fbpx
Tuesday, April 30, 2024

રસોડાની આ નાની-નાની વસ્તુઓ વ્યક્તિને બનાવે છે ગ્રહ દોષથી મુક્ત!

જ્યોતિષ શાસ્ત્રમાં નવ ગ્રહ દર્શાવેલા છે અને તે દરેક ગ્રહના પરિવર્તનની અસર વ્યક્તિના જીવન પર પડે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કેટલાંક ગ્રહોના બદલાવ શુભ પરિણામ પણ આપતા હોય છે. એ જ રીતે કુંડળીમાં કેટલાક ગ્રહોની સ્થિતિ સારી ન હોવાના કારણે તે અશુભ ફળ પ્રદાન કરે છે. જો કોઇ વ્યક્તિની રાશિ કે કુંડળીમાં ગ્રહ શુભ અને શક્તિશાળી છે તો વ્યક્તિને જીવનમાં હંમેશા સફળતા જ પ્રાપ્ત થાય છે.

એ જ રીતે નવમાંથી કોઇ એક ગ્રહ નબળો હોય તો વ્યક્તિના જીવનમાં સમસ્યાઓ આવતી રહે છે. એટલે જ લોકો કહે છે કે અશુભ ગ્રહના પ્રભાવને ઓછો કરવા માટે કેટલાક ઉપાયો અજમાવવા જોઇએ. પરંતુ, શું આપને ખ્યાલ છે કે આપના રસોડામાં જ કેટલીક એવી વસ્તુઓ છે કે જેનો ઉપયોગ કરીને તમે ગ્રહોની સ્થિતિને મજબૂત કરી શકો છો ! એટલે કે, અશુભ ગ્રહની અસરને ઓછી કરીને ગ્રહદોષની શાંતિ કરી શકો છો ! આવો, આજે આવાં જ પ્રભાવશાળી ઉપાયો વિશે જાણીએ.

સૂર્ય

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્યને ગ્રહોના રાજા માનવામાં આવે છે. એટલે જ કુંડળીમાં સૂર્ય ગ્રહને મજબૂત કરવા માટે શુદ્ધ ઘી, કેસર, ઘઉંથી બનેલી વસ્તુઓનો ઉપયોગ કરવો જોઇએ તેમજ તેનું દાન કરવું જોઇએ.

ચંદ્ર

માન્યતા અનુસાર ચંદ્રને મજબૂત કરવા માટે જળ જ યોગ્ય છે ! તેના માટે ચંદ્રમાને જળ અર્પણ કરવું જોઇએ. સાથે જ ભોજનમાં રસદાર ફળો, શરબત તેમજ ચોખાનો વિશેષ ઉપયોગ કરવો જોઇએ. કહે છે કે તેનાથી ચંદ્ર બળવાન બને છે.

મંગળ ગ્રહ

જો તમારો મંગળ ગ્રહ નબળો હોય તો મંગળને મજબૂત બનાવવા માટે લોટના ગળ્યા રોટલા બનાવી હનુમાનજીને અર્પણ કરવા જોઈએ. સાથે જ લાલ રંગના ફળ, શાકભાજીનો વધારે ઉપયોગ કરવો જોઈએ. તેનાથી મંગળ ગ્રહ બળવાન બને છે.

બુધ ગ્રહ

બુધ ગ્રહને મજબૂત બનાવવા માટે કોથમીર, વરિયાળી, મગની દાળ, લીલા શાકભાજીનો ઉપયોગ વધારે કરવો જોઇએ. તેનાથી બુધ ગ્રહ મજબૂત બને છે. સાથે જ સરગવાની શીંગો, ત્રિફળનો પણ ઉપયોગ કરવો. તેમજ આ વસ્તુઓનું દાન કરવું પણ લાભદાયી બની શકે છે.

ગુરુ ગ્રહ

જો કોઇની કુંડળીમાં ગુરુ ગ્રહ નબળો હોય અથવા તો તેની અશુભ અસર આપતો હોય તો તેમણે હળદર, કેસર અને કેળા જેવી પીળા રંગની વસ્તુઓનું દાન કરવું જોઇએ. તેનાથી તમારો ગુરુ ગ્રહ મજબૂત બનશે.

શુક્ર ગ્રહ

શુક્ર ગ્રહ કુંડળીમાં નબળો હોય તો તેને બળવાન બનાવવા માટે ચોખા, દૂધ જેવી સફેદ રંગની વસ્તુઓનું દાન કરી શકાય છે. તેની સાથે મખાના અને ચોખામાંથી બનેલી ખીરનું સેવન પણ કરવું જોઇએ. સફેદ રંગની વસ્તુઓનું સેવન કરવાથી આપનો શુક્ર ગ્રહ મજબૂત બને છે.

શનિ ગ્રહ

માન્યતા અનુસાર જો કોઇની કુંડળીમાં શનિ ગ્રહ અશુભ ફળ આપતો હોય તો સરસવનું તેલ, કલોંજી અથવા કાળા તલનો ઉપયોગ કરવો. તેમજ આ વસ્તુઓનું દાન કરવું આપના માટે લાભદાયી બને છે.

રાહુ-કેતુ

રાહુ-કેતુના અશુભ પ્રભાવોથી બચવા જવનો પ્રયોગ લાભદાયી સાબિત થઈ શકે છે. આ માટે, જવને વહેતા પાણીમાં પ્રવાહિત કરવા જોઈએ. માન્યતા અનુસાર આમ કરવાથી વ્યક્તિને રાહુ-કેતુના દોષોથી શાંતિ પ્રાપ્ત થાય છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles