fbpx
Thursday, May 2, 2024

બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે દત્તાત્રેય તરીકે શા માટે જન્મ લીધો? જાણો, અનસૂયાના પુત્ર પ્રભુ દત્તનો મહિમા

માગશર સુદ પૂર્ણિમાની તિથિ એ દત્ત જયંતી તરીકે ઉજવાય છે. માન્યતા અનુસાર જે તિથિએ ત્રિદેવે ધરતી પર દત્તાત્રેય સ્વરૂપે જન્મ લીધો, તે તિથિ માગશર સુદી પૂર્ણિમા જ હતી. આ વખતે આ તિથિ 7 ડિસેમ્બર, બુધવારના રોજ છે. માન્યતા અનુસાર આ તિથિ એ પ્રભુ દત્તની કૃપાને પ્રાપ્ત કરવા માટે, તેમજ વિધ-વિધ સમસ્યાઓથી મુક્તિ મેળવવા માટે અત્યંત શ્રેષ્ઠ મનાય છે.

ત્યારે આવો, આજે આપને પ્રભુ દત્તનો મહિમા અને તેમના પ્રાગટ્યની કથા જણાવીએ.

દત્ત માહાત્મ્ય

પ્રભુ દત્તાત્રેય નાથ સંપ્રદાયના ઇષ્ટદેવ છે. શૈવ સંપ્રદાય સાથે જોડાયેલા ભક્ત તેમને શિવનું સ્વરૂપ માને છે. તો વૈષ્ણવ સંપ્રદાયથી જોડાયેલા લોકો ભગવાન વિષ્ણુનો અવતાર માને છે. તાંત્રિકોના મત અનુસાર દત્તાત્રેય ભગવાન એ બ્રહ્મા, વિષ્ણુ અને શિવજીનો સંયુક્ત અવતાર છે. અને એટલે જ, દત્તાત્રેય જયંતીના દિવસે વિવિધ ઉપાયો અજમાવવાથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેવની કૃપા ભક્તોને પ્રાપ્ત થાય છે. દત્તાત્રેયજીમાં ગુરુ અને ઇશ્વર બંનેનું સ્વરૂપ સમાહિત છે. તેમના 3 મુખ અને 6 હાથ હોય છે. તેમની સાથે શ્વાન અને ગાય પણ જોવા મળે છે. તેમણે પોતાના 24 ગુરુ માનેલા છે. જેમાં પ્રકૃતિ, પશુ, પક્ષી અને મનુષ્ય સામેલ છે. દત્તાત્રેયની ઉપાસના શીઘ્ર ફળદાયી મનાય છે.

દત્ત પ્રાગટ્ય

પ્રચલીત કથા અનુસાર ત્રણેય લોકમાં ઋષિ અત્રિના પત્ની દેવી અનસૂયાના સતીત્વની પ્રશંસા થઈ રહી હતી. ત્યારે માતા લક્ષ્‍મી, દેવી પાર્વતી અને સાવિત્રીને પણ તેમની પરીક્ષા લેવાની ઈચ્છા થઈ આવી. તેમણે આ કસોટી લેવાં ત્રિદેવને ધરતી પર મોકલ્યા. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે તેમની પત્નીઓની ઈચ્છાને વશ થઈ સતી અનસૂયાના પાતિવ્રત્ય ધર્મની કસોટીનો નિર્ણય લીધો.

ત્રિદેવ ઋષિ અત્રિની ગેરહાજરીમાં તેમના આશ્રમે આવ્યા. અને દેવી અનસૂયાને નિર્વસ્ત્ર થઈ ભિક્ષા આપવા જણાવ્યું. સતી અનસૂયાએ એવો માર્ગ અપનાવ્યો કે જેનાથી આતિથ્ય ધર્મ પણ સચવાય અને સતીત્વ પણ ન લજવાય. સતીએ તપોબળે ત્રિદેવને નવજાત શિશુમાં પરિવર્તીત કરી દીધાં. અને પછી તેમની યાચના પૂર્ણ કરી. માતા લક્ષ્‍મી, દેવી પાર્વતી અને સાવિત્રીને તેમની ભૂલ સમજાઈ. તેમણે સતી અનસૂયા પાસે આવી તેમની ક્ષમા માંગી. અને તેમના પતિઓને પૂર્વવત્ રૂપમાં લાવવા પ્રાર્થના કરી. કહે છે કે ત્યારે સતી અનસૂયાએ ત્રિદેવને પહેલાંના જેવું જ રૂપ પાછું આપ્યું. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે પ્રસન્ન થઈ સતી અનસૂયાને વરદાન માંગવા કહ્યું. ત્યારે સતીએ તે ત્રણેવને પુત્ર રૂપે માંગી લીધાં. અને પછી તે ત્રિદેવે જ એકરૂપ થઈ બાળ દત્તાત્રેય રૂપે જન્મ લીધો.

બાળ દત્તની કરો પૂજા !

ધાર્મિક માન્યતા અનુસાર માગશર સુદ પૂર્ણિમાના દિવસે જ ભગવાન દત્તાત્રેયનું પ્રાગટ્ય થયું હતું. એ જ કારણ છે કે માગશર પૂર્ણિમાના અવસરે પ્રભુ દત્તના બાળ સ્વરૂપની પૂજાનો સવિશેષ મહિમા છે. દત્ત જયંતી પર પ્રભુ દત્તની ઉપાસના કરવાથી શીઘ્ર ફળની પ્રાપ્તિ થતી હોવાની માન્યતા છે. પણ, જો આ દિવસે પ્રભુ દત્તના બાળ રૂપની પૂજા કરવામાં આવે, તો તે સવિશેષ ફળદાયી બની રહે છે. ખાસ કરીને જે લોકો કોઈ વિશેષ સમસ્યાનો સામનો કરી રહ્યા હોય, તેમણે દત્ત જયંતીના દિવસે પ્રભુ દત્તના બાળ રૂપની પૂજાનો પ્રારંભ કરવો. અને જ્યાં સુધી તમને તમારી સમસ્યાથી મુક્તિ ન મળી જાય, ત્યાં સુધી આ પ્રયોગ ચાલુ રાખવો. થોડાં જ દિવસોમાં તમને સકારાત્મક પરિણામની અનુભૂતિ થશે. અને આપના સૌભાગ્યમાં વૃદ્ધિ થશે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles