fbpx
Sunday, November 27, 2022

ઇન્દ્રને ભયંકર શ્રાપમાંથી કેવી રીતે મુક્તિ મળી? જાણો જૂનાગઢના ઈન્દ્રેશ્વર મહાદેવનો મહિમા

ગિરનારની ગોદમાં જૂનાગઢ શહેરથી લગભગ 2 કિલોમીટરના અંતરે જોગણિયા ડુંગરની તળેટીમાં ઈન્દ્રેશ્વર મહાદેવનું મંદિર શોભાયમાન છે. જૂનાગઢના દોલતપરા વિસ્તારમાં સ્થિત આ નાનકડાં મંદિરની આભા કંઈક એવી છે કે અહીં પગ મૂકતાં જ ભક્તોને પરમશાંતિની અનુભૂતિ થવા લાગે છે. માન્યતા અનુસાર ઈન્દ્રેશ્વરે જ દેવરાજ ઈન્દ્રને શ્રાપમાંથી મુક્તિ અપાવી હતી. તો, ઈન્દ્રેશ્વરે જ ભક્ત નરસિંહના ઓરતાઓની પૂર્તિ કરી હોવાની લોકવાયકા અહીં પ્રચલિત છે.

ન માત્ર જૂનાગઢમાંથી, પરંતુ, સમગ્ર ગુજરાતમાંથી શ્રદ્ધાળુઓ ઈન્દ્રેશ્વર મહાદેવના દર્શનાર્થે અહીં આવે છે. ઈન્દ્રેશ્વરના દર્શન વિના તો જૂનાગઢની યાત્રા જ અપૂર્ણ મનાય છે ! કહે છે કે દેવરાજ ઈન્દ્ર અને ભક્ત નરસિંહને સાક્ષાત્કાર કરાવનારા શિવજી અહીંથી ક્યારેય કોઈને ખાલી હાથે પાછા નથી મોકલતા.

પ્રાગટ્ય ગાથા

માન્યતા અનુસાર ઈન્દ્રેશ્વરના પ્રાગટ્યનું નિમિત્ત તો બન્યા હતા સ્વયં દેવરાજ ઈન્દ્ર. સતી અહલ્યાના રૂપ પર મોહિત થઈ ઈન્દ્રએ ઋષિ ગૌતમનું રૂપ લીધું. અને અહલ્યા સાથે કપટ કર્યું. આ ઘટનાથી ક્રોધે ભરાઈ મહર્ષિ ગૌતમે ઈન્દ્રને કોઢ નીકળવાનો શ્રાપ આપી દીધો. કહે છે કે ત્યારે નારદમુનિના કહેવાથી ઈન્દ્ર જૂનાગઢની આ જ ભૂમિ પર આવ્યા હતા. તેમણે અહીં શિવલિંગની સ્થાપના કરી દસ હજાર વર્ષ સુધી સાધના કરી. અને આખરે, શ્રાપમાંથી મુક્તિ મેળવી. ત્યારબાદ ઈન્દ્રએ મહાદેવને અહીં જ બિરાજમાન થવા પ્રાર્થના કરી. ઈન્દ્રની પ્રાર્થનાને વશ થઈ શિવજી અહીં બિરાજમાન થયા. અને એટલે જ તે ઈન્દ્રેશ્વરના નામે પ્રસિદ્ધ થયા.

ભક્ત નરસિંહનો નાતો !

દંતકથા એવી છે કે શ્રીકૃષ્ણના પરમ ભક્ત નરસિંહ મહેતા નિત્ય આ વિસ્તારમાં ગાયો ચરાવવા આવતા. કહે છે કે ત્યારે તેમની એક ગાય તેની મેળે જ અહીં આવી શિવલિંગ પર દૂધનો અભિષેક કરી જતી. નરસિંહ મહેતાને આ વાતની જાણ થઈ. તે અહીં આવી સાત દિવસ અને સાત રાત સુધી શિવલિંગને બાથ ભરીને ‘ૐ નમઃ શિવાય’નો જાપ કરતા રહ્યા. આખરે, મહાદેવે પ્રસન્ન થઈ તેમને દર્શન આપ્યા. અને તેમને શ્રીકૃષ્ણની મહા રાસલીલાના દર્શન પણ કરાવ્યા !

ઈન્દ્રેશ્વરના પરચા તો સદીઓથી અહીં લાખો શ્રદ્ધાળુઓને મળતા જ રહ્યા છે. તેમના એ પરચાઓને લીધે જ વિધર્મીઓને પણ તેમના પર આસ્થા બેઠી હતી. તો, આજે પણ લાખો શ્રદ્ધાળુઓ અહીં દર્શન ધન્યતાની અનુભૂતિ કરી રહ્યા છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles