fbpx
Thursday, April 25, 2024

ચૈત્ર નવરાત્રિની આઠમ શત્રુઓ પર વિજય અપાવશે! સરળ ઉપાયથી મેળવો મહાગૌરીની કૃપા

ચૈત્રી નવરાત્રીની આઠમની તિથિ ખૂબ જ વિશેષ માનવમાં આવે છે. આ દિવસે ઘણાં ઘરોમાં કન્યાપૂજન કરવામાં આવે છે. જેમાં નવ કન્યાઓને ઘરે બોલાવીને ભોજન કરાવવામાં આવે છે. તેમને મનપસંદ ભેટ કે દક્ષિણા આપવામાં આવે છે. તો, જે લોકો ઘરમાં નોમની તિથિના દિવસે કન્યાપૂજન કરે છે, તેઓ આઠમના દિવસે વ્રત રાખે છે.

આઠમની તિથિએ માતા મહાગૌરીની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. વાસ્તવમાં અષ્ટમી તિથિ અનેકવિધ લાભની પ્રાપ્તિ કરાવનારી છે. ત્યારે આજે આપને આઠમ સાથે જોડાયેલ કેટલાક ખાસ ઉપાયો જણાવીશું કે જેને કરવાથી જીવનમાં ધન અને સુખની પ્રાપ્તિ થાય છે. સાથે જ ભક્તની દરેક મનોકામનાની પૂર્તિ થાય છે !

ઇશાન ખૂણામાં પૂજા !

ઇશાન ખૂણામાં દરેક દેવી દેવતાઓનો વાસ માનવામાં આવે છે અને આઠમની દિશા પણ ઇશાન માનવામાં આવે છે. એટલે તેનું મહત્વ ખાસ વધી જાય છે. આઠમની તિથિને પરમ કલ્યાણીકારી, પવિત્ર અને સુખ સંપત્તિ પ્રદાન કરનાર માનવામાં આવે છે. તો, સાથે જ તે વ્યક્તિમાં ધર્માનુસાર આચરણની વૃદ્ધિ કરે છે. એટલે જો તમે સંપૂર્ણ નવરાત્રી દરમ્યાન ઘટસ્થાપના નથી કરી કે કોઈ અનુષ્ઠાન નથી કર્યું, તો આઠમે ઈશાન ખૂણામાં દેવીને બિરાજમાન કરી તેમની ઉપાસના કરો.

શત્રુઓ પર વિજયના શુભાશિષ !

દેવ, દાનવ, રાક્ષસ, ગંધર્વ, નાગ, યશ, કિન્નર, મનુષ્ય કોઇપણ હોય આઠમ અને નોમના દિવસે માતાજીની પૂજા કરે જ છે. પૌરાણિક કથાઓ અનુસાર આ તિથિએ માતાએ ચંડમુંડ નામના રાક્ષસોનો સંહાર કર્યો હતો. એટલે આઠમનો દિવસ એ શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરાવનારો મનાય છે. કહે છે કે જે ભક્ત આઠમની તિથિએ માતા ભગવતી દુર્ગાની પૂજા અર્ચના કરે છે, તેના જીવનના તમામ કષ્ટ અને દુઃખ માતાજી હરી લે છે. માતા તેમના ભક્તને શત્રુઓ પર વિજયની પ્રાપ્તિ કરાવે છે.

શનિના દુષ્પ્રભાવમાંથી મુક્તિ

શનિ ગ્રહને ક્રૂર ગ્રહોમાંથી એક માનવામાં આવે છે. એટલે, જેમને અઢી વર્ષની કે સાડા સાતીની પનોતી ચાલતી હોય તેમણે આઠમના અવસર પર જરૂરથી દેવી ઉપાસના કરવી જોઈએ. તેનાથી શનિ ગ્રહનો દુષ્પ્રભાવ ઓછો થાય છે અને સાધકને રાહતની અનુભૂતિ થાય છે.

મુસીબતોમાંથી મુક્તિ અર્થે

જો આપ આપના જીવનમાંથી દરેક પ્રકારની મુસીબતોમાંથી મુક્તિ મેળવવાની ઈચ્છા રાખતા હોવ તો ચૈત્રી નવરાત્રીની આઠમની તિથિના દિવસે પીપળાના 11 પાન લો. તેના પર “રામ” નામ લખો. ત્યારબાદ તે પાનની માળા બનાવીને હનુમાનજીને ધારણ કરાવો. માન્યતા અનુસાર આ ઉપાય અજમાવવાથી જીવનમાંથી દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થઈ જાય છે અને સમગ્ર વર્ષ સારું પસાર થાય છે.

ધન પ્રાપ્તિ અર્થે

દરેક ભક્ત એવું ઇચ્છતા હોય કે દેવી લક્ષ્‍મીના સ્વરૂપમાં માતા દુર્ગા તેમના ઘરમાં હંમેશ માટે બિરાજમાન થાય. તો આ દિવસે નાગરવેલના પાનમાં ગુલાબની સાત પાંખડીઓ રાખીને માતા દુર્ગાને અર્પણ કરો. કહે છે કે તેનાથી આપના ઘર પર સ્થિર લક્ષ્‍મીના આશીર્વાદ રહે છે. તેમજ આપને ક્યારેય ધનની અછત નથી વર્તાતી !

મનોકામનાપૂર્તિ અર્થે

આમ તો સમગ્ર નવરાત્રી દરમ્યાન લાલ રંગનું ખૂબ જ મહત્વ રહેલું છે. પણ, નવરાત્રીની આઠમ અને નોમના દિવસે તેનો સવિશેષ મહિમા રહેલો છે. કારણ કે, લાલ રંગ અને આ બંન્ને તિથિ દેવીને ખૂબ જ પ્રિય મનાય છે. એટલે જ્યારે આઠમ અને નોમના દિવસોમાં તમે પૂજા કરવા બેસો ત્યારે લાલ રંગના આસન પર જ સ્થાન ગ્રહણ કરવું જોઇએ. તેનાથી માતાજી આપની દરેક મનોકામનાની પૂર્તિ કરે છે !

કન્યાપૂજનનું મહત્વ

નવરાત્રીમાં આઠમની તિથિએ નવદુર્ગાના માતા મહાગૌરી રૂપની ઉપાસના કરવામાં આવે છે. દેવી મહાગૌરી એ અન્નપૂર્ણાનું સ્વરૂપ મનાય છે. એટલે આ દિવસે કન્યાઓ અને બ્રાહ્મણને ભોજન કરાવવાનું વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. જો તમે પણ નવરાત્રીમાં કન્યાપૂજન દ્વારા ફળપ્રાપ્તિ કરવામાં માંગતા હોવ તો અષ્ટમીના દિવસે કન્યાઓને ભોજન ગ્રહણ કરવા બોલાવો અને તેમને પસંદ પડે તેવી ભેટ આપો. તમે આઠમે વ્રત રાખીને નોમના દિવસે પણ કન્યાઓને ભોજન માટે બોલાવી શકો છો.

શું રાખશો ખાસ ધ્યાન ?

આઠમના દિવસે માતા દુર્ગાને નારિયેળનો ભોગ અર્પણ કરવામાં આવે છે. પરંતુ, કહે છે કે આ દિવસે ભક્તોએ નારિયેળ ન આરોગવું જોઇએ. કારણ કે, તેનાથી બુદ્ધિનો નાશ થાય છે ! કેટલીક જ્ગ્યાઓ પર કોળું અને દૂધીનું સેવન કરવાનું પણ વર્જિત માનવામાં આવે છે. કારણ કે, આ દિવસે માતાને બલી રૂપે તેનો જ ભોગ લગાવવામાં આવે છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles