fbpx
Saturday, May 18, 2024

પાપનાશક ધામ યમુનોત્રી ધામની મહાનતા જાણો

દરેક ભક્તની એવી ઈચ્છા રહેતી હોય છે કે જીવનમાં એકવાર તો તે ચારધામના દર્શન કરી જ લે અને એમાંય જો તે મુખ્ય ચારધામના દર્શને ન જઈ શકે તો ઉત્તરાખંડના ચારધામ એટલે કે નાના ચારધામનું શરણું તો મેળવી જ લે. પણ, જાણો છો આ ચારધામની યાત્રાનો પ્રારંભ તો યમુનોત્રી ધામના દર્શનથી જ થાય છે.

એટલે કે જો તમે યમુનોત્રીના દર્શન પહેલાં ગંગોત્રી, કેદારનાથ કે બદરીનાથના દર્શન કરી લો તો તેના પૂર્ણ ફળની પ્રાપ્તિ નથી થતી. ત્યારે ચાલો આપને યમુનોત્રી ધામની મહિમા જણાવીએ.

પાવની યમુના નદી એ ભારતની સૌથી પવિત્ર નદીઓમાંથી એક મનાય છે. વાસ્તવમાં તો ગંગાનદી બાદ ભારતખંડમાં યમુનાની જ મહત્તા છે. અને યમુનોત્રી એ આ જ પાવની યમુનાનું ઉદગમ સ્થાન છે ! સૌથી મહત્વની વાત તો એ છે કે ગંગોત્રી કરતા પણ સર્વ પ્રથમ યમુનોત્રીના જ દર્શનનો મહિમા છે.

ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં યમુનોત્રીધામ વિદ્યમાન છે. સમુદ્રની સપાટીથી આ ધામ 3323 મીટરની ઊંચાઈ પર સ્થિત છે. પાવની ભૂમિ હરિદ્વારથી યમુનોત્રીનું અંતર 244 કિલોમીટર છે. મોટાભાગે શ્રદ્ધાળુઓ વાહન માર્ગે હરિદ્વાર કે ઋષિકેશથી હનુમાન ચટ્ટી પહોંચતા હોય છે. આ હનુમાન ચટ્ટીથી આગળ ભક્તો પોતાના વાહનોનો ઉપયોગ કરી શકતા નથી. અહીંથી નાના વાહનો મારફતે ભક્તોને 8 કિલોમીટરના અંતરે આવેલ જાનકી ચટ્ટી સુધી પહોંચાડવામાં આવે છે. અને પછી જાનકી ચટ્ટીથી જ ભક્તો મા યમુનાના પ્રગટ સ્થાન પર પહોંચવાની પાંચ કિલોમીટરની પગપાળા યાત્રાનો પ્રારંભ કરે છે.

જે શ્રદ્ધાળુઓ પગપાળા ચાલવા સમર્થ ન હોય તેમના માટે ખચ્ચર અને પાલખીની સુવિધાઓ પણ જાનકી ચટ્ટીથી જ ઉપલબ્ધ બને છે. ભક્તો મા યમુનાનો જયકાર કરતા અને પ્રકૃતિનો આનંદ માણતા મા યમુનાના પ્રગટસ્થાનના દર્શન માટે આગળ વધતા રહે છે. યમુનોત્રી તો તમામ પાપોનો નાશ કરતું સ્થાન ! આ જ છે ભક્તોને સ્વર્ગલોકની પ્રાપ્તિ કરાવતું ધામ ! માના દર્શન પૂર્વે ભક્તોએ કરવું પડે છે તપ્ત કુંડમાં સ્નાન !

યમુનોત્રી ધામમાં યમુના નદીનું જળ અત્યંત શીતળ છે. એટલું શીતળ કે તેમાં હાથ નાંખવો પણ મુશ્કેલ બને. જ્યારે નદીની એકદમ સમીપે જ બનેલા તપ્ત કુંડમાં ગરમ જળ અવિરત વહ્યા કરે છે. એટલું ગરમ કે વરાળ સ્પષ્ટપણે જોઇ શકાય. આ જળમાં સ્નાન માત્રથી જ તમામ થાક દૂર થઈ જાય છે. આ દેહશુદ્ધિ બાદ તેઓ મનશુદ્ધિ અર્થે મંદિર તરફ પ્રયાણ કરે છે. જ્યાં ગર્ભગૃહમાં તેમને થાય છે અત્યંત દિવ્ય પ્રતિમાઓના દર્શન.

અહીં ગર્ભગૃહમાં માતા યમુનાની નીલવર્ણી ચતુર્ભુજ પ્રતિમા પ્રસ્થાપિત છે. દેવી અહીં કાચબા પર વિદ્યમાન થયા છે. તો તેમની જમણી તરફ દેવી ગંગાનું મૂર્તિ સ્વરૂપ પણ બિરાજમાન થયું છે. તો તે બંન્નેની વચ્ચે વિદ્યમાન કરાઈ છે ચાંદીમાંથી નિર્મિત મા યમુનાની જ ઉત્સવ પ્રતિમા !

અહીં એક જ ગર્ભગૃહમાં મા યમુના અને ગંગા એકસાથે દર્શન આપી રહ્યા છે. તેની સાથે પણ એક રોચક કથા જોડાયેલી છે. કહે છે કે આ ભૂમિ અસિત મુનિની તપઃસ્થલી રહી છે. અસિત મુનિએ આજીવન ગંગા અને યમુના સ્નાનનું પ્રણ લીધું હતું. તેમના યોગબળે તેઓ નિત્ય અહીંથી ગંગા સ્નાન માટે જતા. પણ, વૃદ્ધાવસ્થાએ પહોંચતા તેઓ અસમર્થ બન્યા. કહે છે કે ત્યારે ભક્તના પ્રણની લાજ રાખવા દેવી ગંગાએ તેમની એક ધારા યમુનાની સમીપે પ્રવાહિત કરી. ગંગા-યમુના સ્નાનનું અસિત મુનિનું પ્રણ સચવાયું. અને પછી ગંગા યમુનાજી સાથે જ મંદિરમાં પણ વિદ્યમાન થયા.

પુરાણોમાં આ ભૂમિની આગવી જ મહત્તાનું વર્ણન છે. સ્કંદપુરાણાનુસાર જે મનુષ્ય અહીં આસ્થા સાથે યમુનાજીમાં સ્નાન કરી લે છે તેને ક્યારેય યમલોકનો ત્રાસ સહન નથી કરવો પડતો. કારણ કે યમુના સ્નાનથી જીવને સ્વર્ગલોકની પ્રાપ્તિ થઈ જાય છે. માન્યતા અનુસાર યમુનાજીના ભાઈ યમદેવતાએ સ્વયં યમુનાજીને આ વચન આપ્યું છે. ત્યારે તેમની બહેનના મંદિરમાં યમરાજના પણ શ્રદ્ધાળુઓને દર્શન થાય છે.

વાસ્તવમાં યમુનોત્રી ધામ એ પાપનાશક ધામ તરીકે ખ્યાત છે. કહે છે કે જે જીવ અહીં યમુનાજીના દર્શન કરી ત્રણ રાત્રી નિવાસ કરે છે તેના બધાં જ પાપ બળીને રાખ થઈ જાય છે. એટલું જ નહીં મા અકાળ મૃત્યુથી તેમના ભક્તોની રક્ષા કરતા હોવાની પણ માન્યતા છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ મા યમુનાના આ પ્રગટ સ્થાનના દર્શને ઉમટતા જ રહ્યા છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles