થાન તરીકે ભાવનગરનું રોહિશાળા પ્રસિદ્ધ છે. પરંતુ, એક કથા અનુસાર મા ખોડલનો જન્મ 9 મી થી 11મી સદીમાં રાજસ્થાનના ચાળકનેશમાં થયો હતો. દંતકથા એવી છે કે ચાળકનેશથી ગુજરાત આવતી વખતે માતા ખોડિયાર વરાણાના નેસડામાં રોકાયા હતા. વરાણા એ આહિરોનું ગામ હતું. જ્યાં એક નિઃસંતાન આહિરને માના આશીર્વાદથી પુત્રરત્નની પ્રાપ્તિ થઈ. અને સમગ્ર પંથકમાં મા ખોડિયારનો જય જયકાર વર્તાઈ ગયો. કહે છે કે તે સમયે ખુદ મા ખોડલે જ તેમના ભાઈ મેરખીયાને વરાણામાં ક્ષેત્રપાળ તરીકે બિરાજમાન કર્યા. માએ તેમના ભાઈને વચન દીધું હતું કે “તલવટ તને ચઢશે અને ભક્તોને સંતાન હું આપીશ !”

માતાને તલવટ અર્પણ કરવાનો મહિમા

દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સંતાનની કામના સાથે વરાણાની ખોડલની શરણે આવે છે. અને કહે છે કે માના આશિષથી જેમના ઓરતા પરિપૂર્ણ થયા છે તે અહીં સવામણ તલવટ અર્પણ કરે છે. તલવટ એ સાની તરીકે પણ ઓળખાય છે. 25 કીલો સાની અર્પણ કરવાની આ પરંપરા માત્ર વરાણા ખોડિયાર મંદિર સાથે જ જોડાયેલી છે.

ખોડિયાર જયંતીએ મેળો

મહા સુદ આઠમ એ મા ખોડિયારનો પ્રાગટ્ય દિવસ મનાય છે. ત્યારે દર વર્ષે ખોડિયાર જયંતીએ અહીં મેળાનું આયોજન થાય છે. મહા સુદ એકમથી લઈ મહા સુદ પૂનમ સુધી આ મેળો ભરાય છે. આ મેળામાં ભાગ લેવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં ઉમટી પડે છે. લોકો વિવિધ ગામેથી સંઘ લઈને અને પગપાળા ચાલીને માના સાનિધ્યે ધજા અર્પણ કરવા પહોંચતા હોય છે. અને માનું શરણું મેળવી ધન્યતાની અનુભૂતિ કરે છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles