fbpx
Sunday, May 12, 2024

ઉત્તરકાશીમાં વિશ્વનું સૌથી રહસ્યમય ત્રિશૂળ! ઘણા સંશોધનો પછી પણ તેનું રહસ્ય અકબંધ છે!

ભારતનું ઉત્તરાખંડ રાજ્ય એ દેવભૂમિ તરીકે ખ્યાત છે. તે હરિ-હરના દિવ્ય રૂપના દર્શનની ભૂમિ છે. આમ તો આ ધરા નાના ચારધામ માટે પ્રસિદ્ધ છે. પણ, અહીં એવાં અનેક શિવમંદિરો વિદ્યમાન છે કે જેની સાથે મહેશ્વરની અદભુત પૌરાણિક કથાઓ જોડાયેલી છે. તેમાંથી જ એક છે ઉત્તરકાશી ! ઉત્તર પ્રદેશના વારાણસી એટલે કે કાશીની મહત્તા તો સૌ કોઈ જાણે છે.

પણ, કહે છે કે આ કાશીના દર્શન સમાન જ પુણ્યની પ્રાપ્તિ કરાવનારા છે ઉત્તરકાશીમાં વિદ્યમાન કાશી વિશ્વનાથ મહાદેવ ! પણ, અમારે તો આજે કરવી છે આ મહાદેવના સાનિધ્યે સ્થાપિત એક રહસ્યમય ત્રિશૂળની વાત.

શિવની ‘શક્તિ’ !

ઉત્તરકાશીમાં વિદ્યમાન કાશી વિશ્વનાથનું મંદિર એ મૂળે તો શિવ-શક્તિના એકસાથે આશીર્વાદની પ્રાપ્તિ કરાવતું સ્થાનક છે. અહીં એક તરફ જ્યાં દેવાધિદેવ ‘કાશી વિશ્વનાથ’ રૂપે બિરાજમાન થયા છે. ત્યાં જ, તેમની બરાબર સામે મંદિરના પરિસરમાં એક શક્તિ સ્થાનક શોભાયમાન છે. કે જ્યાં એક વિશાળ ત્રિશૂળની સ્થાપના કરવામાં આવી છે. મંદિરનું આ ત્રિશૂળ શક્તિ સ્વરૂપા મનાય છે ! કહે છે કે ત્રિશૂળના રૂપમાં સ્વયં પાર્વતી જ અહીં બિરાજમાન થયા છે !

રહસ્યમય ત્રિશૂળ !

આ ત્રિશૂળ એ વિશ્વનું સૌથી દુર્લભ ત્રિશૂળ મનાય છે. એટલું દુર્લભ કે જેવું બીજે ક્યાંય જોવા નથી મળતું ! આ ત્રિશૂળની ઊંચાઈ લગભગ 26 ફૂટ જેટલી છે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે કોઈ બે હાથે આ ત્રિશૂળને હલાવવાનો પ્રયત્ન કરે, તો તે હલતું સુદ્ધા નથી ! પણ, જો કોઈ મા આદ્યશક્તિના સ્મરણ સાથે ત્રિશૂળને એક આંગળી પણ અડાડી દે તો ત્રિશૂળમાં કંપન થવા લાગે છે ! પ્રચલિત કથા અનુસાર અસુર મહિષનો વધ કર્યા બાદ મા દુર્ગાએ તેમના ત્રિશૂળને ધરતી પર ફેંકી દીધું હતું. જે ઉત્તરકાશીના આ જ સ્થાન પર આવીને પડ્યું. અને પછી એક શક્તિ સ્તંભના રૂપમાં ત્રિશૂળની પૂજાનો પ્રારંભ થયો. એક માન્યતા અનુસાર આ ત્રિશૂળનું નિર્માણ રાજા ગણેશ્વરના પુત્ર ગુહે કરાવડાવ્યું હતું.

અનેકવાર સંશોધન !

કથા જે પણ હોય, પરંતુ, હકીકત એ છે કે આ ત્રિશૂળ પર અનેકવાર સંશોધન થઈ ચૂક્યું છે. પણ, નવાઈની વાત એ છે કે ત્રિશૂળ કઈ ધાતુમાંથી નિર્મિત છે તે આજ દિન સુધી જાણી શકાયું નથી. એટલું જ નહીં, ત્રિશૂળ જ્યાં સ્થાપિત છે તે સ્થાનને અનેકવાર ખોદવા છતાં ત્રિશૂળનો અંતિમ ભાગ ક્યારેય મળ્યો જ નથી ! લોકમાન્યતા એવી છે કે ત્રિશૂળ તો શેષનાગના મસ્તક પર ઉભેલું છે. વાસ્તવમાં ત્રિશૂળની આ જ મહત્તા આ સ્થાનક પ્રત્યેની ભક્તોની આસ્થાને વધુ દ્રઢ કરે છે.

(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles