fbpx
Wednesday, June 26, 2024

સીતા નવમીના દિવસે આટલું કરવાથી પૂરી થશે મનોકામનાઓ, માતા સીતાને પ્રિય છે આ પ્રસાદ

સીતા ભગવાન રામના પત્ની તથા લક્ષ્‍મીનો અવતાર મનાય છે. માતા જાનકી તો ભારતીય સતીત્ત્વ કે નારીતાનું પ્રેરક અને જીવંત પ્રતીક છે. સીતા તો જાતે સંતાપ સહન કરીને, અનેક કષ્ટ સહન કરીને, વિશેષ તેજ પ્રગટાવીને જાણે ભગવાન રામથી પણ આગળ નીકળી જાય છે. સીતાનો જન્મ પણ ચમત્કારી અને વિદાય પણ ચમત્કારી. ધરતીની પુત્રી ધરતીમાં સમાઈ જાય છે.

વેદમાં સીતા કૃષિની દેવી મનાઈ છે. ‘સીતા’ શબ્દનો અર્થ થાય, હળથી ખેડાઈને ધરતીમાંથી મળેલી કે ઉત્પન્ન થયેલી. આજે 16 મેએ સીતા નવમી ઉજવાય છે.

માતા સીતાની પૂજા કરવાનું મહત્વ

એવું માનવામાં આવે છે કે, ત્રેતાયુગમાં વૈશાખ માસના શુક્લ પક્ષની નવમી તિથિએ દેવી સીતા પ્રગટ થયા હતા. મહિલાઓ અખંડ સૌભાગ્યની કામના સાથે સીતા નવમીનું વ્રત રાખે છે. સાથે જ શ્રી રામ-સીતાની વિશેષ પૂજા કરવામાં આવે છે. માન્યતા અનુસાર, આ દિવસે ભક્તોને વિધિવત પૂજા કરવાથી ઇચ્છિત ફળ મળે છે. આ ખાસ દિવસ નિમિત્તે માતા સીતાની વ્રત કથા વાંચવાનું પણ ખુબ મહત્વ મનાય છે. જે ભક્ત માતા સીતાની કથા વાંચે છે અથવા સાંભળે છે, તેના જીવનમાંથી તમામ દુ:ખ દૂર થઈ જાય છે.

માતા સાતીનું પ્રાગટ્ય

સીતા નવમી પર શિવ વાસ યોગ બની રહ્યો છે. આ દિવસે ભગવાન શિવ અને આદિશક્તિ મા ગૌરી સાથે રહેશે. આ સમય દરમિયાન માતા સીતાની પૂજા કરવાથી સાધકને અનંત ફળ મળે છે. રામાયણ અનુસાર, માતા સીતાનો જન્મ જ્યારે મિથિલામાં ભયંકર દુકાળ પડ્યો હતો ત્યારે તેમાંથી મુક્તિ મેળવવા માટે એક ઋષિએ યજ્ઞ કરવા સુચવ્યું હતું. આ પછી રાજા જનકે પોતાની પ્રજાની સુરક્ષા અર્થે યજ્ઞ કર્યો અને પછી જમીન ખેડવાનું શરૂ કર્યું. આ દરમિયાન તેઓનું હળ અંદર ફંસાય જતા તેને બહાર કાઢવા માટે તેઓએ માટી હટાવી. આ પછી રાજા જનકને એક અદ્બભૂત શક્તિના દર્શન થયા.

રાજા જનકને સોનાના ઢેફાઓ વચ્ચે માટીમાં લપેટાયેલી એક સુંદર કન્યા મળી.રાજા જનકે સીતાજીને હાથ વડે ઉપાડ્યા કે તરત જ જોરદાર વરસાદ વરસવા લાગ્યો. રાજા જનકે છોકરીનું નામ સીતા રાખ્યું અને તેને પોતાની પુત્રી તરીકે સ્વીકાર કર્યો હતો.

સીતા નવમી પૂજા વિધી

સીતા નવમીના દિવસે પૂજા કરવા માટે તમે સૈપ્રથમ લાકડાની બાજોઠ પર પીળા કે લાલ રંગનું કપડું પાથરીને માતા સીતા અને શ્રીરામની તસવીર લગાવો અને તેની બાજુમાં કલશ સ્થાપિત કરો. હવે પૂજા શરૂ કરો. સૌથી પહેલા કલશમાં જળ, સિંદૂર, અક્ષત અને ભોગ લગાવો. માતા સીતાને સિંદૂર, અક્ષત, ફૂલ, માળા, વસ્ત્રો અર્પણ કરવા સાથે સોળ શણગાર અર્પણ કરવા જોઈએ. આ પછી શ્રીરામને પીળા ચંદન, ફૂલ, માળા અને અક્ષત અર્પણ કરો. માતા સીતા અને ભગવાન રામની પૂજા કરતા સમયે તમારે આ ખાસ મંત્ર શ્રી સીતાયાય નમઃ. શ્રી રામાય નમઃ ઉચ્ચારવો જોઇએ.

સીતા નવમીના દિવસે માતા સીતાને ચોખા અને મખાણાની ખીર ચઢાવવી જોઇએ. માતા લક્ષ્‍મીને ખીર ખૂબ જ પસંદ છે. આ ખીર ચઢાવ્યા પછી તેને પ્રસાદ તરીકે છોકરીઓમાં વહેંચો. આ ઉપાય કરવાથી તમારા ઘરમાં આશીર્વાદ આવે છે અને દેવી લક્ષ્‍મીની કૃપા વરસે છે.

સીતાનાં પૂર્વજન્મનું નામ વેદવતી હતું. દેવી ભાગવતમાં કહ્યું છે કે, રાજા કુશઘ્વજની પત્ની માલવતીથી લક્ષ્‍મીનાં અંશરૂપે પુત્રી જન્મી અને જન્મતાં જ તે વેદમંત્રો ઉરચારવા લાગી. તેથી તેનું નામ પાડયું વેદવતી. એકવાર વનમાં તપ કરતી વેદવતી ઉપર રાવણ મોહિત થયો. વેદવતીએ તેને સપરિવાર સંહારનો શાપ આપ્યો અને પોતે યોગની અગ્નિમાં વિલીન થયાં.

આ વેદવતી જ બીજા જન્મમાં જનકનંદિની જાનકી રૂપે પ્રગટ થયા અને તેના નિમિત્તે રાવણનો નરસંહાર થયો. માતા સીતાના ઉજજવળ ચરિત્રનો મૂળ આધાર તેમનો અટલ ‘પતિવ્રતા’ ધર્મ છે. વનગમન, વનવાસ, રાવણ દ્વારા અપહરણ, અગ્નિ પરીક્ષા, રામ દ્વારા ત્યાગ વગેરે પ્રસંગોમાં તેમના પતિવ્રતની કસોટી થાય છે.

સીતાજીનું હૃદય તો વાત્સલ્ય અને મમતાભર્યું છે. એમાં કયાંય કૃત્રિમ વ્યવહાર નથી. વનમાં પર્ણકુટિર આગળ રાવણનો સત્કાર કરતી અને ચિત્રકૂટમાં નાગરિકો સહિત ભરતના આગમન પર સૌની દિલથી સેવા કરતી સીતામાં ‘અતિથિ ધર્મ’ અને સેવાની ભાવના દેખાય છે, જે સેવા, શીલ, સમર્પણ અને સહન શીલતાની ગુણસુગંધ ફેલાવે તે આદર્શ ભારતીય નારી એવા નારીજીવનનો આદર્શ સીતાના ચરિત્રમાંથી પ્રગટ થાય છે.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles