fbpx
Saturday, April 27, 2024

માધવપુરમાં આજે ધુળેટીનો માહોલ ! અહીં જાણો કેવી રીતે નવવધુ રુકમણીના વધામણાં થાય છે ?

મધુવંતી ને વન મધુ, ત્રીજા દરિયાલાલ ।
મધમીઠાં જીવતર તિંહા, જિહાં માધવ પરમ કૃપાલ ।।

પોરબંદર જિલ્લાના પોરબંદર તાલુકામાં આવેલું માધવપુર ઘેડ એટલે તો શ્રીકૃષ્ણના રંગે રંગાયેલું ગામ. આ માધવપુર એટલે તો સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું વૃંદાવન ! સૌને ઘેલું લગાડનાર માધવરાયની નગરી એટલે જ માધવપુર.

કહે છે કે આ એ જ નગરી છે કે જ્યાં શ્રીકૃષ્ણ અને દેવી રુકમણીના વિવાહ થયા હતા. એ જ કારણ છે કે અહીં દર વર્ષે ચૈત્ર સુદ નવમીથી લઈ ચૈત્ર સુદ તેરસ સુધી મેળાનું આયોજન થાય છે. જે વિશ્વના સૌથી મોટા વિવાહોત્સવ તરીકે ઓળખાય છે.

પાંચ દિવસ ચાલાનારા આ વિવાહ ઉત્સવમાં ચૈત્ર સુદ નોમ, દશમ અને અગિયારસ એમ ત્રણ દિવસ સુધી રાત્રે માધવરાયજીનું ફૂલેકું નીકળે છે અને રાસ-ગરબાની રમઝટ જામે છે. ચૈત્ર સુદ બારસની રાત્રીએ મધુવનમાં માધવરાય વિધિવત દેવી રુકમણી સાથે વિવાહ કરે છે. જો કે આ વિવાહ જેવો જ અદકેરો માહોલ તો માધવપુરમાં જોવા મળે છે ચૈત્ર સુદ તેરસના દિવસે.

ચૈત્ર સુદ તેરસના રોજ સમગ્ર માધવપુર નવવધુના વધામણાં કરવા ઉમટી પડે છે. અહીં માધવ અને રુકમણી યુગલ સ્વરૂપે ભક્તોને દર્શન દે છે. લોકો દેવી રુકમણિનું મુખ જોઈને તેમને ચાંદલો કરે છે. તેમના ઓવારણાં લે છે. આ વિધિ ટીલાની વિધિ તરીકે પ્રસિદ્ધ છે. અને આ જ વિધિ બાદ માધવરાયજી દેવી રુકમણિ સાથે નીજધામ એટલે કે માધવરાયજીના મંદિરમાં પ્રસ્થાન કરે છે.

આ રૂડા અવસરે માધવપુરની ગલીઓમાં એટલો તો ગુલાલ ઉડે છે કે આખુંય ગામ ગુલાબી રંગનું જ ભાસે છે. પાલખીમાં સવાર થયેલા માધવરાય અને દેવી રુકમણી આ ગુલાબી જાજમ પરથી પસાર થઈને જ નીજ મંદિરે પહોંચે છે. કહેવાય છે કે ગુલાલનો આ રંગ ચોમાસાના પહેલાં વરસાદ બાદ જ ધોવાય છે ! આનંદની આ હેલીમાં સૌ કોઈ મન મુકીને ઝૂમતા રહે છે. લોકો માધવરાયના પોંખણાના સ્થાન પર પણ ગુલાલ ઉડાડી શુભત્વની કામના કરે છે. અને મનશા અભિવ્યક્ત કરે છે કે પુન: ઝટ આવે માધવ-રુકમણીના વિવાહનો આ રૂડો અવસર.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles