fbpx
Saturday, March 2, 2024

આ માઘી પૂનમને તમે શું દાન કરશો? રાશિ પ્રમાણે આ ખાસ પાણીથી સ્નાન કરો!

અત્યંત ફળદાયી મનાતી માઘી પૂર્ણિમા આ વખતે 5 ફેબ્રુઆરી, રવિવારના રોજ છે. આ દિવસે સ્નાન, દાનનો સવિશેષ મહિમા રહેલો છે. કહે છે કે તેનાથી વ્યક્તિને અખૂટ પુણ્યની પ્રાપ્તિ થાય છે. માન્યતા એવી છે કે આ દિવસે જો રાશિ અનુસાર કેટલાક વિશેષ ઉપાયો કરવામાં આવે તો આપને મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. આ ઉપાયો ગ્રહોના અશુભ પ્રભાવને પણ દૂર કરી દે છે.

ત્યારે આવો જાણીએ કે આ માઘી પૂર્ણિમાએ રાશિ અનુસાર કેવાં જળથી સ્નાન કરવું જોઈએ અને કઈ વસ્તુનું અચૂકપણે દાન કરવું જોઈએ.

મેષ

મેષ રાશિના જાતકોએ સૂર્યોદય પૂર્વે ઉઠીને નાહવાના પાણીમાં લાલ પુષ્પ ઉમેરીને સ્નાન કરવું. પછી, વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવા. લાલ રંગનું વસ્ત્ર, લાલ ચંદન અને લાલ મસૂરનું આ દિવસે દાન કરવું. કહેવાય છે કે તેનાથી આપને સ્વસ્થ આરોગ્યનું વરદાન મળે છે.

વૃષભ

માઘી પૂનમના દિવસે વૃષભ રાશિના જાતકોએ જળમાં તલ ઉમેરીને સ્નાન કરવું જોઈએ. ત્યારબાદ આ દિવસે ખીરનું દાન કરવું અને રાત્રિએ સફેદ પુષ્પથી ચંદ્રની પૂજા કરવી. કહે છે કે તેનાથી આપના બગડેલાં કાર્યો પૂર્ણ થશે.

મિથુન

મિથુન રાશિના જાતકો માટે આ પૂર્ણિમાએ જળમાં શેરડીનો રસ ઉમેરીને સ્નાન કરવું ઉત્તમ માનવામાં આવે છે. મધ્યરાત્રિએ દેવી લક્ષ્‍મીની કમળગટ્ટાથી એટલે કે કમળકાકડીથી પૂજા કરવી. સાથે જ મગ અને લીલા રંગના વસ્ત્રનું દાન કરવું. કહેવાય છે કે આ ઉપાયથી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે અને સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે.

કર્ક

કર્ક રાશિના જાતકોએ જળમાં પંચદ્રવ્ય ઉમેરીને સ્નાન કરવું જોઇએ. ભગવાન સત્યનારાયણની કથા કરવી અને પછી બ્રાહ્મણને લોટ અને ગોળનું દાન કરવું. માન્યતા તો એવી છે કે આ ઉપાયથી તમારી નોકરી અને ધંધામાં પ્રગતિ થશે તેમજ બઢતી બદલીના માર્ગો ખુલશે.

સિંહ

સિંહ રાશિના જાતકોએ પૂનમના દિવસે ગંગાજળ અને કેસર મિશ્રિત જળથી સ્નાન કરવું. પછી શ્રીહરિ વિષ્ણુને કેસરનું તિલક કરી સ્વયં પણ કેસરનું તિલક લગાવવું. અસહાય વ્યક્તિઓને કેસરયુક્ત પદાર્થ જેમ કે કેસરભાત કે કોઇ મીઠાઇનું દાન કરવું. તેનાથી આપની વિવાહ સંબંધિત દરેક સમસ્યાઓ સમાપ્ત થઈ જશે.

કન્યા

માઘી પૂનમના દિવસે જળમાં ઇલાયચી ઉમેરી સ્નાન કરવું એ કન્યા રાશિના જાતકો માટે શુભ માનવામાં આવે છે. રાત્રે દેવી લક્ષ્‍મીને શિંગોડા અને નારિયેળનો ભોગ અર્પણ કરવો. તેનાથી આપની દેવા સંબંધિત સમસ્યાઓનું નિવારણ થશે અને આપને ધનનો અભાવ નહીં વર્તાય.

તુલા

તુલા રાશિના જાતકોનો સ્વામી શુક્ર છે અને માઘી પૂનમના દિવસે જળમાં ગુલાબની પાંદડીઓ ઉમેરીને સ્નાન કરવું તેમના માટે લાભદાયી બને છે. માન્યતા એવી છે કે તેનાથી વૈવાહિક જીવનમાં મધુરતા આવે છે. પતિ-પત્ની વચ્ચે રહેતો તણાવ દૂર થાય છે.

વૃશ્ચિક

વૃશ્ચિક રાશિના લોકોએ માઘી પૂનમના દિવસે જળમાં લાલ ચંદન ઉમેરીને સૂર્યોદય પૂર્વે સ્નાન કરવું જોઇએ. ત્યારબાદ લક્ષ્‍મીજીને લાલ રંગની ચુંદડી અર્પણ કરીને લક્ષ્‍મી ચાલીસાનો પાઠ કરવો. આ ઉપાયથી આપના ધન, ઐશ્વર્યમાં વધારો થાય છે.

ધન

માઘી પૂનમના દિવસે ધન રાશિના જાતકોએ પીળા રંગની રાઈને જળમાં ઉમેરીને સ્નાન કરવું. ત્યારબાદ સવા કિલો ચણાની દાળ અને 7 પીળા રંગના પુષ્પનું દાન કરવું. આ ઉપાય કરવાથી આપની મનોવાંચ્છિત જીવનસાથી મેળવવાની ઇચ્છા પૂર્ણ થાય છે.

મકર

મકર રાશિના જાતકોએ માઘી પૂનમના દિવસે કાળા તલને જળમાં ઉમેરીને સ્નાન કરવું જોઇએ. ત્યારબાદ તેલમાં તળેલી પૂરીઓને ગરીબોમાં વહેંચવી જોઇએ. આ કાર્યથી આપને માનસિક, શારિરીક અને આર્થિક સંકટમાંથી મુક્તિ મળે છે.

કુંભ

જળમાં કાળા તલ ઉમેરીને સ્નાન કરવાથી કુંભ રાશિના જાતકોને શુભ ફળની પ્રાપ્તિ થાય છે. ત્યારબાદ ભગવાન વિષ્ણુની આપે તલથી પૂજા કરવી અને પછી કાળા તલને કાળા રંગના કપડામાં બાંધીને તેનું દાન કરવું.

મીન

મીન રાશિના જાતકોએ માઘી પૂનમના દિવસે જળમાં હળદર ઉમેરીને સ્નાન કરવું જોઇએ. રાત્રે 11 કોડીઓને હળદરથી રંગીને માતા લક્ષ્‍મીની પૂજા કરો અને ત્યારબાદ તેને તિજોરીમાં રાખી લો. પૂનમના દિવસે કરેલો આ ઉપાય આપને અપાર ધન સંપત્તિની પ્રાપ્તિ કરાવશે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles