fbpx
Thursday, March 23, 2023

એક એવું મંદિર જે ફક્ત હોળી ધુળેટી પર ખુલે છે, દર્શન કરવા માટે ભક્તોની ભીડ જામે છે

- Advertisement -
- Advertisement -
- Advertisement -
- Advertisement -

સામાન્ય રીતે મંદિરના દરવાજા તો કાયમ ભાવિકો માટે ખુલ્લા જ હોય છે. પરંતુ અમદાવાદમાં એક એવું મંદિર છે જે માત્ર હોળી ધુળેટીના દિવસે જ ખુલ્લુ હોય છે અને અહીં દર્શન કરવા માટે ભાવિકોની ભીડ ઉમટી પડતી હોય છે શહેરના ગોમતીપુર વિસ્તારમાં આવેલું ભાભારાણા મંદિર માત્ર આ તહેવાર દરમિયાન જ ખૂલે છે.

આસ્થાળુઓ ભાભારાણા મંદિરમાં દર્શન કરીને આ પર્વની ઉજવણી કરે છે. કેમ કે આ મંદિર સાથે લોકોની આસ્થા જોડાયેલી છે. લોકોનું માનવું છે કે જેમને સંતાન ન થતા હોય અથવા જેમના સંતાન જીવિત ન રહેતા હોય, તેવા દુ;ખીયારા દંપતીઓ ભાભારાણા દર્શન કરી માનતા માને તો તે ખોટ પુરી થાય છે. આ પ્રથા સેંકડો વર્ષથી ચાલી આવે છે અને મંદિર આખા વર્ષમાં માત્ર બે દિવસ હોળી અને ધૂળેટી પર્વ પર ખુલતું હોવાથી હોલી ધુળેટીના તહેવાર દરમિયાન દર્શન કરવા મંદિરમાં ભારે ભીડ જામે છે.

ભાભારાણાના દર્શન સાથે જોડાયેલી છે લોકવાયકાઓ

કેટલીક લોકવાયકાઓ પ્રમાણે આ ભાભારાણા અત્યંત પવિત્ર જીવ હતા. તેમને વચનસિધ્ધિ સહજ હતી. જે સમયમાં મેડીકલ સાયન્સ આજના સમય જેટલુ વિકસેલું ન હતું અને બાળક થવા માટેની કોઈ દવા શોધાઈ ન હતી, ત્યારે ભાભારાણાના આશીર્વાદથી શેર માટીની ખોટ પુરાઈ જતી હતી. એટલું જ નહીં પણ એ સમયમાં દવાઓના અભાવે જન્મેલા બાળકોનું મરણનું પ્રમાણ વધુ હતું, ત્યારે ગામડામાં આ વચનસિધ્દ્ધ પવિત્ર પુરૂષના આશિષથી બાળ-બચ્ચા બચી જતા હતા.

મંદિરના સ્થળે ભાભા રાણાએ દેહત્યાગ કર્યો હતો

આજે જ્યાં મંદિર સ્થિત છે, ત્યાં પહેલા એક ઓટલો હતો. ભાભારાણા દેવ તે ઓટલા પર બેસતા અને લોકોની સમસ્યાઓને હલ કરતા. એવું માનવામાં આવે છે કે હોળીના દિવસે ભાભારાણા દેવે આ ઓટલા પર જ પોતાનો દેહ ત્યાગ કર્યો હતો. ત્યારબાદ દર હોળી-ધૂળેટીએ તેમની યાદમાં મૂર્તિ બનાવીને પૂજવાની અને દીનદુખીયાના દર્દ દુર કરવાની પ્રથા શરૂ થઈ હતી.

ગામના લોકોના કહેવા પ્રમાણે ભાભારાણા દેવનો ઈતિહાસ વર્ષો જુનો છે. રાજા વિક્રમના સમયમાં આ ભાભારાણા થઈ ગયા હોવાના પુરાવા મળે છે. જો કે ઈતિહાસ ગવાહ છે કે શામળ ભટ્ટ પણ ગોમતીપુરમાં જ રહેતા હતા એ સમયે ગોમતીપુરનું નામ ‘વેંગણપુર’ હતું. તો વેંગણપુરમાંથી ગોમતીપુર ક્યારે થયું? વડીલો પાસે થી કથા સંભાળવા મળે છે કે અમદાવાદનાં બાદશાહ ની ‘ધાવમાતા’ નું નામ ગોમતી હતું અને તે વેંગણપુરની હતી, બાદશાહે ધાવમાતાનાં નામ ને ગોમતીપુરનું નવું નામ આપ્યું. હોળીનાં આગળના દિવસે ચીકણી માટીમાંથી ભાભારાણા દેવની મૂર્તિ બનાવીને સ્થાપન કરવામાં આવે છે.

આજે ખૂલેલું મંદિર આવતી કાલ સાંજ સુધી ખુલ્લું રહેશે

સૈકાઓથી ચાલતી આવતી પરંપરા મુજબ ગોમતીપુર નાં યુવાનો હોળી નાં એક દિવસ પહેલા ચીકણી માટી લાવે છે. આખી રાત જાગીને ગામનાં લોકો ભેગા મળીને ભાભારાણા દેવની મૂર્તિ બનાવે છે. હોળીની વેહલી સવાર સુધીમાં તો માનો કોઈ તેજસ્વી રાજા આપણી સમક્ષ સિંહાસન પર જીવતા બિરાજમાન થઇ ગયો હોય તેવા સુંદર વાઘા, અમૂલ્ય ઘરેણા, કાચ ની આંખો તથા મોટા હાર સાથે સજ્જ ભાભારાણા દેવની મૂર્તિ તૈયાર કરી દેવામાં આવે છે.

મૂર્તિ બની ગયા પછી હોળી નાં દિવસે સવારે ૫ વાગે વાજતા-ગાજતા ઢોલ-નગારા સાથે મંગળા આરતી કરવામાં આવે છે. ત્યાર બાદ હોળી અને ધૂળેટી નાં દિવસે ભાભારાણા દેવનાં દર્શન કરવા અને સંતાનસુખ તેમજ અન્ય સમસ્યાઓ ની માનતા રાખવા દુર-દુરથી લોકો આવે છે.

વર્ષ દરમ્યાન માત્ર બે જ દિવસ મંદિર ખુલતું હોવાથી માનતા રાખવા તથા માનતા પૂરી કરવા ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. માનતા પૂર્ણ થયા બાદ લોકો પોતાની યથાશક્તિ પ્રમાણે લાકડાના પારણા, ચાંદીના પારણા, છત્ર, શ્રીફળ વગેરે ચઢાવીને પોતાની માનતા પૂર્ણ કરે છે. જે કુંવારા યુવક-યુવતીઓનાં લગ્ન ન થતા હોય તે પણ માનતા રાખતા હોય છે અને માનતા પૂર્ણ થયા બાદ ઢીંગલા કે ઢીંગલી ચઢાવે છે.

ધૂળેટી નાં દિવસે સાંજે 5 વાગે પાલખી સાથે ગોમતીપુર ગામમાં ભાભારાણા દેવની શોભાયાત્રા નીકળે છે અને રાત્રે મૂર્તિનું વિસર્જન કર્યા બાદ આ અનોખા ઉત્સવનું સમાપન થાય છે. ઉલ્લેખનીય છે કે વર્ષો બાદ પણ એક પણ વર્ષ ચૂક્યા વિનાં આ ઉત્સવ ઉજવાય છે જેમાં કોઈ પૂજારી નથી, કોઈ ચોકકસ કોમ-જાતીનો ઈજારો નથી. માત્ર અને માત્ર શ્રધ્ધા ઉપર જ આ તહેવાર આ જ સ્થળે ઉજવાય છે.

- Advertisement -

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles