fbpx
Monday, May 20, 2024

નવા વર્ષના દિવસે ગોવર્ધન પૂજા અને અન્નકૂટનું શું મહત્વ છે? પૂજા કેવી રીતે કરવી તે જાણો

નૂતન વર્ષ એટલે કે કારતક સુદ એકમના દિવસે ભક્તો મંદિરમાં ભગવાનના દર્શન કરીને નવા વર્ષની શરુઆત કરે છે. જેમાં ગોવર્ધન પર્વતની પૂજાના દર્શન ભક્તો અવશ્ય કરતા હોય છે પણ શુ તમે જાણો છો કે ગોવર્ધન પર્વતની પૂજાથી ધન-ધાન્યના આશીર્વાદ મળે છે. દિવાળીના પાંચ મુખ્ય તહેવારોમાં ગોવર્ધન પૂજા અને અન્નકૂટ એ ચોથો મુખ્ય તહેવાર છે.

ગોવર્ધન પર્વતની વિશેષ પૂજા તમામ પ્રકારની મુશ્કેલીથી બચાવે છે.

ગોવર્ધન પૂજા પાછળની કથા

દ્વાપર યુગમાં ભગવાન શ્રીકૃષ્ણએ ગોવર્ધન પર્વતને પોતાની ટચલી આંગળીથી ઊચકીને ગ્રામજનોને ઇન્દ્ર દેવના પ્રકોપથી બચાવ્યા હતા અને દેવોના રાજા ઇન્દ્રના અભિમાનને તોડ્યું હતું. ત્યારથી ગોવર્ધન પર્વતને શ્રીકૃષ્ણનું સ્વરૂપ માનીને તેની પૂજા કરવામાં આવે છે. જ્યારથી આ પૂજા શરુ કરવામાં આવી ત્યારથી ધન-ધાન્યના આશીર્વાદ આપતી આ પૂજા અવિરત ચાલી રહી છે. ગોવર્ધન મહારાજની પૂજા કરવાથી ઘરમાં ક્યારેય અન્ન અને ધનની કમી નથી રહેતી અને ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદ રહે છે. ભગવાન શ્રીકૃષ્ણના ગોવર્ધન સ્વરૂપની કૃપાથી તમામ પ્રકારની કુદરતી આફતોથી પણ રક્ષણ મળે છે.

કેવી રીતે બનાવશો ગોવર્ધન પર્વત

સૌ પ્રથમ ગાયનું છાણ લાવીને તેને ગોવર્ધન પર્વતનો આકાર આપવો. નાનો ગોવર્ધન પર્વત બનાવી અને આ ગોવર્ધન પર્વતની વિધિપૂર્વક પૂજા કરો. જો તમને ગાયનું છાણ ન મળે તો તમે તેની જગ્યાએ ઘઉં કે ચોખાના ઢગલાને ગોવર્ધન પર્વતનો આકાર આપીને પૂજા કરી શકાય.

ભગવાન ગોવર્ધનની પૂજાની વિધિ

ગોવર્ધન પર્વત બનાવ્યા પછી, શુદ્ધ થઈને તમારા આસન પર બેસો. ત્યારબાદ ગોવર્ધન પર્વતની આસપાસ હળદર અને કુમકુમની પેસ્ટ બનાવીને ત્રણ ગોળ બનાવો. આ વર્તુળની બહાર આઠ દિશાઓમાં આઠ સ્વસ્તિક બનાવો. ‘ઓમ હ્રીં હ્રીં ગોવર્ધનાય ભદ્રાય ઐં ઓમ નમઃ’ મંત્રનો જાપ કરતી વખતે દરેક સ્વસ્તિક અને ગોવર્ધન પર્વત પર એક-એક ફૂલ ચઢાવો. આ પછી ભગવાન ગોવર્ધનની સામે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો અને ધૂપ-દીપ પ્રગટાવી પૂજા કરો.

ગોવર્ધન પરિક્રમાનું મહત્વ

ધૂપ-દીપ કર્યા પછી, ‘ઓમ હ્રીં હ્રીં ગોવર્ધનાય ભદ્રાય ઐં ઓમ નમઃ’ મંત્રનો જાપ કરતી વખતે ગોવર્ધન ભગવાનની આસપાસ નાળાછળી લપેટી તેમાં ત્રણ ગાંઠ બાંધો. ત્યારબાદ તેમને નૈવેદ્ય તરીકે ફળ, પતાશા વગેરે અર્પણ કરો. સાથે જ અન્નકૂટ પણ અર્પણ કરો. આ પછી, ‘ઓમ હ્રીં હ્રીં ગોવર્ધનાય ભદ્રાય ઐં ઓમ નમઃ’ મંત્રનો જાપ કરતી વખતે, ભગવાન શ્રીકૃષ્ણને યાદ કરો અને ગોવર્ધન મહારાજની પરિક્રમા કરો. પૂજા પૂર્ણ થયા પછી, તમારી સંપત્તિ અને અન્નના આશીર્વાદ અને કુદરતી આફતથી રક્ષણ માટે પ્રાર્થના કરો અને ગોવર્ધન મહારાજનો પ્રસાદ શક્ય તેટલા લોકોને વહેંચો.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles