fbpx
Saturday, April 27, 2024

હવે રસ્તા પર ઢોરને રખડતા મુકનારની ખેર નથી, શહેરના 10 વિસ્તાર ‘નો કેટલ ઝોન’ જાહેર કરાયા, નિયમ ભંગ કરનારને જેલ થઇ શકે

અમદાવાદ શહેરમાં રખડતા ઢોર રસ્તાઓ પર અડીંગો જમાવીને બેસી જતા હોય છે. ઘણીવાર રખડતા ઢોરના કારણે શહેરીજનોને ભારે હાલાકી ભોગવવી પડે છે. ઘણીવાર તો અકસ્માત પણ થાય છે. જેને ધ્યાને લઈને હવે અમદાવાદ શહેર ટ્રાફિક વિભાગ એક્શનમાં આવ્યુ છે અને એક જાહેરનામું  બહાર પાડયું છે. જે જાહેરનામા પ્રમાણે શહેરના 10 વિસ્તારને ‘નો કેટલ ઝોન’ જાહેર કરાયા છે. જો ત્યાં પશુઓ દેખાશે તો પશુપાલકને દંડ ભોગવવો પડશે.

શહેરના 10 વિસ્તાર ‘નો કેટલ ઝોન’

અમદાવાદ શહેર ટ્રાફિક વિભાગે શહેરના આશ્રમ રોડ, રિવરફ્રન્ટ પશ્ચિમ, નારણપુરા, નવરંગપુરા, ઉસ્માનપુરા, એલીસબ્રીજ. યુનિવર્સિટી, ગુલબાઈ ટેકરા અને લો ગાર્ડન સહિત 10 વિસ્તારને નો કેટલ ઝોન જાહેર કર્યા છે. એટલે કે આ વિસ્તારમાં પશુ પાલક પોતાના ઢોર રખડતા મૂકી નહીં શકે.

સમસ્યાનું નિવારણ લાવવા જાહેરનામું

આ નિર્ણય ટ્રાફિક વિભાગે એક નિરીક્ષણ કરીને કર્યો છે. જેમાં ટ્રાફિક વિભાગને ધ્યાને આવ્યું કે રખડતા ઢોરના કારણે ગંદકી થવી, અકસ્માત થવા, શિંગડા મારવા, વૃક્ષને નુકસાન તેમજ ટ્રાફિકને અડચણ રૂપ બનવું, જેવી સમસ્યા વધતી જાય છે. આ સમસ્યાનું નિવારણ લાવવા અમદાવાદ શહેર પોલીસ કમિશનરે આ જાહેરનામું બહાર પાડ્યુ છે. સાથે જ જાહેરનામાનો ભંગ કરનાર સામે કાર્યવાહી થશે. આ જાહેરનામું 19 ડિસેમ્બર રાતે 12 વાગ્યાથી આગામી આદેશ સુધી લાગુ રહેશે.

શું કાર્યવાહી થશે?

અમદાવાદ શહેર ટ્રાફિક વિભાગે જાહેર કરેલા જાહેરનામા અનુસાર જો જાહેરનામાનો ભંગ થશે તો પહેલા 200 રૂપિયા દંડ અને 2 મહિનાની સજા ફટકારવામાં આવશે. આમ છતાં બીજી વાર જાહેરનામાનો ભંગ કરે તો 6 મહિનાની જેલની સજા થઈ શકે છે.

18 દિવસમાં 99 ફરિયાદ

ટ્રાફિક વિભાગને એ પણ ધ્યાને આવ્યું કે શહેરમાં છેલ્લા 18 દિવસમાં રખડતા ઢોર મામલે 1,281 પશુ પકડી 99 ફરિયાદ થઈ છે. જેમાં ગત રોજ નિકોલમાં ઢોર મામલે 6 લોકો સામે ફરિયાદ દાખલ કરાઈ. તે કેસમાં પશુપાલકોએ નિકોલ પોલીસ સ્ટેશન બહાર દેખાવો પણ કર્યો. આ પ્રકારની ઘટના ન બને તે માટે શહેર પોલીસે તમામ બાબતોને ધ્યાને રાખી કેટલાક વિસ્તારોને નો કેટલ ઝોન જાહેર કર્યા છે.

મહત્વનું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રખડતા ઢોર મામલે કાર્યવાહી ચાલી રહી છે. જેમાં છેલ્લા એક વર્ષમાં AMCએ 18 દિવસમાં પકડેલા 1281 પશુમાંથી 172 પશુ છોડતા 9.61 લાખની AMCને આવક થઈ. તો એક વર્ષમાં AMCની ટીમે 10,524 પશુ પકડ્યા, જેમાં 1,349 પશુ તેમના માલિકોએ છોડાવતા 77.50 લાખનો દંડ વસુલાયો. ત્યારે ચાલુ વર્ષે કુલ 777 ફરિયાદ પશુ માલિકો સામે દાખલ કરાઈ.

આ એજ બાબત સૂચવે છે કે AMC અને પોલીસ વિભાગ રખડતા ઢોરની સમસ્યાનું નિવારણ લાવવા માગે છે. જોકે બીજી તરફ એ પણ પ્રશ્ન છે કે શહેરમાં ગૌચર જમીન ગાયબ થઈ જતાં પશુ ચરાવવા ક્યાં તે પ્રશ્ન સર્જાયો છે. જેના કારણે ઢોર રખડતા મુકવા પશુ પાલકો ક્યાંક મજબુર બન્યા છે.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles