fbpx
Saturday, April 27, 2024

આ નિયમો સાથે દુર્ગા સપ્તશતીનો પાઠ કરશો તો માતા દુર્ગા આપશે આશીર્વાદ!

ચૈત્રી નવરાત્રીના અવસરે મા દુર્ગાના સપ્તશતીના પાઠ કરવાની સવિશેષ મહત્તા છે. માન્યતા છે કે નવરાત્રી દરમ્યાન સાચી રીતે મા દુર્ગા સપ્તશતીનો પાઠ કરવામાં આવે તો મા દુર્ગા આપની પર પ્રસન્ન થઇ આપને મનોકામના પૂર્તિના આશિષ આપે છે. નવરાત્રીમાં મા દુર્ગાના નવ રૂપોની વિધિ વિધાન સાથે પૂજા અર્ચના કરવામાં આવે છે.

સાથે જ મા દુર્ગાના સપ્તશતી પાઠનો પણ મહિમા જણાવવામાં આવ્યો છે. કહે છે કે નવરાત્રીના નવ દિવસો દરમ્યાન નિત્ય દુર્ગા સપ્તશતીનો પાઠ કરવાથી ઘરમાં રહેલી નકારાત્મક ઊર્જાનો નાશ થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિમાં વધારો થાય છે. સાથે જ મા દુર્ગા પ્રસન્ન થઇને હંમેશા તેમના ભક્ત પર કૃપા વરસાવતા રહે છે. પરંતુ, મા દુર્ગા સપ્તશતીનો પાઠ કરતા સમયે અમુક વિશેષ સાવધાની રાખવી જરૂરી છે. નહીં તો, આપને તેના પૂર્ણ ફળની પ્રાપ્તિ નહીં થાય ! ત્યારે આવો જાણીએ કે દુર્ગા સપ્તશતીનો પાઠ કરતી વખતે કઇ બાબતોનું ધ્યાન રાખશો ?

દુર્ગા સપ્તશતીનો પાઠ કરતી વખતે શું ધ્યાન રાખશો ?

⦁ દુર્ગા સપ્તશતીનો પાઠ કરવા તમે આસન પર બેસો તે પહેલા સ્વયંની શુદ્ધિ હોવી જરૂરી છે. એટલે કે જો તમે સાંજના સમયે પણ દુર્ગા સપ્તશતીનું પઠન કરો છો, તો તે સ્નાન બાદ સ્વચ્છ વસ્ત્ર ધારણ કરીને પછી જ પઠનનો આરંભ કરવો જોઈએ.

⦁ દુર્ગા સપ્તશતીનો પાઠ શરૂ કરતા પહેલા પુસ્તકને નમન કરવું, આદ્યશક્તિનું ધ્યાન કરવું અને ત્યારબાદ પ્રણામ કરીને પાઠ શરૂ કરવો જોઇએ.

⦁ દુર્ગા સપ્તશતી પાઠને હંમેશા લાલ રંગના કપડા પર રાખવું જોઇએ. તેની પુષ્પ, કુમકુમ અને અક્ષતથી પૂજા કરવી જોઈએ.

⦁ દુર્ગા સપ્તશતીના પાઠ પહેલા નવાર્ણ મંત્ર, કવચ અને અર્ગલા સ્ત્રોતનો પાઠ અવશ્ય કરો. ત્યારબાદ જ દુર્ગા સપ્તશતીનો પાઠ કરો.

⦁ દુર્ગા સપ્તશતીના પાઠ સમયે શબ્દોના ઉચ્ચાર સ્પષ્ટ અને સાચા હોવા જરૂરી છે.

⦁ દુર્ગા સપ્તશતીનો પાઠ કરતા સમયે પુસ્તક ક્યારેય હાથમાં લઇને ન વાંચવું જોઇએ. તેને કોઇ બાજઠ, સ્ટેન્ડ કે પાટલા પર રાખીને જ પઠન કરવું જોઇએ. આ કાર્ય કરવાથી દેવી માતા ઝડપથી પ્રસન્ન થાય છે.

⦁ દુર્ગા સપ્તશતીનો પાઠ કરતા સમયે આપે વિરામ ન લેવો જોઇએ. જ્યારે પણ આ પાઠ શરૂ કરો ત્યારે વચ્ચે રોકાવું ન જોઇએ. એક અધ્યાય સમાપ્ત થયા પછી વચ્ચે 10 કે 15 સેકન્ડનો વિરામ લઇ શકાય.

⦁ દુર્ગા સપ્તશતીનો પાઠ કરતા સમયે એ ખ્યાલ રાખવો કે આપની વાંચવાની ગતિ વધુ પણ ન હોવી જોઇએ અને ધીમી પણ ન હોવી જોઇએ. તે વાતનું ધ્યાન રાખવું. મધ્યમ ગતિએ તમારે દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો જોઇએ.

⦁ જો એક દિવસમાં પાઠ ન કરી શકાય તો પહેલા દિવસે માત્ર મધ્યમ ચરિત્રનો પાઠ કરો. બીજા દિવસે બાકીના 2 ચરિત્રનો પાઠ કરો.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles