fbpx
Monday, May 6, 2024

56 ભોગનું આ રહસ્ય તમે નહીં જાણતા હોવ ! શ્રીકૃષ્ણના 56 ભોગનો કમળ પુષ્પ સાથે ગાઢ નાતો છે, જાણો

સમગ્ર વિશ્વમાં માત્ર અને માત્ર એક કમળ જ એવું ફૂલ છે કે જે સાતે સાત રંગોમાં ખીલે છે. હિંદુ ધર્મમાં આ કમળનું એક આગવું જ મહત્વ છે. દેવી લક્ષ્‍મીજીનું તો આસન પણ કમળ જ છે. અને દેવી સ્વયં પણ કમળપુષ્પ અર્પણ કરવાથી પ્રસન્ન થનારા છે.

દેવીની આ કમળ પ્રિયતાને લીધે જ તેમને દેવી કમળા અને ભગવાન વિષ્ણુને કમળાપતિના નામે પૂજવામાં આવે છે. પણ, ઘણાં ઓછાં લોકો એ જાણે છે કે શ્રીવિષ્ણુને અર્પિત થતાં 56 ભોગ સાથે પણ આ કમળ પુષ્પનો ગાઢ નાતો રહેલો છે.

શ્રીવિષ્ણુનો આઠમો અવતાર એટલે ભગવાન શ્રીકૃષ્ણ. અને આ શ્રીકૃષ્ણના વિવિધ સ્વરૂપોને 56 ભોગ અર્પણ કરવાની પ્રણાલી છે. દ્વારકામાં વિદ્યમાન દ્વારિકાધીશ હોય કે પછી ડાકોરમાં બિરાજમાન રણછોડરાય હોય, પ્રભુના આ દિવ્ય સ્વરૂપોને 56 ભોગ અર્પણ કરવામાં આવે છે. સામાન્ય રીતે એવી માન્યતા છે કે ૫૬ ભોગ માટે ૭૦ ડબ્બા શુદ્ધ ઘી, ૨૫૦ કિલો મેંદો, ૫૦ ગુણી ખાંડ, મોટી માત્રામાં સૂકામેવા તેમજ અન્ય પૂરક સામગ્રી વપરાય છે. પ્રભુને અર્પણ કરવા માટે છપ્પન પ્રકારની સામગ્રીનું નિર્માણ થતું હોઈ તેને ૫૬ (છપ્પન) ભોગ કહેવામાં આવે છે. અને આ ૫૬ ભોગ સાથે કમળનું પુષ્પ કઈ રીતે સંકળાયેલું છે, તે આજે આપને જણાવીએ.

એક અન્ય માન્યતા અનુસાર, ગૌલોક ધામમાં ભગવાન શ્રીકૃષ્ણ રાધિકાજી સાથે એક દિવ્ય કમળ પર બિરાજે છે. આ કમળના 3 સ્તર હોય છે. જેમાં પ્રથમ સ્તરમાં 8, બીજા સ્તરમાં 16 અને ત્રીજા સ્તરમાં 32 પાંખડીઓ હોય છે. દરેક પાંખડી પર એક પ્રમુખ સખી વિદ્યમાન હોય છે અને મધ્યમાં ભગવાન સ્વયં બિરાજે છે. આ રીતે કમળ પુષ્પની કુલ પાંખડીઓની સંખ્યા 56 હોય છે. ત્યારે છપ્પન ભોગની 56 સંખ્યાનો અર્થ એ જ થાય છે કે, તેનાથી ભગવાન શ્રીકૃષ્ણ પોતાની સખીઓ સાથે તૃપ્ત થાય છે !

અન્ય એક માન્યતા અનુસાર ‘કમળ’ એ બ્રહ્મનું પ્રતિક છે. તેના ત્રણ સ્તર એ ત્રણ લોકનું પ્રતિક છે. પુષ્પની પ્રથમ સ્તરની આઠ પાંખડી શ્રીકૃષ્ણની આઠ પટરાણીઓનું પ્રતિનિધિત્વ કરે છે. બીજા સ્તરની સોળ પાંખડી એ સોળ શણગાર અને સોળ કળાનું પ્રતિનિધિત્વ કરે છે. અને અંતની બત્રીસ પાંખડી એ શરીરના બત્રીસ કોઠાનો નિર્દેશ કરે છે.

56 ભોગમાં પંજરીના પ્રસાદની સાથે સાથે અનાજ, ફ્રૂટ્સ, મીઠાઈ, ડ્રાયફ્રૂટ્સ, પીણા, નમકીન અને અથાણા જેવી ચીજો પણ સામેલ હોય છે. મોટાભાગે લોકો 20 પ્રકારની મીઠાઈઓ, 16 પ્રકારના નમકીન અને 20 પ્રકારના ડ્રાયફ્રૂટ્સ ધરાવે છે. માખણ, ખીર, બદામનું દૂધ, ટિક્કી, મગની દાળનો હલવો, જલેબી, રબડી, મઠરી, માલપુઆ, મોહનથાળ, ચટણી, ભજિયા, ખીચડી, પૂરી, ગળ્યો ભાત, દાળ, બટાકાનું શાક, પાપડ, દહીં, કઢી, ઘેવર, ચિલ્લા, રીંગણનું શાક વગેરે 56 ભોગમાં મુખ્ય હોય છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles