fbpx
Saturday, May 25, 2024

મા અંબા ભવાની છે ગિરનાર પ્રદેશના પ્રમુખ અધિષ્ઠાત્રી, જાણો આ સ્થળને ઉદયનપીઠ કેમ કહેવાય છે?

ચૈત્રી નવરાત્રીનો રૂડો અવસર ચાલી રહ્યો છે. ત્યારે આજે, મા અંબાના એ દિવ્ય સ્વરૂપ વિશે વાત કરવી છે કે જેમના દર્શન માત્ર શ્રદ્ધાળુઓને માના પરમ વાત્સલ્યની અનુભૂતિ કરાવે છે. માનું આ રૂપ ગરવા ગઢ ગિરનાર પર બિરાજમાન થયું છે. ગિરનાર એટલે તો એ ભૂમિ કે જેના પર પૂરાં ‘33 કોટિ’ દેવી દેવતા વિદ્યમાન છે. આ એ ધરા છે કે જ્યાં ‘9 નાથ’ અને ‘84 સિદ્ધો’ના બેસણાં છે. દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ ગિરનારના સાનિધ્યે ઉમટતા જ રહે છે. સમસ્ત સંસારના કલ્યાણ અર્થે દેવાધિદેવ ‘ભવનાથ’નું રૂપ ધારણ કરી ગિરનારની તળેટીમાં વિદ્યમાન થયા છે. તો, જીવ માત્રના ઉદ્ધાર અર્થે ‘ભવાની’ રૂપ ધરી ગિરનારના ડુંગરે બિરાજ્યા છે આદ્યશક્તિ અંબા. માતા અંબા ભવાની એટલે તો ‘ગિરિ’ક્ષેત્રના અધિષ્ઠાત્રી.

ગિરનાર યાત્રાના પ્રારંભ સ્થાનને ભવનાથ તળેટી કહે છે. આ ગિરિ પર્વત પર જમીન સપાટીથી લગભગ 3300 ફૂટની ઊંચાઈ પર મા અંબાજીનું મંદિર સ્થિત છે. લગભગ 5500 પગથિયા ચઢીને શ્રદ્ધાળુઓ માના સાનિધ્યે પહોંચતા હોય છે. અલબત્, આજે માના સ્થાનકે પહોંચવા રોપ-વેની સુવિધા ઉપલબ્ધ છે. જેને લીધે ચાર કલાકનું આ અંતર માત્ર 8 મિનિટમાં જ પૂર્ણ કરી શકાય છે ! જો કે પગપાળા ચઢીને આવેલાં યાત્રીઓનો થાક પણ ગરવા ગઢ પર પહોંચતા જ જાણે દૂર થઈ જાય છે. કારણ કે અહીં શ્વેત રંગથી શોભતું મા અંબાનું મંદિર ભક્તોને પરમ ઊર્જાનો અનુભવ કરાવે છે.

અહીં ગર્ભગૃહમાં મા અંબા મુખારવિંદ રૂપે પ્રસ્થાપિત થયા છે. અત્યંત ભાવવાહિ નેત્ર સાથેનું મા અંબાનું આ સિંદૂરી સ્વરૂપ સ્વયંભૂ જ મનાય છે. તેમના દર્શન માત્ર શ્રદ્ધાળુઓને પરમશાંતિની અનુભૂતિ કરાવે છે. દંતકથા અનુસાર મહેશ્વર જ્યારે દેવી સતીના નિષ્પ્રાણ દેહને લઈને સમસ્ત બ્રહ્માંડમાં ભ્રમણ કરી રહ્યા હતા, ત્યારે શ્રીહરિએ તેમના સુદર્શન ચક્રથી સતી દેહના ટુકડા કરી દીધાં. માન્યતા એવી છે કે તે સમયે માના ઉદરનો ભાગ આ જ ભૂમિ પર પડ્યો હતો ! જેને લીધે આ સ્થાન ઉદયનપીઠના નામે પ્રસિદ્ધ થયું.

ગિરનાર પર અંબા પ્રાગટ્ય

પ્રચલિત કથા અનુસાર એકવાર બ્રહ્માજીએ મહેશ્વરને સંસારમાં રહી સંસારીઓનું દુ:ખ દૂર કરવાની પ્રાર્થના કરી. કહે છે કે બ્રહ્માજીની પ્રાર્થનાથી પ્રસન્ન થઈ મહાદેવે સૃષ્ટિ પર નજર નાંખી. વનરાજીથી ભરેલો ઊર્જયંત પર્વત એટલે કે આજનો ગિરનાર પર્વત મહાદેવના મનમાં વસી ગયો. મહાદેવ જોગી રૂપે ગિરનારમાં પ્રગટ થયા અને તપસ્યામાં લીન થઈ ગયા. કહે છે કે તે સમયે માતા પાર્વતી પણ આ ગિરનાર પર્વત પર આવી તપસ્યામાં લીન થયા હતા. ત્યારબાદ દેવતાઓની પ્રાર્થનાથી મહાદેવ ભવનાથ રૂપ ધરી ગિરનારની તળેટીમાં વિદ્યમાન થયો. તો માતા પાર્વતી ભવાની રૂપ ધરી ગિરનારના ડુંગરે પ્રસ્થાપિત થયા.

આદ્યશક્તિના આ દિવ્ય રૂપનું તો સાનિધ્ય માત્ર શ્રદ્ધાળુઓને પરમશાંતિની અનુભૂતિ કરાવનારું મનાય છે. એટલે જ મા અંબાનો દરબાર દિવસ-રાત બોલ માડી અંબેના નાદથી ગુંજતો રહે છે. કહે છે કે અહીં આસ્થા સાથે આવનારને ક્યારેય નિરાશ નથી કરતા મા અંબા.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles