fbpx
Tuesday, June 25, 2024

એક ચપટી સિંદૂર બદલશે તમારું ભાગ્ય! જાણો આ હનુમાન જયંતિ પર પવનસુતની કૃપા કેવી રીતે મેળવવી?

ચૈત્ર સુદ પૂર્ણિમાનો દિવસ એ હનુમાનજીનો પ્રાગટ્ય દિવસ મનાય છે. આ દિવસની ભક્તો હર્ષ સાથે ઉજવણી કરે છે. વ્રત અને ઉપવાસ પણ રાખે છે. ખાસ, વાત એ છે કે આ વર્ષે આ તિથિ શનિવારના રોજ જ આવી રહી છે ! આ વખતે હનુમાન જયંતી તારીખ 16 એપ્રિલ, શનિવારના રોજ છે. શનિવાર એ હનુમાન કૃપા પ્રાપ્ત કરાવતો દિવસ છે.

અને એમાં પણ આ વખતે શનિવારે જ હનુમાન જયંતી છે. કહે છે કે આ શુભ સંયોગમાં કરવામાં આવનારા પ્રયોગ વ્યક્તિના ભાગ્ય આડેના તમામ વિઘ્નોને દૂર કરી દેશે. એટલું જ નહીં, તેને સવિશેષ લાભની પ્રાપ્તિ પણ કરાવશે. ત્યારે આવો આજે કેટલાંક આવા જ ઉપાયો વિશે જાણીએ.

પવનસુતને પ્રસન્ન કરવા ભક્તો વિવિધ ઉપાયો અજમાવતા જ હોય છે. પણ, આજે કેટલાંક એવાં ઉપાયોની વાત કરવી છે કે જે સિંદૂર સાથે જોડાયેલા છે. એટલું જ નહીં, તે એટલા અસરકારક છે કે એક ચપટી સિંદૂર માત્રથી આપનું ભાગ્ય પણ બદલાઈ જશે !

ભયમુક્તિ અર્થે

હનુમાનજીના પ્રાગટ્ય દિવસે એક ચપટી સિંદૂર લઈ તેમાં ઘી મિશ્રિત કરો. ત્યારબાદ કોઈ હનુમાન મંદિરમાં જઈ હનુમાન પ્રતિમાને તેનું તિલક કરો. તમે ઘરમાં રાખેલ હનુમાનજીને આ સિંદૂરથી લેપ પણ કરી શકો છો. કહે છે કે આ પ્રયોગથી હનુમાનજી પ્રસન્ન થશે. સાથે જ તેમના ભક્તોને ભય તેમજ સમસ્યાઓથી મુક્તિના આશિષ પ્રદાન કરશે.

સમસ્યાઓથી મુક્તિ અર્થે

અણધારી સમસ્યાઓ અને મુસીબતોથી બચવા માટે હનુમાન જયંતીથી લઈ સળંગ 5 શનિવાર કે સળંગ 5 મંગળવાર સુધી આ પ્રયોગ કરો. પવનસુતને ચમેલીનું તેલ અને સિંદૂર અર્પણ કરો. તેમજ પ્રભુને ગોળ ચણાનો ભોગ લગાવીને ગરીબોમાં વહેંચી દો. આ પ્રયોગથી વિવિધ સમસ્યાઓથી મુક્તિની પ્રાપ્તિ થવાની માન્યતા છે.

રોજગાર અર્થે

જેમને નોકરીની મનશા છે તેવી વ્યક્તિએ હનુમાન જયંતીએ હનુમાનજીના ચરણોમાં સિંદૂર લગાવવું જોઈએ. સાથે જ એક સફેદ કાગળ પર સિંદૂરથી સ્વસ્તિક બનાવવો જોઈએ. કહે છે કે આ કાગળ વ્યક્તિએ હંમેશા જ પોતાની પાસે રાખવો જોઈએ. તેનાથી આપની દરેક સમસ્યાઓ દૂર થઈ જશે.

ધન પ્રાપ્તિ અર્થે

ચૈત્ર સુદ પૂનમે સરસવના તેલમાં સિંદૂર મેળવીને પહેલા હનુમાનજીને લગાવવું. આ કાર્ય પછી ઘરમાં મુખ્ય દ્વારથી શરૂ કરીને દરેક જગ્યાના દરવાજા પર સ્વસ્તિકનું ચિન્હ બનાવવાથી ઘરની નકારાત્મક ઊર્જા દૂર થાય છે. એટલું જ નહીં, ઘરમાં કોઇપણ પ્રકારની નકારાત્મક ઊર્જા પ્રવેશતી અટકી જાય છે અને સાથે જ ઘરની ધન સંપત્તિમાં વૃદ્ધિ થાય છે.

ઋણમુક્તિ અર્થે

દેવામાંથી મુક્તિ અર્થે આ પ્રયોગ અત્યંત ફળદાયી મનાય છે. ચમેલીના તેલમાં સિંદૂર મિશ્રિત કરો. પોતાની ઉંમર અનુસાર પીપળાના ઝાડના પાન લો અને તેના પર તે તેલ મિશ્રિત સિંદૂરથી રામનું નામ લખો. ત્યારબાદ તે પાન હનુમાનજીને અર્પિત કરી દો. કહે છે કે તેનાથી વ્યક્તિને ઝડપથી જ દેવામાંથી મુક્તિ મળી જાય છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles