fbpx
Saturday, April 27, 2024

શ્રીવિષ્ણુને આમલકી એકાદશીએ આંબળા અર્પણ કરવાનો મહિમા શા માટે છે? જાણો એકાદશીની રસપ્રદ કથા

ફાગણ માસના સુદ પક્ષમાં આવતી એકાદશી તિથિને આમલકી એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આ વખતે એકાદશી તિથિ પર વૃદ્ધિ તિથિ છે. જે અનુસાર 2 માર્ચ, ગુરુવારે સ્માર્ત એકાદશી અને 3 માર્ચ, શુક્રવારે વૈષ્ણવ એકાદશી ઉજવાશે. આમલકી એકાદશીમાં શ્રીવિષ્ણુની પૂજા સાથે આંબળાના વૃક્ષની પૂજાનું પણ મહત્વ રહેલું છે.

એમાં પણ આ વર્ષે એકાદશી અત્યંત શુભ સંયોગ સાથે આવી રહી છે. ત્યારે આવો જાણીએ કે આ એકાદશી સાથે આંબળાનું આટલું મહત્વ શા માટે જોડાયેલું છે. અને આ દિવસે કઈ વિધિ અનુસાર વ્રત કરવાથી સવિશેષ લાભની થશે પ્રાપ્તિ ?

આમલકી એકાદશી તિથિ

ફાગણ સુદ એકાદશી

શુભ યોગ

આ વર્ષે આમલકી એકાદશીએ 3 શુભ યોગ બની રહ્યા છે. આ ત્રણ શુભ યોગ એટલે સર્વાર્થ સિદ્ધિ યોગ, સૌભાગ્ય યોગ અને શોભન યોગ. માન્યતા અનુસાર આ શુભ યોગમાં એકાદશીનું વ્રત કરવાથી સવિશેષ લાભની પ્રાપ્તિ થાય છે.

આમલકી એકાદશીની કથા

શાસ્ત્રો અનુસાર ‘આમલકી’ એકાદશીને ‘આંબાળા’ સાથે જોડવામાં આવે છે. આ દિવસે આંબળાના વૃક્ષની પૂજા કરવાનો મહિમા છે. એક માન્યતા અનુસાર આંબળાના દરેક અંગમાં દેવતાઓનો વાસ છે. પ્રચલિત કથા અનુસાર શ્રીહરિની નાભિમાંથી કમળ ખીલ્યું અને તેમાંથી પરમપિતા બ્રહ્માજીનું પ્રાગટ્ય થયું. સ્વયંના પ્રાગટ્યનું સત્ય જાણવા બ્રહ્માજીએ વર્ષો સુધી તપસ્યા કરી અને આખરે, તેમના તપથી પ્રસન્ન થઈ શ્રીવિષ્ણુ પ્રગટ થયા. તે સમયે બ્રહ્માજીની આંખમાંથી આંસુ સર્યા અને તે અશ્રુબિંદુમાંથી જ આંબળાના વૃક્ષનું પ્રાગટ્ય થયું !

શાસ્ત્ર અનુસાર આંબળાના વૃક્ષના પ્રાગટ્યના તે દિવસે ફાગણ સુદ એકાદશીની તિથિ હતી. કહે છે કે તે સમયે સ્વયં શ્રીવિષ્ણુએ બ્રહ્માજીને આશિષ પ્રદાન કરતા કહ્યું કે, “આ વૃક્ષ તમારા અશ્રુઓમાંથી ઉત્પન્ન થયું છે, એટલે તેમાં તમામ દેવતાઓ નિવાસ કરશે. તેનું દરેક અંગ પૂજનીય બનશે. ફાગણ સુદ એકાદશીએ જે વ્યક્તિ આ વૃક્ષ નીચે મારી પૂજા કરશે અથવા મને તેનું ફળ અર્પણ કરશે તેને જન્મ-મરણના ફેરામાંથી મુક્તિ મળી જશે.”

રંગભરી એકાદશી

આમ તો એકાદશીનો અવસર એ શ્રીવિષ્ણુની પૂજા કરવાનો અવસર હોય છે. પણ, આમલકી એકાદશી એ એકમાત્ર એવી એકાદશી છે કે જે દિવસે શિવ અને પાર્વતી બંન્નેની પૂજા કરવાનું પણ વિધાન છે. આ દિવસે શિવ-પાર્વતીને હોળી રમાડવામાં આવે છે. જેને લીધે જ આ એકાદશી રંગભરી એકાદશીના નામે પણ ઓળખાય છે.

આમલકી એકાદશી 2023

⦁ આમલકી એકાદશીના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઊઠીને સ્નાનાદિ કાર્યથી નિવૃત થઈ સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો.

⦁ ભગવાન વિષ્ણુનું ધ્યાન ધરીને વ્રતનો સંકલ્પ લો.

⦁ આ દિવસે આસ્થા સાથે ભગવાન વિષ્ણુની પૂજા કરવી. અને આ પૂજા દરમિયાન તેમને આંબળા જરૂરથી અર્પણ કરવા.

⦁ આમલકી એકાદશીએ આંબળાના ઝાડમાં ધૂપ, દીપ, ચંદન, કુમકુમ, પુષ્પ તેમજ અક્ષત અર્પણ કરવા.

⦁ કોઇ ગરીબ, જરૂરિયાતમંદ કે બ્રાહ્મણને પોતાના સામર્થ્ય અનુસાર ભોજન કરાવવું.

⦁ શક્ય હોય તો કોઈ બ્રાહ્મણને કળશ, વસ્ત્ર અને આંબળાનું દાન કરવું જોઇએ.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles