fbpx
Friday, April 26, 2024

માતા એકાદશી સાથે બિરાજ્યા દેવી બજેશ્વરી, જાણો હિમાચલ પ્રદેશના શક્તિપીઠનો મહિમા

હિમાચલ પ્રદેશ એટલે તો જાણે ધરતી પરનું સ્વર્ગ ! અને ધરતી પરના આ સ્વર્ગમાં વિદ્યમાન થયા છે એવાં દૈવી સ્થાનકો કે જ્યાં પગ મૂકતાં જ ભક્તોના સઘળા સંતાપોનું શમન થઈ જાય છે. આજે અમારે વાત કરવી છે આદ્યશક્તિના એક એવાં જ ધામની. આ સ્થાનક એ હિમાચલ પ્રદેશનું સૌથી ભવ્ય મંદિર છે અને આ મંદિર એટલે માતા બજ્રેશ્વરીનું મંદિર. દેવી બજ્રેશ્વરીનું આ મંદિર એ હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં આવેલું છે. સ્થાનિક માન્યતા અનુસાર આ સ્થાન એ 51 શક્તિપીઠમાંથી એક છે અને કહે છે કે દેવી સતીના ખંડિત વિગ્રહનું ડાબું વક્ષસ્થળ આ જ ધરા પર પડ્યું હતું.

દેવી બજ્રેશ્વરીનું આ મંદિર એ સમુદ્રની સપાટીથી લગભગ 2350 ફૂટની ઊંચાઈ પર સ્થિત છે. ઉત્તર ભારતની નવ દેવીની દર્શન યાત્રામાં પણ માતા બજ્રેશ્વરીના દર્શનનો મહિમા છે ! કહે છે કે પ્રથમ મા વૈષ્ણોદેવી અને દ્વિતિય મા ચામુંડા બાદ ત્રીજા દર્શન માતા બજ્રેશ્વરી દેવીના જ થાય છે.

આદિશક્તિ જગદંબા અહીં પીંડી સ્વરૂપે શ્રદ્ધાળુઓને દર્શન આપી રહ્યા છે. દેવીનું આ સ્વરૂપ ખૂબ જ નાનું છે. પણ, તેના તો દર્શન માત્ર ભક્તોને પરમ ઊર્જાથી ભરી દે છે. દેવી બજ્રેશ્વરી એ દેવી વજ્રેશ્વરીના નામે પણ પૂજાય છે. તો, દેવી કાંગડામાં સ્થિત હોઈ ભક્તો તેમને ‘કાંગડા દેવી’ પણ કહે છે. આ કાંગડા એ પ્રાચીન સમયમાં ‘નગરકોટ’ના નામે ખ્યાત હતું. જેને લીધે ભક્તો દેવીને ‘નગરકોટ દેવી’ પણ કહે છે.

આ સ્થાનક સાથે અનેકવિધ પૌરાણિક કથાઓ જોડાયેલી છે. એક માન્યતા અનુસાર અસુર જાલંધરના સંહાર બાદ તેનો લોહ જેવો મજબૂત કાન આ જ ભૂમિ પર પડ્યો હતો. જેના લીધે આ સ્થાન પૂર્વે કાનગઢના નામે પ્રસિદ્ધ હતું. અને અપભ્રંશ બાદ કાંગડા નામે ખ્યાત થયું. તો, જાલંધરના અંતિમ સંસ્કાર પણ આ જ ભૂમિ પર થયા હોવાની લોકવાયકા છે. પણ, આ સ્થાનક સાથે જોડાયેલી સૌથી રસપ્રદ વાત એ છે કે અહીં ભક્તોને એકસાથે શક્તિના ત્રણ-ત્રણ સ્વરૂપોનું દર્શન થઈ રહ્યું છે.

અહીં માતા બજ્રેશ્વરી દેવી સાથે માતા ભદ્રકાળી વિદ્યમાન થયા છે. જ્યારે તે બંન્નેની વચ્ચે બિરાજમાન થયું છે માતા એકદાશીનું પીંડી સ્વરૂપ ! શક્તિના આ ત્રણ સ્વરૂપ એ લક્ષ્મી, કાલી અને સરસ્વતી સ્વરૂપા મનાય છે. સૌથી મહત્વની વાત એ છે કે માતા એકાદશીનું પીંડી સ્વરૂપ બીજે ક્યાંય જોવા નથી મળતું !

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles