fbpx
Monday, May 20, 2024

ગુરુવારે વર્ષની અંતિમ સંકષ્ટી ચતુર્થી, આ રીતે મેળવો ગણેશજીની કૃપા!

આસો મહિનો પૂર્ણાહુતિ તરફ આગળ વધી રહ્યો છે, અને તે સાથે જ ગુજરાતી વર્ષ વિ.સં. 2078 પણ સમાપ્તિને આરે છે. પણ, વર્ષની સમાપ્તિ પૂર્વે ફળપ્રાપ્તિનો સર્વોત્તમ અવસર એટલે સંકષ્ટી ચતુર્થીનું વ્રત. આ વર્ષની અંતિમ સંકષ્ટી તિથિ 13 ઓક્ટોબર, ગુરુવારના રોજ છે. દર મહિનાની વદ પક્ષની ચતુર્થી તિથિ સંકષ્ટી તરીકે ઓળખાય છે.

અને આ દિવસે શ્રીગણેશનું વ્રત કરવામાં આવે છે. તેના નામની જેમ જ જીવનના તમામ સંકટોનો નાશ કરનારું છે સંકષ્ટી ચતુર્થીનું વ્રત. ત્યારે આવો જાણીએ કે આવનારું નવું વર્ષ સુખમય બને તે માટે આસો માસની સંકષ્ટીનું વ્રત કઈ રીતે કરવું જોઈએ.

વ્રતની વિધિ

⦁ વ્રતના દિવસે સૂર્યોદય પૂર્વે જ ઉઠીને નિત્યકર્મથી પરવારી જવું. અને ત્યારબાદ ઘરના મંદિર સન્મુખ બેસીને સંકષ્ટી વ્રતનો સંકલ્પ લેવો.

⦁ શક્ય હોય તો આ દિવસે લાલ રંગના વસ્ત્ર ધારણ કરવા. તે સવિશેષ ફળદાયી બની રહેશે.

⦁ આસ્થા સાથે ગણેશપૂજાનો પ્રારંભ કરવો. પૂજન સમયે વ્રત કરનારે તેનું મુખ પૂર્વ અથવા તો ઉત્તર દિશા તરફ રાખવું જોઈએ.

⦁ ગણેશજીને સ્નાન કરાવી લાલ રંગના વસ્ત્ર ધારણ કરાવવા. પુષ્પમાં ગજાનનને જાસૂદ પ્રિય હોઈ જાસૂદનું પુષ્પ અથવા લાલ ગુલાબ અર્પણ કરવા.

⦁ આજે પ્રભુને દૂર્વા જરૂરથી અર્પણ કરવી. કારણ કે દૂર્વાથી એકદંતા સવિશેષ પ્રસન્ન થાય છે. અને ભક્તના મનોરથોને સિદ્ધ કરી દે છે.

⦁ ગજાનને ધૂપ, દીપ અર્પણ કરવા.

⦁ નૈવેદ્યમાં શ્રીગણેશને મોદક અર્પણ કરવા અથવા ગોળ-તલના લાડુનો ભોગ પણ ધરાવવો.

⦁ આસ્થા સાથે વક્રતુંડની પૂજા કર્યા બાદ તેમના નીચે જણાવેલ મંત્રનો 108 વખત જાપ કરવો.

ફળદાયી મંત્ર

ગજાનનં ભૂત ગણાદિ સેવિતં,

કપિત્થ જમ્બૂ ફલ ચારૂ ભક્ષણમ્ ।

ઉમાસુતં શોક વિનાશકારકમ્,

નમામિ વિઘ્નેશ્વર પાદ પંકજમ્ ।।

⦁ વ્રત કરનારે સમગ્ર દિવસ ઉપવાસ રાખવો. શક્ય હોય તો ફરાળી મીઠાનો કે સિંધાલૂણનો ઉપયોગ પણ ટાળવો. અને ભોજનમાં માત્ર ફળ જ ગ્રહણ કરવા.

⦁ સાંજના સમયે ચંદ્રોદય પૂર્વે પુનઃ ઉપરોક્ત વિધિથી ગજાનનની પૂજા કરો અને શક્ય હોય તો પ્રભુને ચુરમાના લાડુ અર્પણ કરો.

⦁ રાત્રે ચંદ્રોદય બાદ ચંદ્રદેવને જળ અર્પણ કરી તેમની પૂજા કરવી. અને પછી જ ભોજન ગ્રહણ કરીને વ્રતની સમાપ્તિ કરવી.

ફળપ્રાપ્તિ

⦁ સંકષ્ટીનું વ્રત અનેકવિધ ફળની પ્રાપ્તિ કરાવનારું છે. પણ, સર્વ પ્રથમ તો આ વ્રત કરનારના જીવનમાંથી સમસ્ત પ્રકારના સંકટોનું જ શમન થઈ જાય છે. કારણ કે સંકષ્ટી ચતુર્થીનો અર્થ જ છે “સંકટોને હરનારી ચતુર્થી !”

⦁ સંકષ્ટીએ ગજાનનનું વ્રત કરવાથી ઘરમાંથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે. પરિવારમાં પણ સકારાત્મક વિચારોની વૃદ્ધિ થાય છે અને ઘરમાં શાંતિ સ્થિર થાય છે.

⦁ આ વ્રતના પ્રભાવથી વ્યક્તિને આર્થિક સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. કારણ કે, ગજાનન ગણેશ જ તો રિદ્ધિ અને સિદ્ધિના દાતા છે.

⦁ સંકષ્ટીનું વ્રત એ વ્યક્તિની સઘળી મનોકામનાઓને પૂર્ણ કરનારું વ્રત છે. અલબત્, કોઈ ખાસ ઈચ્છા સાથે જો આ વ્રત કરી રહ્યા હોવ તો તે ઈચ્છા પ્રભુની સન્મુખ જરૂરથી મૂકવી.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles