fbpx
Thursday, April 25, 2024

ભીષ્મ દ્વાદશીનું વ્રત બીમારીથી મુક્તિ અપાવશે, જાણો કેવી રીતે પિતૃઓ દેશે સુખ-શાંતિના આશીર્વાદ?

મહા સુદ દ્વાદશીની તિથિને ભીષ્મ દ્વાદશીના નામે ઓળખવામાં આવે છે. આ દિવસે વ્રત કરી ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું વિધાન છે. અને આજે આ જ રૂડો અવસર છે. કહે છે કે જે જીવ ભીષ્મ દ્વાદશીએ વિધિ વિધાન સાથે પૂજા કરે છે તેના દરેક પ્રકારના કષ્ટ ભગવાન દૂર કરે છે. માન્યતા એવી છે કે ભીષ્મ દ્વાદશીનું વ્રત કરવાથી આપને અને આપના પરિવારજનોને બીમારીથી મુક્તિના આશીર્વાદ મળે છે.

જો કે, આ ભીષ્મ દ્વાદશી સાથે પિતામહ ભીષ્મનો નાતો જોડાયેલો છે. આખરે, શું છે આ તિથિની મહત્તા અને તે કેવાં ફળની કરાવશે પ્રાપ્તિ ? આવો, તે વિશે વિગતે જાણીએ.

ભીષ્મ દ્વાદશી મહિમા

2 ફેબ્રુઆરી, ગુરુવાર એટલે કે આજે મહા સુદ બારસના દિવસે ભીષ્મ દ્વાદશીનું વ્રત રાખવામાં આવે છે. મહાભારતમાં ઉલ્લેખ છે તેમ યુદ્ધમાં અર્જુનના હાથે બાણ વાગ્યા બાદ પિતામહ ભીષ્મ પૂરાં 58 દિવસ સુધી બાણશૈય્યા પર રહ્યા હતા. સૂર્યના ઉત્તરાયણ થયા બાદ તેમણે મહા સુદ આઠમે દેહત્યાગ કર્યો. ત્યારબાદ તેમની પાછળના ધાર્મિક કાર્યો મહા સુદ બારસના દિવસે કરવામાં આવ્યા હતા. એટલે જ આ તિથિ ભીષ્મ દ્વાદશીના નામે ઓળખાય છે. આ દિવસે મોક્ષના દાતા ભગવાન વિષ્ણુની આરાધના કરવામાં આવે છે. પિતામહ ભીષ્મ માટે તર્પણ કરવામાં આવે છે. અને સાથે જ પૂર્વજો માટે પણ તર્પણ કરી તેમની મુક્તિની કામના કરવામાં આવે છે.

તલ બારસનો અવસર

ભીષ્મ દ્વાદશીને તલ બારસના નામે પણ ઓળખવામાં આવે છે. શાસ્ત્રોમાં આ દિવસે તલના ઉપયોગનો સવિશેષ મહિમા જણાવવામાં આવ્યો છે. ભીષ્મ દ્વાદશીએ પાણીમાં તલ ઉમેરીને સ્નાન કરવાનું માહાત્મ્ય છે. આ દિવસે પિતામહ ભીષ્મ માટે અને પિતૃઓ માટે તલથી તર્પણ કરવાની પ્રથા છે. તો સાથે જ, તલથી હવન કરવાનો પણ સવિશેષ મહિમા છે. આ તિથિએ ભગવાન વિષ્ણુને તલના લાડુ અર્પણ કરવામાં આવે છે. તેમજ જરૂરિયાતમંદોને તલના લાડુનું દાન કરવામાં આવે છે.

પૂજા વિધિ

⦁ આજે સ્નાન બાદ સર્વ પ્રથમ સૂર્ય દેવતાને અર્ઘ્ય અર્પણ કરવું

⦁ શ્રીવિષ્ણુનું સ્મરણ કરવું અને ત્યારબાદ વ્રત કરવાનો સંકલ્પ લેવો.

⦁ ભગવાનની પૂજામાં કેળના પાન, કેળા, પંચામૃત, સોપારી, પાન, તલ, નાડાછડી, કુમકુમ, દૂર્વાનો જરૂરથી ઉપયોગ કરવો. સવિશેષ તો તેમને નૈવેદ્યમાં તલના લાડુ અર્પણ કરવા.

⦁ દેવી લક્ષ્‍મી સહિત અન્ય દેવી દેવતાની સ્તુતિ કરીને પૂજા સમાપ્ત કરવી અને ચરણામૃત તેમજ પંચામૃતનું વિતરણ કરવું.

⦁ આજે પિતામહ ભીષ્મ માટે તેમજ પિતૃઓ માટે તર્પણ કરવું. જાતે તર્પણ કરી શકો તેમ ન હોવ તો જાણકાર બ્રાહ્મણ પાસે પણ તર્પણ કરાવી શકાય.

⦁ આજે શક્ય હોય તો પિતામહ ભીષ્મના ગુણોનું પઠન કે શ્રવણ કરવું.

⦁ બ્રાહ્મણો અને જરૂરિયાતમંદોને ભોજન કરાવવું. તેમજ તેમને તલનું દાન કરવું.

ફળદાયી ભીષ્મ દ્વાદશી

⦁ ભીષ્મ દ્વાદશીનું વ્રત અનેકવિધ પ્રકારના ફળની પ્રાપ્તિ કરાવનારું છે. સવિશેષ તો તે રોગમુક્તિના આશિષ પ્રદાન કરનારું મનાય છે. કહે છે કે જે મનુષ્ય આસ્થા સાથે ભીષ્મ દ્વાદશીનું વ્રત કરે છે તેના સમસ્ત શારીરિક અને માનસિક કષ્ટોનું નિવારણ થઈ જાય છે અને તે વ્યક્તિને આરોગ્યના આશીર્વાદ પ્રદાન કરે છે.

⦁ આ વ્રતના પ્રતાપે મનુષ્યના બધાં જ પાપકર્મ બળીને ભસ્મ થઈ જાય છે.

⦁ આ વ્રત વ્યક્તિને મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ કરાવે છે.

⦁ તે ધન-ધાન્ય અને સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિના આશિષ પ્રદાન કરે છે.

⦁ આ દિવસે પિતામહ ભીષ્મ અને પિતૃઓ માટે તર્પણ કરવામાં આવે છે. કહે છે કે તેનાથી પિતૃઓને પરમશાંતિની પ્રાપ્તિ થાય છે. અને સંતાનોને તેમના આશિષ પ્રાપ્ત થાય છે.

⦁ પિતૃદોષથી પીડિત વ્યક્તિ જો આ દિવસે પિતૃઓ માટે તર્પણ કરે છે, તો તેને પિતૃદોષથી રાહત મળતી હોવાની માન્યતા પ્રચલિત છે.

⦁ આ દિવસે તલનું દાન કરનાર વ્યક્તિને અગ્નિષ્ટોમ યજ્ઞ અને ગૌદાન સમાન પુણ્યની પ્રાપ્તિ થાય છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles