fbpx
Friday, May 17, 2024

આનંદના ગરબાની રચના અહીં થઈ હતી! જાણો માગશર સુદ બીજના ‘રાસ-રોટલી’ પ્રસાદનો મહિમા

આજે માગશર સુદ બીજનો રૂડો અવસર છે. માગશર માસના શુક્લ પક્ષની આ તિથિએ માતા બહુચરની આરાધનાનો સવિશેષ મહિમા છે. કહે છે કે તે માગશર સુદી બીજ જ હતી કે જ્યારે મા બહુચરે તેમના ભક્તની લાજ રાખવા માટે સ્વયં ભક્તનું જ રૂપ ધારણ કર્યું હતું. એટલું જ નહીં, ભર શિયાળે માએ કેરીના રસથી ભક્તની આખી નાત પણ જમાડી હતી !

માતાના આ પરમ ભક્ત એટલે વલ્લભ ભટ્ટ. આવો, આજે આપને એ જણાવીએ કે આ ઘટના ક્યાં બની હતી ? અને માએ શા માટે ભક્તનું રૂપ ધારણ કરવું પડ્યું હતું ?

નવાપુરાના જૂના બહુચર ધામ

અમદાવાદના ગીતામંદિર રોડ પર નવાપુરાના જૂના બહુચરધામ આવેલું છે. આ સ્થાનક એ અમદાવાદનું સૌથી પ્રાચીન બહુચરધામ મનાય છે. દંતકથા એવી છે કે દંઢક નામના અસુરના સંહાર માટે આદ્યશક્તિએ બાળા ત્રિપુર સુંદરી રૂપ ધારણ કર્યું હતું. આ બાળા ત્રિપુર સુંદરી એટલે જ મા બહુચર. કહે છે કે પૌરાણિક કાળના દંઢકારણ્ય એટલે કે ગુજરાતના પ્રસિદ્ધ બહુચર ધામમાં માએ દંઢકનો સંહાર કર્યો. અને પછી અમદાવાદના નવાપુરાના બહુચર ધામમાં મા પધાર્યા હતા. માએ અહીંના માન સરોવરમાં શસ્ત્રનો ત્યાગ કરીને વિશ્રામ કર્યો હતો.

આનંદના ગરબાની રચના !

વલ્લભ ભટ્ટ એ મા બહુચરના પરમ ભક્ત હોવાનું તો સૌ કોઈ જાણે છે. પણ, ઘણાં ઓછાને એ ખ્યાલ હશે, કે વલ્લભ ભટ્ટને નવાપુરાના બહુચર મંદિરમાં જ મા બહુચરાનો પ્રથમ સાક્ષાત્કાર થયો હતો ! એટલું જ નહીં, આ જ મંદિરમાં માત્ર 11 વર્ષની ઉંમરે વલ્લભ ભટ્ટે આનંદના ગરબાની રચના કરી હતી !

રસ-રોટલીનો પ્રસાદ !

વિશ્વમાં જ્યાં પણ મા બહુચરનું ધામ હશે ત્યાં માગશર સુદ બીજના દિવસે માને ચોક્કસથી રસ રોટલીનો ભોગ લગાવાય જ છે. અને પછી તેને જ પ્રસાદ રૂપે ભક્તોને વહેંચાય છે. માગશર સુદ બીજે આ પ્રસાદ આપવાની પ્રથા કેવી રીતે શરૂ થઈ તેની સાથે માના પરમ ભક્ત વલ્લભ ભટ્ટનો જ નાતો જોડાયેલો છે. દંતકથા અનુસાર મેવાડા બ્રાહ્મણ એવાં વલ્લભ ભટ્ટ અને તેમના ભાઈ ધોળાને તેમની જ્ઞાતિના બ્રાહ્મણોએ એકવાર મેણું માર્યું કે, “અરે વલ્લભધોળા ! જ્ઞાતિ ભોજનમાં આવીને જમી તો જાવ છો. પણ, ક્યારેક તમેય જ્ઞાતિભોજન કરાવો.”

વલ્લભ ભટ્ટ હજુ કંઈ સમજે અને કંઈ બોલે તે પહેલાં જ એક બ્રાહ્મણ બોલી ઉઠ્યા કે, “અરે વલ્લભજી તો આખીયે નાતને જમાડશે. અને એય પાછું આ માગશર સુદ બીજે રસ-રોટલીનું જમણ કરાવશે.” જ્ઞાતિજનોએ સામેથી જ નાત માટેનો દિવસ અને ભોજન સામગ્રી નક્કી કરી દીધી. વલ્લભ ભટ્ટને ચિંતા સતાવવા લાગી કે હવે કરવું શું ? પણ, જેના માથે સ્વયં મા બહુચરાનો હાથ હોય તેના જીવનમાં ભલાં શું અશક્ય હોવાનું !

માગશર સુદ બીજનો દિવસ આવ્યો. વલ્લભ ભટ્ટને થયું કે હું તો ગરીબ બ્રાહ્મણ અને એમાંય ભર શિયાળે કેરીનો રસ ક્યાંથી આવે ! બપોરનો સમય થયો. વલ્લભજી તો મંદિરમાંથી નીકળી સાબરમતી નદીના કિનારે પહોંચ્યા. અને માના નામનું સ્મરણ કરવામાં લીન થઈ ગયા. કહે છે કે તે સમયે મા બહુચર સ્વયં ‘વલ્લભ’ રૂપે અને નારસીંગ દાદા ‘ધોળા’ રૂપે નવાપુરાની ભૂમિ પર આવ્યા. અને મેવાડા બ્રાહ્મણની આખીયે નાતને રસરોટલીનું જમણ કરાવ્યું. લોકોએ તો વલ્લભ-ધોળાની મજાક કરવા રસની માંગ મૂકી હતી. પણ, માએ તો સ્વયં ભક્તનું રૂપ ધરી ભક્તની લાજ રાખી.

નાત જમીને પાછી ફરી ત્યારે તેમને વલ્લભ-ધોળા સામે મળ્યા. અને આખીયે ઘટનાની જાણ થઈ. વલ્લભ-ધોળાએ મા બહુચરનો આભાર માન્યો. તો બીજી તરફ જ્ઞાતિજનોએ તેમની ભૂલ બદલ વલ્લભ-ધોળાની માફી માંગી. અને તે ખરેખર માના પરમ ભક્ત હોવાનો સ્વીકાર કર્યો. ભક્તની લાજ રાખવા જે દિવસે મા બહુચર ભક્તના જ રૂપે આ ભૂમિ પર પધાર્યા તે દિવસ હતો માગશર સુદ બીજનો. અને એ જ કારણ છે કે આ દિવસે ગુજરાતના તમામ બહુચર મંદિરોમાં મહાઉત્સવનું આયોજન થાય છે. અને માને રસ-રોટલીનો ભોગ લગાવી તેને પ્રસાદ રૂપે વહેંચવામાં આવે છે.

(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles