fbpx
Wednesday, April 24, 2024

હોળાષ્ટકમાં આ 5 રાશિના લોકો રહે સાવધાન! નહિ તો શનિદેવના પ્રકોપનો ભોગ બની જશો!

હોળી પૂર્વેના આઠ દિવસ અત્યંત અશુભ મનાય છે અને તે હોળાષ્ટક તરીકે ઓળખાય છે. ફાગણ સુદ આઠમથી લઈ ફાગણ સુદ પૂર્ણિમા સુધીના આઠ દિવસ દરમ્યાન વિવિધ ગ્રહોની સ્થિતિ ખૂબ જ ઉગ્ર રહે છે. એટલે કે, જાતકોની કુંડળીમાં જો કોઈ ગ્રહની સ્થિતિ ખરાબ હોય તો હોળાષ્ટકના ઉગ્ર સમય દરમ્યાન તેણે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

આજે મધ્યરાત્રિથી હોળાષ્ટક બેસી રહ્યા છે. ત્યારે આવો, એ જાણીએ કે આ હોળાષ્ટક દરમ્યાન કયા ગ્રહની સ્થિતિ કેવી રહેશે ? તેમજ કઈ રાશિના જાતકોએ વિશેષ સાવધાની રાખવાની જરૂર પડશે?

હોળાષ્ટકમાં કયા ગ્રહની રહેશે અશુભ અસર ?

⦁ હોળાષ્ટકના પ્રથમ દિવસે એટલે કે ફાગણ સુદ આઠમની તિથિએ ચંદ્ર ઉગ્ર હોય છે.

⦁ ફાગણ સુદ નોમની તિથિએ સૂર્ય ઉગ્ર હોય છે.

⦁ ફાગણ સુદ દશમીએ શનિદેવ ઉગ્ર હોય છે. એટલે કે જેમને પનોતી ચાલી રહી છે તેવા જાતકોએ શનિદેવના વિશેષ કોપનો સામનો કરવો પડી શકે છે !

⦁ ફાગણ સુદ એકાદશીની તિથિએ દૈત્ય ગુરુ મનાતા શુક્ર ગ્રહ ઉગ્ર હોય છે.

⦁ ફાગણ સુદ દ્વાદશીએ બૃહસ્પતિ એટલે કે દેવગુરુ મનાતા ગુરુ ગ્રહ ઉગ્ર હોય છે.

⦁ ફાગણ સુદ તેરસની તિથિ પર બુધ ગ્રહ ઉગ્ર હોય છે.

⦁ ફાગણ સુદ ચૌદસના દિવસે મંગળ ગ્રહ અત્યંત ઉગ્ર હોય છે.

⦁ હોળાષ્ટકના અંતિમ દિવસે એટલે કે ફાગણ સુદ પૂર્ણિમાના અવસરે રાહુ ગ્રહ ઉગ્ર હોય છે.

કઈ રાશિના જાતકોએ રાખવી વિશેષ તકેદારી ?

હોળાષ્ટકના સમય દરમ્યાન ગ્રહોનો સ્વભાવ ઉગ્ર થઇ જાય છે. જેના કારણે તેમની અશુભ અસરો શરૂ થઇ જાય છે. એમાં પણ હાલ કુંભ, મકર, મીન રાશિ પર શનિની સાડાસાતી અને કર્ક, વૃશ્ચિક રાશિ પર શનિની અઢી વર્ષની પનોતી ચાલી રહી છે. શનિની સાડાસાતી અને અઢી વર્ષની પનોતી જીવન પર ખરાબ અસર કરે છે. એટલે જ હોળાષ્ટક દરમ્યાન શનિની સાડાસાતી અને અઢી વર્ષની પનોતીવાળા જાતકોએ વિશેષ સાવધાની રાખવાની જરૂર પડે છે.

ગ્રહોના અશુભ પરિણામોથી બચવા કરો આ ઉપાય

⦁ ગ્રહોને શાંત કરવા માટે નવગ્રહની પૂજા કરવી જોઇએ. જો તમે સંસ્કૃત ભાષા જાણતા હોવ તો તમે સ્વયં પૂજા કરી શકો છો. નવગ્રહ પીડાહર સ્તોત્રનો પાઠ કરી શકો છો. અથવા તો કોઈ જાણકાર બ્રાહ્મણ પાસે પૂજા વિધિ કરાવી શકો છો.

⦁ ગ્રહ શાંત કરવા માટે જે-તે ગ્રહ સંબંધિત વસ્તુઓનું દાન કરવું જોઇએ. માન્યતા અનુસાર તેનાથી ઉગ્ર ગ્રહ શાંત થાય છે.

⦁ ઉગ્ર ગ્રહોના દુષ્પ્રભાવથી બચવા માટે આપે ગ્રહોના બીજ મંત્રોનો જાપ કરવો જોઇએ.

⦁ હોળાષ્ટકના ઉગ્ર ગ્રહોને શાંત કરવા માટે “ૐ નમો ભગવતે વાસુદેવાય” મંત્રનો 1008 વાર જાપ કરવો જોઇએ. માન્યતા અનુસાર આ ઉપાય કરવાથી આપની કુંડળીમાં રહેલ દરેક ઉગ્ર ગ્રહ શાંત થઇ જાય છે.

શનિદેવના પ્રકોપથી બચવા શું કરશો ?

⦁ શનિના અશુભ પ્રભાવોથી બચવા માટે શક્ય હોય તેટલું હનુમાનજીનું સ્મરણ કરો. અંજનીસુતની આરાધના કરો.

⦁ હનુમાનજીને કળિયુગના જાગૃત દેવતા માનવામાં આવે છે. માન્યતા અનુસાર તેમની કૃપાથી સઘળા કષ્ટોનું નિવારણ થાય છે અને મનોકામનાની પૂર્તિ થાય છે.

⦁ સવિશેષ તો શનિદેવે સ્વયં હનુમાનજીને એવું વચન આપ્યું છે કે તે હનુમાન ભક્તોને ક્યારેય પીડા નહીં આપે ! એટલે કે, હનુમાનજીની ઉપાસનાથી શનિદેવ પણ પ્રસન્ન થતા હોય છે.

⦁ પવનસુતને પ્રસન્ન કરવા માટે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઇએ અને ભગવાન સીતારામનું સ્મરણ કરવું જોઈએ.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles